જિંદગીની કેટલી યાદો લખી છે ડાયરીમાં, ના કહેવાઈ બધી વાતો લખી છે ડાયરીમાં: આમ તો આરે હતો જે પૂર્ણતાને પ્રેમ મારો, પણ પછી ના થઈ મુલાકાતો લખી છે ડાયરીમાં
પ્રતીકાત્મક તસવીર
ડાયરી લખવાની આદત ધીરે-ધીરે વિસરાતી જાય છે. હવે તો મોટા ભાગે મોબાઇલમાં જ કામની નોંધ લેવાતી હોવાથી ઘણી વાર ચાલુ ફોન પર કંઈક ટપકાવવાનું આવે ત્યારે પેન શોધવા હયાતી ફંફોસવા જેવા ઉધામા કરવા પડે. બૉલપેન મળે, ખૂલે; પણ ચાલે નહીં. આવા સમયમાં આજે ડાયરીનો ડાયરો નહીં પણ મુશાયરો માણીએ. રશ્મિ અગ્નિહોત્રી ડાયરીની રસપ્રદ સરખામણી કરે છે...
ભાષા શીખી લો તમે જો પ્રેમની
ADVERTISEMENT
આંખમાં વંચાય આખી ડાયરી
એકસરખી બાંધણી એણે કરી
તોય નોખી ભાત સૌની ડાયરી
તારીખ, રોજિંદી તિથિ વગેરેની વિગતો ધરાવતી ડાયરીની પાંચસો-હજાર પ્રત છપાતી હોય છે. આ એકસરખી ડાયરી વિવિધ ઘરોમાં પહોંચે ત્યારે એનો નવો સંસાર શરૂ થાય. કેટલીક બિચારી એમની એમ પડી રહે. કેટલીકમાં આખા વર્ષમાં બે-ચાર પાનાં માંડ લખાય. કેટલીક રોજિંદી નોંધ માટે ખપમાં આવ્યાનો આનંદ મેળવે. ખરેખર ડાયરી જેને તરસે છે એ વાત નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’ લખે છે...
જિંદગીની કેટલી યાદો લખી છે ડાયરીમાં
ના કહેવાઈ બધી વાતો લખી છે ડાયરીમાં
આમ તો આરે હતો જે પૂર્ણતાને પ્રેમ મારો
પણ પછી ના થઈ મુલાકાતો લખી છે ડાયરીમાં
‘અમારા જમાનામાં’ એવું કહીને વાત માંડીએ તો જુનવાણી લાગીએ. છતાં એકરાર કરવો ગમશે કે કૉલેજકાળમાં પસંદીદા શાયરીઓ ડાયરીમાં ટપકાવવાનો જલસો માણ્યો છે. આ ટપક સિંચાઈ યુવાનીને સીંચતી હતી. પુસ્તકમેળામાંથી બેફામ, મરીઝ, સૈફના સંગ્રહો કે ફુટપાથ પરથી રસીલી શાયરી પ્રકારની હિન્દી-ઉર્દૂ શાયરીઓની પેપરબૅક આવૃત્તિ લાગણીઓને વાચા આપતી. હા, આપણી બાલિશ સ્વરચિત પંક્તિઓ સ્વીકારી બે-ચાર દિવસમાં તો રમેશ પારેખ બની જવાના આપણા અભરખાને પોષતી ને પંપાળતી. ખેર, ર.પા. સુધી પહોંચવા માટે તો કદાચ જન્મો પાર કરવા પડે. ભારતી વોરા ‘સ્વરા’ ડાયરીનો દલ્લો કે ડાયરીનો ડંખ શું હોઈ શકે એ જણાવે છે...
બધાં પાનાંની વચ્ચે સાચવી રાખેલાં વરસોથી
જડી આવ્યાં એ ખ્વાબો, પેલી જૂની ડાયરીમાંથી
એ ચાહે છે મને; કોઈ દિવસ કીધું જ નહોતું ને
મળ્યા આજે જવાબો, પેલી જૂની ડાયરીમાંથી
ડાયરીનાં પાનાં જૂનાં થઈ ગયા પછી રોનક જરૂર ગુમાવે, અસર નહીં. બલ્કે વીતેલા સમયની ખુશ્બૂ સાથે આપણને જોડી આપે. થોડીક ક્ષણોમાં તો અતીત આપણી સામે સાદ્યંત થઈ જાય. કોકિલા ગડા એનો વૈભવ દર્શાવે છે...
ડાયરી છું, હું સ્મૃતિઓ સજાવી બેઠી છું
એક સૂકું ગુલાબ અંદર સમાવી બેઠી છું
કલમથી સાચવીને જેનું કર્યું છે ચણતર
શબ્દની એક નગરી હું વસાવી બેઠી છું
ડાયરીમાં સામાન્ય રીતે ગુલાબની પાંખડી, પાંદડું કે મોરપીંછ મૂકવામાં આવે છે. ખરેખર આવું બુકમાર્ક ડાયરીને કુમાશ બક્ષે છે. ગુલાબની જર્જરિત બની ગયેલી પાંદડી આપણો જીર્ણોદ્ધાર કરી શકે એવું નૂર ધરાવે છે. મોરપીંછ હાથમાં ધરતાં જ એ ટહુકાઓ જીવંત થાય જે સાંભળ્યા વગર સવાર પડતી નહીં. પાંદડાની આરપાર દેખાતું અતીત આપણને પારાવારમાં લઈ જાય. ગીતા પંડ્યા એનું માહાત્મ્ય માંડે છે...
ગમ નથી પાનાં થયાં છે સાવ પીળાંપચ હવે તો
શુષ્ક ફૂલોએ ભર્યો દરબાર જૂની ડાયરીમાં
એ મુલાકાતો, મિલન, દીવાનગીની વાત વાંચી
શાયરીનો શું હતો હુંકાર જૂની ડાયરીમાં
ડાયરી અંગતનામું છે. એ જાહેરનામું થાય તો સમસ્યા સર્જી શકે. જૂની ડાયરીમાં પૂર્વ પ્રિયજનને સંબોધીને લખાયેલી વાતો દામ્પત્યજીવનમાં દરાર પાડી શકે. રાજકારણીય ભ્રષ્ટાચારોના કિસ્સામાં ડાયરીમાં લખેલી નોંધ કૌભાંડનો પર્દાફાશ કરે છે. ઊથલપાથલ કરવાની ક્ષમતા ધરાવતી ડાયરી પોતે સ્થિતપ્રજ્ઞ છે. સાચું હોય કે ખોટું, મૌલિક હોય કે ટાંકેલું, કાચા વિચાર હોય કે સ્પષ્ટતા, દૈનિક નિરૂપણ હોય કે ભવિષ્યની કલ્પના - એનું કામ સાચવવાનું છે. ઑડિયો કૅસેટમાં ગૂંચળો વળી ગયેલી ટેપ આંગળી નાખી સરખી કરીએ એ અદાથી શાંતિલાલ કાશિયાણીની વાત સાંભળીએ...
યાદો તમારી આજે સૌ સામટી મળી છે
મનગમતી પણ મળી છે, અળખામણી મળી છે
ભૂલી ગયો તો જેને, પથ્થર બનાવી દિલને
એના થકી લખેલી આ ડાયરી મળી છે
લાસ્ટ લાઇન
અજાયબ કહાણી બની ડાયરીમાં
મને તું અચાનક જડી ડાયરીમાં
તને શબ્દરૂપે રચી ડાયરીમાં
ડગર એ પ્રણયની મળી ડાયરીમાં
ઉતાર્યો મેં ચાંદો, ચમકતા સિતારા
કસુંબી આ સંધ્યા ઢળી ડાયરીમાં
ખભે તારા મસ્તક ઝુકાવીને બેસું
તમન્ના એ પૂરી કરી ડાયરીમાં
વધી જાય ભારણ નકામું નયનમાં
સપન સઘળાં દીધાં ભરી ડાયરીમાં
કદી હાથ મૂકી તપાસી તો જોજે
હૃદય મારું ધબકે હજી ડાયરીમાં
રચાશે અલૌકિક કહાણી એ ત્યારે
જો મળશે મને તું કદી ડાયરીમાં
- કાજલ શાહ ‘કાજ’


