‘માત્ર આવતા જનમમાં જ નહીં, પણ આવનારા જેટલા જનમ છે એ દરેકેદરેક જનમમાં મને ફરી-ફરી સ્ત્રીરૂપે જ જન્મ લેવાનું ગમશે અને હું એ જ ઇચ્છુ છું...’
કવિતા કૌશિક
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હવે દેશ-દુનિયામાં ઉત્સવની જેમ મનાવાય છે, મનાવવો પણ જોઈએ. જે આખા બ્રહ્માંડનું જતન કરવા, પ્રકૃતિ બની પ્રત્યેક જીવનું પોષણ કરવા અને આખા સંસારને સ્નેહનું સિંચન કરવા સમર્થ હોય એ સ્ત્રીત્વનું તો સેલિબ્રેશન જ હોય. દુઃખદર્દ દૂર કરીને પોષણ આપનારી, પ્રેમ અને હૂંફથી સંબંધોમાં સુવાસ ભરનારી અને ડગલે ને પગલે જીવનને અનેરી આશાનાં કિરણો તરફ ગતિ કરાવનારી નારીની કૅપેબિલિટીને ‘મિડ-ડે’ નમન કરે છે. ‘મિડ-ડે’ સલામ કરે છે સ્ત્રીઓના સશક્ત અને સૌહાર્દમય અસ્તિત્વને. આ ખાસ દિવસે પ્રસ્તુત છે પ્રેરણામયી મહિલાઓની રોમાંચક દાસ્તાન લાઇફ પ્લસના મહિલા વિશેષાંકમાં
‘માત્ર આવતા જનમમાં જ નહીં, પણ આવનારા જેટલા જનમ છે એ દરેકેદરેક જનમમાં મને ફરી-ફરી સ્ત્રીરૂપે જ જન્મ લેવાનું ગમશે અને હું એ જ ઇચ્છુ છું...’
ADVERTISEMENT
જાણીતી ટીવી સ્ટાર કવિતા કૌશિકના આ શબ્દો છે. સ્ત્રી હોવાનું તેને ગૌરવ છે અને એ માટે તેની પાસે સજ્જડ કારણો પણ છે. જીવનમાં આવતા અઢળક ઉતારચડાવ ઘણી વાર સ્ત્રીને પોતાને જ એવું વિચારવા પર મજબૂર કરી દે કે બસ, બહુ થયું. શું દર મહિને પ્રી-મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રૉમ સહેવાના? અને શું કામ પ્રેગ્નન્સીનું પેઇન, મેનોપૉઝનો ખાલીપો વેઠવાનો? એમાં વજન વધે અને હૉર્મોન્સના ઉતારચડાવ વચ્ચે બીજી સમસ્યા જન્મે એ લટકામાં. પુરુષો જેનાથી મુક્ત છે એવી તકલીફો જેનો નિશ્ચિતપણે સામનો કરવાનો છે અને જે પીડાનો સહજ સ્વીકાર જ કરવાનો છે એ છતાં નારીને શું કામ ફરી વાર નારી જ બનવું છે એની વાત કરીએ.
એક વાર નહીં, પણ એક હજાર વાર વુમનહુડને હું એન્જૉય કરીશ એમ જણાવતાં કવિતા કૌશિક કહે છે, ‘કબૂલ કે મસલ્સ સ્ટ્રેંગ્થ સ્ત્રીઓ કરતાં પુરુષની વધારે છે પણ એ પછીયે શક્તિ તરીકે તો સ્ત્રી જ પૂજાય છે; કારણ કે એક બાળકને જન્મ આપવાનું કૌવત તો આ જગતમાં માત્ર મહિલા જ દેખાડી શકે છે. સ્ત્રીનો નર્ચરર તરીકેનો જે રોલ છે એ રિપ્લેસ કરી શકાય એવો છે જ નહીં. હું માનું છું કે આ વિશ્વ શિવ અને શક્તિના મિલનનું પ્રતીક છે. શિવ વિના શક્તિ અધૂરી અને શક્તિ વિના શિવ. બન્ને એકબીજાનાં પૂરક છે. શિવ ક્રીએટર છે તો શક્તિ નર્ચરર. શિવ સર્જક છે તો શક્તિ પોષણ આપે છે. હું માનું છું કે માત્ર બાળકને જન્મ આપીને પોતાના બાળકનું પોષણ કરનારી સ્ત્રી જ માતા નથી, પણ અન્યનાં બાળકોને, મૂક પશુ-પંખીઓને, બીમાર માતાપિતાને એમ દરેક સ્તર પર પોષણ આપવાની ભૂમિકા સ્ત્રીઓ નિભાવતી હોય છે. માતા ન બની હોય એવી સ્ત્રીઓમાં પણ માતૃત્વનો ગુણ હોય છે. આ પોષણ આપવાની સ્ત્રીની ખૂબીને હું વારંવાર જીવવા માગું છું. તેના અસ્તિત્વના આ પાસા માટે મને એમ પ્રાર્થના કરવાનું મન થાય છે કે આવતા જનમમાં, એના આવતા જનમમાં અને જનમોજનમમાં મારે માત્ર અને માત્ર સ્ત્રી જ બનવું છે.’
કવિતા કૌશિક પાસે ત્રણ અડૉપ્ટ કરેલાં પાળતુ પ્રાણી છે. એક જર્મન શેફર્ડ અને હસ્કીની મિક્સ બ્રીડનો ડૉગ, એક પર્શિયન કૅટ અને એક લોકલ સ્ટ્રીટ કૅટ. આ ત્રણેયનું પોતાના બાળકની જેમ જતન તે કરે છે અને એમાં તેને માતૃત્વ જેવી ફીલ આવે છે.
અન્યને પ્રેમના સિંચનથી વિકસિત કરવાનો ગુણ કંઈ નાનોસૂનો નથી અને એ સ્ત્રીમાં જન્મજાત ઇન્સ્ટૉલ થયેલો ગુણ છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે ત્યાં સ્ત્રીઓનું સ્ત્રી પ્રત્યેનું વલણ જોઈએ એવું નથી એવું જણાવતાં કવિતા કહે છે, ‘સિસ્ટરહુડની જે ખાસિયત છે અને સિસ્ટરહુડનો જે ગુણ છે એ સ્ત્રીઓએ પોતાનામાં ડેવલપ કરવાની જરૂર છે. દરેક સ્ત્રીના જીવનમાં એક સ્ત્રી હોવી જોઈએ જે સ્ટ્રૉન્ગ હોય, પાવરફુલ હોય અને જરૂર પડે ત્યારે હાથ પણ ઝાલી શકતી હોય. બહુ જ જરૂરી છે જાતને બહેતર બનાવવા માટે એ. આપણા ઘરમાં આપણી માસી, ફૈબા, ભાભી, મામી, કાકી અથવા તમારા ટીચર કે કોઈ અન્ય એવી સ્ત્રી જે પાવરફુલ છે, જેનામાં તમને દિશા દેખાડવાની અથવા તો તમે હાર્યા હો એ સમયે તમને હિંમત આપીને ઊભા કરવાની ક્ષમતા ધરાવતી હોય તેને સ્થાન આપજો. મહિલાઓને હું આ મેસેજ આપું છું.’
કવિતાના આ મેસેજમાં શીખ પણ છે અને સમજણ પણ ભારોભાર છે.


