ગાંધીજીએ પરદેશી કાપડની હોળી કરીને સ્વદેશી વગર સ્વરાજ શક્ય નથી એવું સમજાવેલું, જોકે એ પછી પણ છેક ૧૯૩૦ સુધી વિદેશી કાપડની આયાત બંધ નહોતી થઈ. આ મૂવમેન્ટ દરમ્યાન શહીદી વહોરી લેનારા બાબુ ગેનુની શહાદતને પણ ભૂલવા જેવી નથી
કાલબાદેવી રોડ, ૨૦મી સદીની પહેલી પચ્ચીસીમાં.
શુક્રવાર, ૧૨ ડિસેમ્બર ૧૯૩૦. સવાર તો રોજ જેવી જ પડી હતી. વાતાવરણમાં ડિસેમ્બરની ટાઢક. દિવસ ઢળે એ પહેલાં મોટો ભડકો થવાનો છે એની તો કોઈને કલ્પના પણ નહોતી. મુંબઈના કાલબાદેવી રોડ પર ભલે થોડી મોડી પણ અવરજવર શરૂ થઈ હતી. ગાડામાં, ક્યારેક ખટારામાં જાત-જાતનો માલ ઠલવાઈ રહ્યો હતો – દેશી અને પરદેશી પણ ખરો. હા, છેક ૧૯૨૧માં આ જ મુંબઈમાંથી પરદેશી કાપડ અને ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાની હાકલ ગાંધીજીએ દેશને કરી હતી. જુલાઈની ૩૧મીએ પરેલમાં આવેલી એલ્ફિન્સ્ટન મિલ પાસે પહેલવહેલી વાર પરદેશી કાપડની જાહેર હોળી કરીને ગાંધીજીએ આખા દેશને રસ્તો બતાવ્યો હતો. એ દિવસે કરેલા ભાષણમાં તેમણે કહેલું : ‘સ્વદેશી વગર સ્વરાજ શક્ય જ નથી. પરદેશી કાપડનો બહિષ્કાર એ સ્વતંત્રતા તરફનું પહેલું પગલું છે. આજે આપણે જે કર્યું એ પરદેશી કાપડની હોળી નહીં પણ સ્વતંત્રતા માટેના યજ્ઞમાં પહેલી આહુતિ આપી છે અને આ પવિત્ર કામનો આરંભ મારા હાથે થયો એને હું મારું સદ્ભાગ્ય માનું છું.’
કાપડની આયાતનો વિરોધ
છેક ૧૯૩૦ સુધી પરદેશી કાપડની આયાત પૂરેપૂરી બંધ થઈ નહોતી. ૧૯૩૦ના ડિસેમ્બરની ૧૨ તારીખે મૅન્ચેસ્ટરની એક મિલના પ્રતિનિધિ જ્યૉર્જ ફ્રેઝરે પોલીસરક્ષણની માગણી કરી. કેમ? જૂની હનુમાન ગલીમાં તેનું ગોડાઉન હતું અને કોટ વિસ્તારમાં ઑફિસ હતી. પરદેશી કાપડની ગાંસડીઓ તે ગોડાઉનથી ઑફિસ લઈ જવા માગતો હતો. પ્રિન્સેસ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનની એક ટુકડી તેની સાથે જૂની હનુમાન ગલી ગઈ. પણ આ વાતની ગંધ આવી ગઈ હતી એટલે કૉન્ગ્રેસના બારેક સ્વયંસેવકો ગોડાઉનની બહાર પિકેટિંગ કરવા ઊભા રહી ગયા હતા. ગાંસડીઓ ભરીને પહેલો ખટારો નીકળ્યો ત્યારે કેટલાક સ્વયંસેવકો એનો રસ્તો રોકીને ઊભા રહી ગયા. પોલીસે તરત જ તેમની ધરપકડ કરી અને પહેલો ખટારો કોઈ મુશ્કેલી વગર ગોડાઉન પરથી તો નીકળી ગયો. જોકે કાલાબાદેવી રોડ અને ભાંગવાડીના કૉર્નર પર બાવીસ વરસનો એક લવરમુછિયો યુવાન ખટારાને રોકવા રસ્તા પર સૂઈ ગયો. તેનું નામ બાબુ ગેનુ. ભણ્યો નહોતો, પણ સાચું શું અને ખોટું શું એ ગણતાં શીખેલો. હતો મિલમજૂર. એટલે જાતઅનુભવે પરદેશી અને સ્વદેશી કાપડનું ગણિત બરાબર જાણતો હતો. તેણે નક્કી કર્યું કે આ ખટારાને રસ્તામાં જ રોકવો અને કંપનીની ઑફિસ સુધી પહોંચવા ન દેવો.
અને ટ્રક ફરી વળી
સમજાવટનો કશો અર્થ નથી એમ જણાતાં પોલીસે ટ્રક-ડ્રાઇવર બલવીર સિંહને કહ્યું કે આ માણસના શરીર પરથી ટ્રક હંકારી જા. જોકે તેણે કહ્યું કે હું નોકરી ભલે અંગ્રેજની કરતો હોઉં, પણ છું તો હિન્દુસ્તાની, મારા દેશભાઈના દેહ પરથી કોઈ હિસાબે ખટારો ચલાવીશ નહીં. આ સાંભળીને પોલીસ અધિકારીનો પિત્તો ગયો. તેણે ખેંચીને ડ્રાઇવરને ટ્રકમાંથી ઉતાર્યો, મારઝૂડ કરી. પછી પોતે ટ્રકમાં બેઠો. આગળ-પાછળનો કશોય વિચાર કર્યા વગર પૂરેપૂરી નિર્દયતાપૂર્વક એ ગોરા પોલીસ અધિકારીએ ખટારો આગળ ચલાવ્યો. બીજી જ ક્ષણે બાબુ ગેનુનો દેહ લોહીના ખાબોચિયામાં પડ્યો હતો. જૂની હનુમાન ગલી આગળ જે પોલીસ ટુકડી ઊભી હતી એ તરત ઘટનાસ્થળે પહોંચી. ટ્રકને પ્રિન્સેસ સ્ટ્રીટ પોલીસ સ્ટેશને લઈ ગયા અને બાબુ ગેનુને નજીકની જી. ટી. હૉસ્પિટલમાં લઈ ગયા.
પરદેશી કાપડની હોળી
આ બનાવના સમાચાર આખા શહેરમાં આગની જેમ ફેલાઈ ગયા. ટપોટપ દુકાનો બંધ થવા લાગી. બાબુ ગેનુને જી. ટી. હૉસ્પિટલ લઈ ગયા છે એવા ખબર ફેલાતાં લોકોનાં ટોળેટોળાં હૉસ્પિટલની બહાર ભેગાં થયાં. ડૉક્ટરોએ બાબુ ગેનુને તપાસીને ખોપરીમાં ફ્રૅક્ચર થયું છે એવું નિદાન કર્યું. ઑપરેશન કરતી વખતે જાણવા મળ્યું કે મગજ આખું છૂંદાઈ ગયું છે. છેવટે સાંજે ૪.૩૫ વાગ્યે તેનો જીવનદીપ બુઝાઈ ગયો. આ ખબર ફેલાતાં ફરી લોકોનાં ટોળાં ભાંગવાડી પાસે ભેગાં થયાં. એ જગ્યા જાણે મંદિર બની ગઈ. ફૂલ-હારના ઢગલેઢગલા. આસપાસ બધે અગરબત્તીની સુવાસ. ક્યાંક રામનામની ધૂન તો ક્યાંક દેશભક્તિનાં ગીતો. પણ લોકો બિલકુલ શાંત હતા. પોલીસ પણ શાંતિથી ઊભી-ઊભી બધું જોતી હતી. રાતના સાડાદસ વાગ્યા, પણ લોકોની ભીડ ઓછી થવાનું નામ લેતી નહોતી. પોલીસના ગોરા અધિકારીઓ હવે અકળાયા. તેમણે લાઠીચાર્જ કરવાનું નક્કી કર્યું. ત્યાં ફરજ પર હતા તે પોલીસોને હુકમ આપવાને બદલે તેમણે લાઠીધારી ૫૦ પોલીસની નવી ટુકડી બોલાવી. હુકમ થતાં જ તેમણે આડેધડ લાઠીચાર્જ શરૂ કર્યો. એમાં સાત પુરુષ અને એક સ્ત્રીને ગંભીર ઈજાઓ થઈ. તેમને પણ જી. ટી. હૉસ્પિટલમાં પોલીસે દાખલ કર્યા. ધીમે-ધીમે લોકો વિખરાયા. પછી ફૂલ-હાર, ધૂપ-દીવા વગેરેને પોલીસોએ પગ નીચે કચડીને આગ ચાંપી દીધી. આ જોઈને આજુબાજુમાં રહેતા કેટલાક લોકોએ પોતાના ઘરમાંથી શોધી-શોધીને પરદેશી કપડાં એ આગમાં ફેંક્યાં.
હત્યા ને અકસ્માત ગણાવાયો
ડિરેક્ટર ઑફ ઇન્ફર્મેશન તરફથી અખબારી યાદી બહાર પાડવામાં આવી જે સરકારતરફી બધાં અખબારોએ પહેલે પાને છાપી. એ યાદીમાં આ આખા બનાવને ‘પ્યૉર ઍક્સિડન્ટ’ ઠરાવવામાં આવ્યો હતો. એમાં જણાવેલું કે ગોડાઉનમાંથી કાપડની ગાંસડીઓ ભરીને ખટારો રવાના થયો ત્યારે કેટલાક કૉન્ગ્રેસી સ્વયંસેવકોએ એને અટકાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તરત જ પોલીસે તેમની ધરપકડ કરી અને બે ખટારા ત્યાંથી સુખરૂપ રવાના થયા. જોકે ત્રીજો ખટારો મુખ્ય રસ્તા પર આવ્યો ત્યારે આસપાસથી ટ્રક પર જોરદાર પથ્થરમારો થયો. તેથી ડ્રાઇવરને સારીએવી ઈજા થઈ. છતાં તેણે બહાદુરીપૂર્વક ખટારો આગળ ચલાવ્યો, પણ પછી તે બેભાન થઈને ઢળી પડ્યો. બાબુરાવ નામનો નવા નાગપાડાનો રહેવાસી યુવાન ટ્રકની આગળ દોડતો હતો અને બૂમો પાડતો હતો. એકાએક તે રસ્તાની વચ્ચોવચ ઠોકર લાગતાં પડી ગયો અને કમનસીબે બેભાન થયેલા ડ્રાઇવરની ટ્રકનાં પૈડાં હેઠળ આવીને ગંભીર રીતે ઘવાયો. એક અંગ્રેજ સાર્જન્ટ અપ્રતિમ હિંમત અને કુશળતા બતાવીને ચાલતી ટ્રકમાં ચડી ગયો અને ટ્રકને રોકી. ટ્રકની પાછળ-પાછળ એક વિક્ટોરિયામાં બે સાર્જન્ટ અને એક હેડ કૉન્સ્ટેબલ જઈ રહ્યા હતા. તેમને રોકીને લોકોએ હુમલો કર્યો એમાં ત્રણે ઘવાયા હતા. પોલીસ બાબુરાવને તાબડતોબ હૉસ્પિટલ લઈ ગઈ. ડૉક્ટરોના પૂરેપૂરા પ્રયત્નો છતાં કમનસીબે તે યુવાનને બચાવી શકાયો નહીં. બાબુરાવને જાણીજોઈને ખટારા નીચે કચડી નાખવામાં આવ્યો એમ કહેવું એ સદંતર ખોટું અને વાહિયાત છે. આ આખો બનાવ કેવળ એક કમનસીબ અકસ્માત હતો. વળી આ ખટારો એક અંગ્રેજ સાર્જન્ટ ચલાવી રહ્યો હતો એમ કહેવું એ પણ સદંતર ખોટું છે. તે તો ફક્ત ટ્રકને રોકવા માટે એના પર બહાદુરીપૂર્વક ચડ્યો હતો. જો તેણે આમ ન કર્યું હોત તો હજી બીજા ઘણા લોકોના જાન ગયા હોત. – સરકાર ઉવાચ.
અંગ્રેજી છાપાંઓમાં એકમાત્ર બૉમ્બે ક્રોનિકલે આ અખબારી યાદીની સાથોસાથ, પહેલા જ પાના પર, પોતાનો વિસ્તૃત અહેવાલ છાપ્યો જેમાં સાચી હકીકત શી હતી એ જણાવ્યું.
બીજા દિવસે સવારે આઠ વાગ્યે દાણાબંદરથી વીર શહીદ બાબુ ગેનુની સ્મશાનયાત્રા શરૂ થઈ. મૂળજી જેઠા માર્કેટ, મંગળદાસ માર્કેટ, કાલબાદેવી અને ઠાકુરદ્વાર થઈને એ સોનાપુરની સ્મશાનભૂમિ પહોંચી. ‘ગિરગામ સ્વાતંત્ર્ય સંઘ’ તરફથી મૂંગું સરઘસ કાઢવામાં આવ્યું. સાંજે પાંચ વાગ્યે ગિરગામ ચોપાટીથી શરૂ થયેલું સરઘસ ગિરગામ રોડ પર થઈને આઝાદ મેદાન પહોંચ્યું. ત્યાં ભરાયેલી જાહેર સભામાં શહીદ બાબુ ગેનુને ભાવસભર અંજલિઓ અપાઈ. સભાના પ્રમુખસ્થાનેથી બોલતાં લીલાવતી કનૈયાલાલ મુનશીએ કાલાબાદેવી રોડનું નામ બદલીને બાબુ ગેનુ રોડ રાખવાની જાહેર માગણી કરી હતી. રવિવારે સવારે કેટલાક લોકોએ ભાંગવાડી પાસે બાબુ ગેનુનો ફોટો ગોઠવીને એને હારતોરા પહેરાવ્યા હતા. ફોટો પાસે બે અખંડ દીવા અને કૉન્ગ્રેસનો ધ્વજ રાખવામાં આવ્યા હતા. રોજ સેંકડો લોકો આ ‘મંદિર’નાં દર્શને આવતા થયા હતા.
મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની નેતાગીરી નીચે બાબુ ગેનુ જેવા અસંખ્ય લોકોએ શહીદી વહોરી લીધી એને પરિણામે દેશ આઝાદ થયો. ૧૪-૧૫ ઑગસ્ટ ૧૯૪૭ની એ રાત ક્યારેય ભુલાશે નહીં. મુંબઈ લગભગ આખી રાત જાગ્યું હતું. ઘરે-ઘરેથી રેડિયો પરથી પંડિત નેહરુનો અવાજ મધરાતે વાતાવરણમાં ફેલાઈ ગયો હતો : ‘જબ તક એક-એક ઇન્સાન હિન્દુસ્તાન કા આઝાદી કી હવા મેં ન રહ સકે, ઔર ઉસકી તકલીફેં દૂર ન હો, ઔર જો મુસીબતે હૈં ઉસકો હટાઈ ન જાય, તબ તક હમારા કામ પૂરા નહીં હોગા.’ આજે જ્યારે દેશ આઝાદીના ૭૫મા વરસમાં પ્રવેશી રહ્યો છે ત્યારે પણ પંડિતજીનો એ અવાજ આપણા કાનમાં ગુંજી રહ્યો છે.
આ બાબુ ગેનુ હતા કોણ?
૧૯૦૮માં પુણે જિલ્લાના મ્હાળુંગે, પડવળ ખાતે જન્મ. બાપ ગરીબ ખેડૂત. બાબુ ગેનુ માંડ બે વરસના થયા ત્યાં તો બાપનું અવસાન થયું. આજીવિકાનો બધો મદાર ખેતી પર. થોડા વખત પછી એકમાત્ર બળદ પણ મરી ગયો. હવે ખેતી કરવાનું અઘરું બન્યું. બાબુનાં માએ મુંબઈ જવાનો નિર્ણય લીધો. બાબુ અને તેમનાં મોટાં ભાઈ-બહેનને સોંપ્યાં એક પાડોશણને અને પોતે એકલાં પહોંચ્યાં મુંબઈ. ગામડાની અભણ સ્ત્રી. ઘરકામ સિવાય મુંબઈમાં બીજું શું કરી શકે? થોડા પૈસા ભેગા થયા એટલે ત્રણે બાળકોને મુંબઈ બોલાવી લીધાં. ત્રણમાંથી કોઈને નિશાળે મોકલવાનું તો પોસાય એમ જ નહોતું. બાબુએ કાપડની મિલમાં મજૂરી કરવાનું શરૂ કર્યું. સાથોસાથ સ્થાનિક રાજકારણમાં રસ લેતા થયા. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા. એમાંય પરદેશી કાપડનો બહિષ્કાર અને સ્વદેશીનો પુરસ્કાર કરવાની વાત તો તેમના મનમાં બરાબરની ચોંટી ગઈ અને એ વાત જ તેમને શહીદી તરફ દોરી ગઈ.
ADVERTISEMENT
સભાના પ્રમુખસ્થાનેથી બોલતાં લીલાવતી કનૈયાલાલ મુનશીએ કાલાબાદેવી રોડનું નામ બદલીને બાબુ ગેનુ રોડ રાખવાની જાહેર માગણી કરી હતી. રવિવારે સવારે કેટલાક લોકોએ ભાંગવાડી પાસે બાબુ ગેનુનો ફોટો ગોઠવીને એને હારતોરા પહેરાવ્યા હતા.


