રેપ જેવું ખરાબ ક્રાઇમ બીજું કોઈ નથી અને એ પછી પણ રેપ જેવા કિસ્સા આપણી સોસાયટીમાંથી દૂર થતા નથી
કલકત્તામાં ટ્રેઇની ડૉક્ટર સાથેના બનાવનો વિરોધ કરવા ગઈ કાલે કલકત્તાની અૅકૅડેમી ઑફ ફાઇન આર્ટ્સમાં વિરોધ પ્રદર્શનનાં સૂત્ર શરીર પર પેઇન્ટ કરાવતી એક વ્યક્તિ
કલકત્તામાં લેડી ડૉક્ટર પર થયેલા રેપની વાતો જે રીતે ન્યુઝપેપરમાં આવે છે, ટીવી-ચૅનલ પર આવે છે એ જોઈને આપણને સમજાય કે સમય આવી ગયો છે કે આ પ્રકારના ક્રાઇમમાં સૌથી કડકમાં કડક કાયદો લાગુ કરવામાં આવે અને એનો અમલ પણ એટલી જ ઝડપથી કરવામાં આવે. રેપ જેવું ખરાબ ક્રાઇમ બીજું કોઈ નથી અને એ પછી પણ રેપ જેવા કિસ્સા આપણી સોસાયટીમાંથી દૂર થતા નથી. મને લાગે છે કે એને રોકવાના બે રસ્તા છે. એક તો લૉ. આપણે એને એટલો સ્ટ્રૉન્ગ બનાવી દેવો જોઈએ કે કોઈને એવું કરવાનો વિચાર કરવામાં પણ ડર લાગવો જોઈએ. અગાઉ અમુક કિસ્સામાં આવું ક્રાઇમ કરનારાને ફાંસીની સજા મળી છે, પણ એમ છતાં હજી એ ફાંસીની સજાનો ડર નાનામાં નાના અને અંદરના ગામના લોકો સુધી પહોંચ્યો હોય એવું મને લાગતું નથી. બીજો રસ્તો છે, તમે તમારા ઘરના સભ્યો પર ધ્યાન આપો અને તેની હરકત પરથી ક્યારેય કંઈ ડાઉટફુલ લાગે તો તરત તેની મેન્ટલ ટ્રીટમેન્ટ કરાવો. જોકે આ જે બીજો રસ્તો છે એ લોઅર-ક્લાસના લોકો માટે અસરકારક બને જ એવું કહી શકાય નહીં અને એટલે આપણે સૌથી પહેલાં તો જે કહ્યો એ પહેલો રસ્તો જ અપનાવવો જોઈએ, આ પ્રકારના ક્રાઇમમાં એ પ્રકારનો કાયદો લાવવો જોઈએ જેનો ડર લોકોના મનમાં જબરદસ્ત રીતે બેસી જાય.
જો એ નવો કાયદો લાવવામાં આવે તો એને લોકો સુધી પહોંચાડવાના રસ્તાઓ પણ અપનાવવા જોઈએ, જેથી સામાન્યમાં સામાન્ય લોકો સુધી એ વાત પહોંચે અને લોકોના મનમાં એનો ડર પેસી જાય. હું માનું છું કે એ બધાની સાથે આપણી સોસાયટીએ પણ આગળ આવવું જોઈએ અને આ પ્રકારનું ક્રાઇમ ન થાય કે પછી એવું કશું બનતું હોય ત્યારે પોતાની સિક્યૉરિટી જાતે કરી શકે એ પ્રકારની સેલ્ફ ડિફેન્સની પ્રૅક્ટિસ પણ આપવાનું શરૂ કરવું જોઈએ. સેલ્ફ ડિફેન્સ માટે ટ્રેઇન કરવા પોલીસ ઑફિસર્સથી લઈને માર્શલ આર્ટ્સના જે ચૅમ્પિયન છે એની હેલ્પ પણ લઈ શકાય. હું કહીશ કે સેલ્ફ ડિફેન્સ માટે પણ અવેરનેસની જરૂર છે, જેથી પેરન્ટ્સ પણ એ બાબતમાં અવેર થાય અને તે પોતાની ડૉટરને એને માટે ટ્રેઇન કરવાની દિશામાં પૉઝિટિવ થાય અને ફૅમિલીમાં પણ એ વાતની અવેરનેસ લાવે. જરૂરી નથી કે અનમૅરિડ જ સેલ્ફ ડિફેન્સ માટે ટ્રેઇન થાય. તેની ટ્રેઇનિંગ મૅરિડ વુમનથી લઈને તમામ ટીનેજર્સે પણ લેવી જોઈએ, જેથી ક્યારેય પણ એની જરૂર પડે તો તેમને બેનિફિટ રહે અને ધારો કે જરૂર ન પણ પડે તો પણ સેલ્ફ ડિફેન્સને કારણે તેનામાં જુદો જ કૉન્ફિડન્સ આવે છે એ પણ આપણે જાણીએ છીએ. કહેવાનો મતલબ મારો એટલો જ કે કલકત્તાની ઘટનાનો વિરોધ કરવામાં આપણે એનર્જી ખર્ચીએ અને સાથોસાથ આવી ઘટના ફરી પાછી ન બને એ માટે પણ આપણે એનર્જી વાપરીએ.
ADVERTISEMENT
- રૌનક કામદાર (‘નાડીદોષ’, ‘ચબૂતરો’ જેવી અનેક ગુજરાતી ફિલ્મો કરનારા રૌનક કામદારે અનેક ગુજરાતી નાટકો પણ કર્યાં છે.)

