Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > એક ગામની ગજબની કાયાપલટ કરનાર CEO જેવા સરપંચ

એક ગામની ગજબની કાયાપલટ કરનાર CEO જેવા સરપંચ

Published : 20 March, 2026 10:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૮૯માં હિવરેબજાર ગામના સરપંચ બનેલા પોપટરાવ બાગુજી પવાર વ્યવસાયે ખેડૂત અને પ્રકૃતિએ સામાજિક કાર્યકર છે.

પોપટરાવ બાગુજી પવાર

PoV

પોપટરાવ બાગુજી પવાર


‘દુ:ખભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે...’ આ શબ્દો વાંચીને બીજી કોઈ અટકળ કરો એ પહેલાં જ ખુલાસો કરી દઉં. મહારાષ્ટ્રના અહિલ્યાનગર (જૂનું નામ અહમદનગર) જિલ્લાના એક ગામની વાત વાંચીને મેહબૂબ ખાનની ૧૯૫૭માં આવેલી ક્લાસિક ફિલ્મનું આ લોકપ્રિય ગીત હોઠ પર અડ્ડો જમાવીને બેસી ગયું છે. હિવરેબજાર નામના આ ગામને સિત્તેરથી એંસીના દાયકા દરમિયાન ભયંકર સંજોગોનો સામનો કરવો પડ્યો હતો. પાણીની ભયંકર ખેંચ, સૂકીભઠ અને ચિરાડા પડી ગયેલા એવી ધરતી કોઈ પણ પાકને પોષણ આપવા અક્ષમ હતી. પાક વારંવાર નિષ્ફળ જતા હતા અને આજીવિકાનું અન્ય કોઈ સાધન નહીં. અને આટલું ઓછું હોય એમ ૧૯૭૨માં પડ્યો કારમો દુકાળ. આ બધા સંજોગોએ ગામવાસીઓને લાચાર બનાવી દીધા અને મોટા ભાગના લોકો આ મરતા ગામને છોડીને જતા રહ્યા હતા.

એ જ હિવરેબજાર ગામ નેવુંના દાયકામાં એક લીલુંછમ, હર્યુંભર્યું, ખેતી અને પશુપાલન ઉદ્યોગથી ધબકતું સમૃદ્ધ ગામ બની ગયું છે. સમયે કરવટ બદલી કે કોઈ જાદુઈ છડી જડી ગઈ હિવરેબજારને? ખરેખર હિવરેબજારને એક હીરા જેવો સરપંચ મળી ગયો. અને પછીના દસકામાં તો આ ગામ ‘લખપતિઓના ગામ’ તરીકે જાણીતું અને ‘આદર્શ ગામ’નો ઇલકાબ મેળવવા સક્ષમ બની ગયું.



૧૯૮૯માં હિવરેબજાર ગામના સરપંચ બનેલા પોપટરાવ બાગુજી પવાર વ્યવસાયે ખેડૂત અને પ્રકૃતિએ સામાજિક કાર્યકર છે. અણ્ણા હઝારેની સામાજિક સુધારણા ચળવળના સાથી પવાર વાણિજ્ય વિષયમાં અનુસ્નાતક છે અને અચ્છા ક્રિકેટર પણ. ગામના સરપંચ બન્યા પછી જે રીતે તેમણે આ ગામનો વહીવટ કરી એની કાયાપલટ કરી છે એમાં એક કુશળ CEOની વૈચારિક ક્ષમતા અને કાર્યશૈલીનાં દર્શન થાય છે. પવારે સૌથી પહેલાં તો આ ગામની મુખ્ય સમસ્યાને પારખી અને એના નિવારણ માટે પગલાં ભર્યાં.


ઓછો વરસાદ ધરાવતા આ વિસ્તારમાં તેમણે પ્રથમ કામ ગામની જળની જરૂરિયાત માટે યોગ્ય વ્યવસ્થા કરવાનું કર્યું. રેઇનવૉટર હાર્વેસ્ટિંગ માટે જળ સંરક્ષણ માટે સરકારી ભંડોળ અને ગામજનોની મદદ લઈ બાવન માટીના બાવન બંધો અને પથ્થરના ૩૨ બંધ બાંધ્યા. ચેકડૅમ્સ, પર્કોલેશન ટાંકીઓ અને વરસાદી જળના સંગ્રહનાં માળખાં બનાવ્યાં. મોટા પાયે વૃક્ષો વાવ્યાં.
તેમણે શોધી કાઢ્યું કે ખેતીની નિષ્ફળતા પાછળ એક કારણ પાણીનું મિસમૅનેજમેન્ટ હતું. ખેડૂતો પાણીની જંગી જરૂરિયાત ધરાવતા પાક લેતા હતા. બેફામ બોરવેલ લગાવતા હતા અને ભૂગર્ભ જળનો ઉપયોગ બેજવાબદારીપૂર્વક થતો હતો. આમ ગામમાં ઉપલબ્ધ જળના તમામ સ્રોતોના વપરાશ પછી પણ પાક નિષ્ફળ જતા હતા. પવારે પાણીના વપરાશનું ઑડિટ કર્યું. ગામમાં થતા વાર્ષિક વરસાદનું પ્રમાણ નોંધ્યું. ભૂગર્ભ જળની ઉપલબ્ધતા તપાસી અને ગ્રામજનોના વપરાશ માટે પાકનું કેટલું ઉત્પાદન આવશ્યક છે એ જાણ્યું. આ તમામ માહિતીના આધારે નક્કી કરાયું કે કેટલી જમીન ખેડવી અને કયા-કયા પાક લેવા. આમ પાણીની ઉપલબ્ધતાને આધારે ખેતી કરાઈ. પુષ્કળ પાણી માગતા શેરડી જેવા પાક લેવા પર અને બોરવેલ પર પણ પ્રતિબંધ મૂકી દીધો. એને બદલે ખેડૂતોને દુષ્કાળનો સામનો કરી શકે એવા પાક લેવા પ્રેર્યા. આમ ફૂલો, શાકભાજી, દાળ અને ડેરીઉદ્યોગ ગામના નવા વ્યવસાયો બન્યા. ગ્રામજનોને હવે આવકના એક જ સોર્સ પર આધાર રાખવાની જરૂર ન રહી.

પવારે બીજું એક અત્યંત મહત્ત્વનું કામ સંસ્કૃતિના જતનનું કર્યું. તેમણે કહ્યું કે કોઈ પણ બદલાવ કરવામાં શિસ્ત તો પહેલી જોઈશે, એની સાથે કોઈ બાંધછોડ ન થઈ શકે. એટલે ગામજનોએ કેટલાક કડક સામાજિક નિયમો સ્વીકાર્યા જેમ કે દારૂ પીવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ આવ્યો. બીડી-તમાકુ ને દારૂની દુકાનો બંધ થઈ ગઈ. વાવેલા પાકના રક્ષણ માટે ઢોરોને ખુલ્લાં ખેતરોમાં ચરવા પર મનાઈ ફરમાવવામાં આવી, વૃક્ષો કાપવા પર નિયંત્રણો મૂકવામાં આવ્યાં અને ગામને લગતા નિર્ણયો લેવામાં સામેલ થવું ગ્રામજનો માટે ફરજિયાત બનાવાયું. આમ આ બધા નિર્ણયો અને પગલાં ગ્રામસભાએ લીધાં એટલે એ નિયમો સહુને પોતે બનાવેલા લાગ્યા અને એટલે એનો અમલ પણ ઉત્સાહથી થયો. પરિણામે પરિવર્તન દેખાવા લાગ્યાં. ભૂગર્ભ જળનું સ્તર વધ્યું, સુકાઈ ગયેલા કૂવાઓ છલકાવા લાગ્યા. સૂકી જમીન ફળદ્રુપ અને ખેતીલાયક બની ગઈ. ધરતીનું આ નવું હરિયાળું સ્વરૂપ નાસીપાસ થઈ ગામ છોડી ગયેલા ખેડૂતોને પણ ગામમાં પાછા લાવવામાં સફળ થયું.


પશુપાલન ઉદ્યોગમાં પણ પ્રોત્સાહક પરિવર્તન જોવા મળ્યું. નેવુંમાં ગામમાં રોજનું ૩૩ ગૅલન દૂધ ઉત્પાદન થતું એ થોડાં જ વર્ષોમાં રોજના ૮૮૦ ગૅલન પર પહોંચી ગયું હતું. આજે આ ગામના ખેડૂતોની જિંદગી બેહદ ખુશહાલ છે. નેવું જેટલા લખપતિઓ સાથે હિવરેબજાર સૌથી સમૃદ્ધ ગામ બની ગયું છે. ગામમાં શાળાઓ છે અને આરોગ્યસંભાળ કેન્દ્ર પણ સક્રિય છે. ગામજનોએ પરિવાર નિયોજન પણ અપનાવ્યું છે. અહીં ઘરોમાં ટૉઇલેટ છે, બાયોગૅસ છે, વીજળી છે અને પાણી પણ છે. ગામની સફાઈ ઊડીને આંખે વળગે એવી છે. સફાઈનું ઉદાહરણ  આપતાં સરપંચ ગર્વથી દાવો કરે છે કે એક મચ્છર દેખાડો તો ૧૦૦ રૂપિયા આપું. ખરેખર ગામવાસીઓએ સ્વચ્છતા અને આરોગ્યના પાઠો પણ આત્મસાત્ કર્યા છે. દરેક વ્યક્તિ માત્ર પોતાનું ઘર જ નહીં, પોતાનું ગામ સ્વચ્છ રહે એ માટે સજાગ છે. ૨૦૧૬માં વડા પ્રધાને પોતાના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં આ ગામની વાત કરી એને આદર્શ ગામ કહી બિરદાવ્યું હતું અને પવારને મહારાષ્ટ્રના મૉડલ વિલેજ પ્રોગ્રામના ચૅરમૅન નીમવામાં આવ્યા હતા. તેમનું લક્ષ્ય મહારાષ્ટ્રમાં આવાં બીજાં ૧૦૦ ગામો તૈયાર કરવાનું છે.

હિવરેબજાર ગામને ૧૯૯૫માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા આદર્શ ગામનો ખિતાબ મળ્યો છે અને આ બદલાવના પ્રણેતા પોપટરાવ પવારને ૨૦૨૦માં પદ્‍મશ્રીનું સન્માન આપવામાં આવ્યું છે. લેખની શરૂઆતમાં ટાંકેલી ગીતની પંક્તિ હિવરેબજારને બંધબેસતી છેને? એક માણસ શતપ્રતિશત નિષ્ઠાથી ધારે તો આખા ગામને પોતાની સાથે લઈ શકે છે. આવા CEO જેવા સરપંચ સૌ ગામોને મળો.

Whatsapp-channel Whatsapp-channel

20 March, 2026 10:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK