Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > નવી પેઢી ઝવેરચંદ મેઘાણી, ગોમાત્રિ કે સરસ્વતીચંદ્ર જેવાં નામો ભૂલી જાય ત્યારે

નવી પેઢી ઝવેરચંદ મેઘાણી, ગોમાત્રિ કે સરસ્વતીચંદ્ર જેવાં નામો ભૂલી જાય ત્યારે

Published : 03 May, 2026 02:27 PM | Modified : 03 May, 2026 02:27 PM | IST | Mumbai
Dr. Dinkar Joshi

આવાં લાડકવાયાં નામો ભૂલી જનારી પેઢી જેટલી અપરાધી છે એનાથી સવાયી અપરાધી વિદ્વાનોની પેઢી છે જેઓ ઢગલાબંધ શબ્દો અંગ્રેજી શબ્દકોશમાંથી ઘસડી-ઘસડીને આપણી સમક્ષ ઠાલવી દે છે.

ડૉ. દિનકર જોષી

ઉઘાડી બારી

ડૉ. દિનકર જોષી


કોઈકને તમે અચાનક પૂછી બેસજો - આ કોઈકની ઉંમર ચાલીસ-પચાસ લગભગ કે એની આસપાસ હોય તો વધુ સારું. તમે પૂછો કે ‘ભઈલા, તેં ગોમાત્રિ આ નામ ક્યારેય સાંભળ્યું છે?’ પેલો અચાનક ચોંકી ઊઠે અને તમને વળતો પ્રશ્ન કરે કે ‘આ ગોમાત્રિ વળી કોણ?’

આ વળતા પ્રશ્નનો જવાબ આપતાં તમને કેવું લાગશે એ તમે જાણો. પછી હળવેથી તમે તેને કહેજો, ‘ગોમાત્રિ એટલે ‘સરસ્વતીચંદ્ર’ના લેખક.’



હવે જો પેલો પૂછી બેસે કે ‘સરસ્વતીચંદ્ર! એ તો પેલી હિન્દી ફિલ્મ ગોવિંદ સરૈયાએ દિગ્દર્શિત કરી છે અને એમાં ‘ચંદન સા બદન, ચંચલ ચિતવન, ધીરે સે તેરા યે મુસ્કાના...’ બહુ સરસ ગીત છે. પડદા પર નૂતને ગાયું છે.’


આવો જો વાર્તાલાપ થાય ત્યારે એક સંસ્કારી ગુજરાતી તરીકે તમારા મનમાં કેવી છાપ પડે?

જે ગુજરાતી ભાષિકો ૪૦ કે એથી વધુ વયના હશે તેઓ કદાચ ‘સરસ્વતીચંદ્ર’ને તરત ઓળખી જશે; પણ ચાલીસ-પચાસે પહોંચેલા ગુજરાતી વેપારી ભાયડાને પૂછજો તો ભાયડો સંસ્કારી હશે, સારો હશે, દાન-ધર્મ પણ કરતો હશે, સંતાનોને ભણાવતો પણ હશે અને આમ છતાં આ સરસ્વતીચંદ્ર આગળ તેની આંખ પડદા પરની નૂતન પર હશે, ગોમાત્રિ ભુલાઈ જશે.


પચાસે પહોંચેલા કે પચાસ વળોટી ગયેલા ગુજરાતીઓ માટે કેટલાંક નામ અજાણ્યાં થઈ જાય છે. આવાં નામ અજાણ્યાં થવા દેવાય નહીં. અજાણ્યાં થતાં હોય ત્યારે તેમનો જ દોષ કાઢવાને બદલે તમારા દોષનો પણ થોડો સ્વીકાર કરજો. આવું કેમ બન્યું? આંખને ઊડીને વળગે એવું એક ઉદાહરણ આજે પણ યાદ આવે છે. એક દિવસ ઢળતી બપોરે એક સન્નારીનો ટેલિફોન આવ્યો. આ સન્નારીને હું ઓળખતો નહોતો. તેમણે મારી પાસેથી ગાંધીજી વિશે કેટલીક માહિતી માગી. ગુજરાતની કોઈક કૉલેજમાં તે પ્રાધ્યાપક હતાં. સરસ વાતો થઈ અને પછી પૂછ્યું, ‘હું PhD માટે થીસિસ લખી રહી છું અને એમાં ગાંધીજી વિશે થોડુંક લખવું છે. આ ગાંધીજી સાથે આ મહાદેવભાઈનું નામ વારંવાર વાંચવા મળે છે તો મારે એ જાણવું છે કે મહાદેવભાઈ કોણ હતા?’

અત્યાર સુધી તેમની પ્રશ્નોત્તરીને હું એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે સંબોધી રહ્યો હતો. હવે આ પ્રશ્ન સાથે મારા મનમાં ગુસ્સો આવ્યો. મેં તેમને કહ્યું, ‘બહેન, મહાદેવભાઈ વિશે જો તમે કંઈ ન જાણતાં હો તો ગાંધીજી વિશે લખવાનું રહેવા દો. તમે નહીં લખી શકો. સિવાય કે અગાઉ લખાયેલા નિબંધોમાંથી પરિચ્છેદો ઉઠાવી લો.’

આ વાત અહીં પૂરી થઈ, પણ વ્યવહારમાં એ પૂરી નથી થઈ એનો પુરાવો પણ બે-ત્રણ દિવસ પછી પાછો મળ્યો. આવાં જ એક બીજાં સન્નારીએ ટેલિફોન પર પૂછપરછ કરી, ‘સાહેબ, હું મહાભારતમાં વપરાયેલાં શસ્ત્રો વિશે PhD માટે થીસિસ તૈયાર કરી રહી છું. મહાભારતના યુદ્ધમાં અનેક શસ્ત્રો વપરાયેલાં છે. એનાં નામ-ઠામ અને ઉપયોગો પણ લખાયેલાં છે. એના વિશે જો કોઈ તૈયાર સંદર્ભ હોય તો મને કહેશો?’

મેં તેમને શાંતિથી કહ્યું, ‘બહેન, કુરુક્ષેત્રના યુદ્ધમાં શ્રીકૃષ્ણથી માંડીને ભીષ્મ પિતામહ સુધી વેંત-વેંત ઊંચેરા મહામાનવો હતા. તેમનાં શસ્ત્રો વિશેની માહિતી તમને મહાભારતનો ગ્રંથ વાંચવાથી જ મળશે.’

‘પણ એ ગ્રંથ તો બહુ મોટો છે. આવડો મોટો ગ્રંથ હું ક્યારે વાંચી શકીશ? જો તમારી પાસે તૈયાર મટીરિયલ હોય તો... ’

હવે ફરી એક વાર મનમાં કૃષ્ણોજ્વાળા ઝળહળી ઊઠી. મેં તે બહેનને કહ્યું, ‘બહેન, જો તમે મહાભારતનો ગ્રંથ વાંચી શકતાં ન હો અને છતાં તમારે PhD કરવું હોય તો એ અસંભવ કામ છે. તમે ડૉક્ટરેટ થવાને બદલે કમ્પાઉન્ડર થઈ શકશો. ક્યાંકથી આમતેમ થોડું વાંચી લો, સાંભળી લો, પૂછી લો અને પછી આ બધાને PhDના થીસિસ તરીકે ભેળવી દો. આમ ડૉક્ટર ન થવાય, માત્ર કમ્પાઉન્ડર જ થવાય.’

વિદ્વત્તાનો સીધો અને સટ રાજમાર્ગ

આજકાલ ગુજરાતી ભાષા વિશે, સાહિત્ય વિશે અને ગુજરાતી સંસ્કારો વિશે પોતાના લેખમાં વાતો કરવી એ વિદ્વત્તાનું લક્ષણ ગણાય છે. વાત ગુજરાતી વિશે કરતા હોય, પણ એ જ પરિચ્છેદમાં મુઠ્ઠી ભરીને અંગ્રેજી શબ્દો હોય. અંગ્રેજી કે અન્ય પાશ્ચાત્ય ભાષાના સાહિત્ય વિશે કોઈ કશું ન જાણતું હોય એવાં દસ-વીસ નામ પોતાના પરિચ્છેદમાં ઘુસાડી દેવાં એ એક ફૅશન થઈ ગઈ છે. Somebody’s darling એમ કહેવાથી મેઘાણીભાઈ ઓળખાય નહીં. મેઘાણીભાઈને ઓળખવા માટે ‘કોઈનો લાડકવાયો’ જ વાંચવી કે સમજવી પડે. સદ્ગત યશવંત દોશી ગ્રંથ નામનું સાહિત્યિક સામયિક ચલાવતા એ આપણામાંથી કેટલાકને હજી યાદ પણ હશે. આ સામયિક માટે તેમની પાસે એક યુવાન, વિદ્વાન અને તરવરિયા સાહિત્યકારનો લેખ પ્રસિદ્ધિ માટે આવેલો. આ લેખ પ્રસિદ્ધ થયા પછી તેમને કેટલાક પત્રો મળ્યા. એમાં એવો ઉલ્લેખ હતો કે આવા કોઈ વિદ્વાન એ ભાષામાં છે જ નહીં. યશવંતભાઈએ ઊંડા ઊતરીને તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું કે આ લેખમાં જે ભારેખમ પાશ્ચાત્ય નામો વપરાયાં હતાં એવા કોઈ જ પ્રવાહો એ ભાષામાં નહોતા. બન્યું એવું કે યશવંતભાઈ પાસે આ માહિતી આવી એ પહેલાં જ બીજા એક વિદ્વાન સજ્જને એ જ લેખક વિશે વધુ શોધખોળ કરતો લેખ લખી મોકલ્યો હતો. ખરેખર આવું કોઈ હતું જ નહીં. ખુદ યશવંતભાઈએ તેમનો આ અનુભવ મને કહ્યો હતો.

વિદ્વત્તાનો મેડિકલ સ્ટોર

નવી પેઢી જેમ ગોમાત્રિ, ઝવેરચંદ મેઘાણી કે સરસ્વતીચંદ્ર આવા શબ્દો ભૂલી જાય ત્યારે આપણને શરમ આવે; પણ જો એ જ પેઢી ગુજરાતી... ગુજરાતી...ના નામનાં જોરશોરથી ઢોલ વગાડવાની સાથે જ અંગ્રેજીના પડીકાબંધ શબ્દો ચારે બાજુ વેરી નાખે ત્યારે એમ થાય કે શબ્દોની આ લહાણને વિદ્વત્તા કહેવાય કે પછી એના મૂળ સુધી પહોંચીને એની અસલિયત નવી પેઢી સુધી પહોંચાડાય એને વિદ્વત્તા કહેવાય!

આવાં લાડકવાયાં નામો ભૂલી જનારી પેઢી જેટલી અપરાધી છે એનાથી સવાયી અપરાધી વિદ્વાનોની પેઢી છે જેઓ ઢગલાબંધ શબ્દો અંગ્રેજી શબ્દકોશમાંથી ઘસડી-ઘસડીને આપણી સમક્ષ ઠાલવી દે છે.

Whatsapp-channel Whatsapp-channel

03 May, 2026 02:27 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK