મૅરથૉન ડિજિટલ હોલ્ડિંગ્સ નામની કંપની સામેના કેસમાં આશરે ૨૫ નાગરિકોના સમૂહે કહ્યું છે કે માઇનિંગને લીધે અમારા વિસ્તારમાં વધુપડતો ઘોંઘાટ અને કંપન થાય છે. એને લીધે અમારા રોજિંદા જીવનમાં અનેક સમસ્યા સર્જાઈ છે.
ક્રિપ્ટોકરન્સી
અમેરિકાના ટેક્સસ શહેરના ગ્રેનબરી ખાતેના નાગરિકોએ ક્રિપ્ટોકરન્સીનું માઇનિંગ કરનારી કંપની વિરુદ્ધ ખટલો માંડ્યો છે. મૅરથૉન ડિજિટલ હોલ્ડિંગ્સ નામની કંપની સામેના કેસમાં આશરે ૨૫ નાગરિકોના સમૂહે કહ્યું છે કે માઇનિંગને લીધે અમારા વિસ્તારમાં વધુપડતો ઘોંઘાટ અને કંપન થાય છે. એને લીધે અમારા રોજિંદા જીવનમાં અનેક સમસ્યા સર્જાઈ છે. લોકોને થાક લાગવો, ઓછું સંભળાવું અને માથું દુખવવા જેવી તકલીફો થવા લાગી છે. હૂડ કાઉન્ટી કોર્ટમાં આ ખટલો માંડવામાં આવ્યો છે. નોંધનીય છે કે માઇનિંગ અર્થે પ્રચલિત પ્રૂફ ઑફ વર્ક પ્રક્રિયા માટે ખૂબ વધુ શક્તિશાળી કમ્પ્યુટર વાપરવાં પડે છે અને એને લીધે મશીન ઘણાં ગરમ થઈ જાય છે. એથી એને ઠંડાં પાડવા માટે મોટા પંખા વાપરવા પડે છે. નાગરિકો વતી કેસ લડનાર રૉડ્રિગો કેન્ટુએ કહ્યું છે કે માઇનિંગને લીધે નાગરિકોના શારીરિક અને માનસિક આરોગ્ય ઉપરાંત પર્યાવહણને પણ નુકસાન થઈ રહ્યું છે.
દરમ્યાન બુધવારે ટોચની ક્રિપ્ટોકરન્સીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. બીટકૉઇન ૨.૧ ટકા ઘટીને ૬૧,૭૮૬ ડૉલર ટ્રેડ થઈ રહ્યો હતો. ઇથેરિયમમાં ૦.૭૯ ટકા, બાઇનાન્સમાં ૦.૨૬, સોલાનામાં ૨.૮, રિપલમાં ૦.૫૫, કાર્ડાનોમાં ૩.૮૯ અને અવાલાંશમાં ૩.૬૯ ટકા ઘટાડો થયો હતો. ટ્રોન ૨.૧૬ ટકા અને ડોઝકૉઇન ૦.૨૩ ટકા વધ્યા હતા.