વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગ દિવસ નિમિત્તે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે વિશ્વભરમાં યોગને અપનાવનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. શેર-એ-કાશ્મીર ઇન્ટરનૅશનલ કન્વેન્શન સેન્ટર (SKICC) ખાતે યોજાયેલા યોગ દિવસના કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે ‘યોગથી જે ઊર્જા મળે છે એ શ્રીનગરમાં અનુભવી શકાય છે. હું દેશના અને વિશ્વના દરેક ખૂણામાં યોગ કરી રહેલા લોકોને યોગ દિવસની શુભેચ્છા પાઠવું છું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનાં ઐતિહાસિક ૧૦ વર્ષ પૂર્ણ થયાં છે. ૨૦૧૪માં મેં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો અને આ પ્રસ્તાવને ૧૭૭ દેશોએ સમર્થન આપ્યું હતું.’ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘જ્યારે હું વિદેશ હોઉં છું ત્યારે વૈશ્વિક નેતાઓ મારી સાથે યોગની ચર્ચા કરે છે. ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે હું યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાની દરેક વ્યક્તિને વિનંતી કરું છું.’ આ કાર્યક્રમમાં વડા પ્રધાને ૧૦૧ વર્ષની ફ્રેન્ચ મહિલા અને યોગશિક્ષિકા શાર્લોટ ચોપિનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમને પોતાના દેશમાં યોગને લોકપ્રિય બનાવવા બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં.
22 June, 2024 09:38 IST | Jammu And Kashmir | Gujarati Mid-day Correspondent