ટીવી સ્ટાર કવિતા કૌશિક માત્ર આવું કહેતી જ નથી પણ કોઈ શેફ ઝાંખો પડે એવી અને એટલી વરાઇટી કુકિંગમાં બનાવી જાણે છે. કોઈ જાતની ટ્રેઇનિંગ વિના કેકથી લઈને દરેક પ્રકારના ક્વિઝીન પર હાથ અજમાવી ચૂકેલી કવિતા પાસેથી કુકિંગની વાતો જાણવા જેવી છે
જો હું ઍક્ટર ન હોત તો સોએ સો ટકા શેફ હોત
ઍક્ટિંગ પછી ફૂડ જ બીજી એવી બાબત છે જેમાં મારું એક્સાઇટમેન્ટ હંમેશાં સ્કાય પર હોય. તમે બિલીવ નહીં કરો પણ ખરેખર જાતજાતની વરાઇટી મેં બનાવી છે. ઍક્ટરની જેમ જ ઑફ સ્ક્રીન શેફ તરીકે પણ મારું સારુ એવું ફૅન ફૉલોઇંગ છે અને દિલથી કહું છું કે જો ઍક્ટિંગ તરફ ન વળી હોત તો હું ખરેખર પ્રોફેશનલ શેફ બની હોત. કુકિંગ તરફ વળવાનું કારણ, મારી હૉસ્ટેલ લાઇફ. હૉસ્ટેલ લાઇફ જેણે જીવી હશે એ દરેક ખાવાની અને બનાવવાની બાબતમાં જાણકાર થઈ જ ગયા હોય. મેસનું બોરિંગ ખાવાનું ખાઓ પછી તમને સ્વાદની વૅલ્યુ થાય, સ્વાદિષ્ટ ભોજનની કદર થાય. અભાવ એ શીખવા માટે બહુ મોટો રોલ અદા કરતો હોય છે. મને આજે પણ યાદ છે કે બિલકુલ જેલમાં મળે એવું રસહીન ખાવાનું અમને નૈનિતાલની હૉસ્ટેલમાં મળતું.
તડકા વિનાની દાળ, જાડી અને એ પણ ઠંડી રોટલી, જાડા-જાડા ભાત અને લગભગ રોજ એક જેવો સ્વાદ આપતું શાક. ખરેખર, ત્યાં તમે પનીરનું શાક ખાઓ કે બટાટાનું, સ્વાદમાં તમને કોઈ ફરક ન લાગે. આવું એકનું એક ખાવાનું ખાઈને ધીમે-ધીમે સારું ખાવાનું કેવું હોય, કોને કહેવાય એના પર રિસર્ચ પણ વધ્યું અને પછી સહજ રીતે શીખવાનું પણ શરૂ થયું. હૉસ્ટેલનું ખાવાનું ખાતી વખતે મને વિચાર આવતો કે આ દાળમાં ફલાણા મસાલા નાખ્યા હોત તો એનો સ્વાદ કેવો આવતો હોત અને એ સ્વાદનો આનંદ લેતાં-લેતાં હું એ દાળ ખાઈ લેતી.
એ સમયે મને ખાવાનું બનાવવાનો ગજબ શોખ અને મારી મમ્મીને ખાસ કુકિંગ ગમે નહીં એટલે હું ઘરે જમવાનું બનાવું અને પછી કૉલેજ જાઉં. મારી ફ્રેન્ડ ગરિમા સાથે હું રેસિપી, એના સ્વાદ અને દુનિયાભરની ફૂડ આઇટમો પર ખૂબ વાતો કરીને એક્સપરિમેન્ટ્સ કરતી. કેવું કહેવાય કે એ સમયે જાતે કુક કરવું જરૂરિયાત હતી અને આજે એ શોખ છે. હવે તો ઘરે બધી જ ટાઇપના હેલ્પર અને કુક છે છતાં પણ મને પોતાને જ્યારે તૃપ્તિી જોઈતી હોય તો હું જાતે જ બનાવીને ખાવાનું પસંદ કરું છું.
સેકન્ડ હાફ
હું માનું છું કે ઍક્ટિંગની જેમ કુકિંગ પણ અંદરથી આવે, એ શીખવી ન શકાય. મારી સિરિયલ ‘એફઆરઆઇ’નું શૂટિંગ ચાલતું અને માથું ચડ્યું હોય તો સ્પૉટબૉય પાસે ચા મંગાવીએ પણ ચા બરાબર ન હોય તો મારો શૉટ પૂરો થયા પછી હું આખા યુનિટમાં જેને-જેને ચા પીવી હોય તેમને આંગળી ઊંચી કરવાનું કહું અને બધા માટે ચા બનાવું. વરસાદના દિવસોમાં ચાના એ એક જ વાસણથી કામ ચલાવીને ચણાનો લોટ, કોબીજ, કાંદા મંગાવીને ભજિયાં પણ બનાવી દેતી. ખાવા અને ખવડાવવાનો મને શોખ છે. એક પણ તક હું એની જવા નથી દેતી.
અમે ગીરના જંગલમાં વચ્ચોવચ અમારા એક પરિચિતના મહેલમાં રહ્યા હતા. ત્યાં ચાર ઇંટ ગોઠવીને બહારના ભાગમાં મેં ખાવાનું બનાવ્યું હતું. મદદ કરવા માટે અને રસોઈ બનાવવા માટે ઘણા હેલ્પર હતા પણ ખાવાનું તો મેં જાતે જ બનાવ્યું. હમણાં અમે વિયેટનામ ગયા ત્યારે એક દિવસ ત્યાંની ફિશરમૅન કમ્યુનિટી સાથે રહેલા. તેઓ શું ખાય અને કેવી રીતે જીવે એ બધો અનુભવ અમે લીધો. ત્યારે વિયેટનામની ખૂબ જ ફેમસ આઇટમ છે ‘ફ’. આ ખાવાની ડિશનું નામ છે. ત્યાં અમે ચાખી અને એ પછી ડિટ્ટો એ જ સ્વાદ સાથે મેં એ આઇટમ ઘરે બનાવી અને બધાને બહુ જ ભાવી.
ફૂડમાં જેટલું એક્સપ્લોર થઈ શકે એટલું એક્સપ્લોર કરવું મને ગમે. દરેક નવા સ્વાદ ટ્રાય કરવામાં હું માનું છું. અત્યારે માત્ર ઇન્ડિયન દેશી આઇટમો જ નહીં પણ ચાઇનીઝ, મુઘલાઈ, ઇટાલિયન, મેક્સિકન, કૉન્ટિનેન્ટલ અને બેકિંગ આઇટમો એમ બધું જ પર્ફેક્ટ બને છે. મમ્મી બંગાળી એટલે નૉનવેજ ફૂડ પર જોર જરા વધારે રહેતું પણ હવે હું વેજિટેરિયન તરફ વળવા માંડી છું. અત્યારે ઇટાલિયન ફૂડમાં હું વધુમાં વધુ વેજિટેબલ્સનો ઉપયોગ કરું છું.
એક્સ્ટ્રા શૉટ
ઘર જેવી ચોખ્ખાઈ બહારના ફૂડમાં હોતી નથી. તમે જે રીતે શાકભાજી ખરીદો અને હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ્સનો આગ્રહ રાખો એ બહાર ન જ રહી શકે. વધારે ટેસ્ટી બનાવવા માટે વધારે તેલ, વધારે મસાલા, બટર, ચીઝ વગેરેનો વપરાશ કરવો જ પડે. એ વિના સ્વાદ ન આવે એટલે જો હેલ્ધી ખાવું હોય તો ઘરનું ફૂડ જ બેસ્ટ છે.
ઢોકળાં ક્યારે બનશે સારાં?
અત્યાર સુધીમાં બધી જ દેશી અને વિદેશી આઇટમો પર હાથ અજમાવી ચૂકી છું અને બધી જ આઇટમો ખૂબ સરસ બની છે પણ એક આઇટમ એવી છે જેની અનેક વાર ટ્રાય કરી તો પણ મને સક્સેસ નથી મળી એ છે ગુજરાતીઓનાં ઢોકળાં. દરેક રીતે એ ડિશ બહાર જેવી સ્પૉન્જી, સૉફ્ટ અને સ્વાદિષ્ટ બનાવવાની કોશિશ કરી છે પરંતુ કોઈ ને કોઈ કમી તો રહી જ જાય. છેલ્લે કંટાળીને ઘરની નજીક આવેલી દુકાનમાંથી પાર્સલ મંગાવી એ ખાઈને સંતોષ કરી લઉં.


