Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજારમાં એક દિન ખુશી, એક દિન ગમ! તમામ સંજોગો વચ્ચે એકમાત્ર અડીખમ છે અનિશ્ચિતતા

શૅરબજારમાં એક દિન ખુશી, એક દિન ગમ! તમામ સંજોગો વચ્ચે એકમાત્ર અડીખમ છે અનિશ્ચિતતા

Published : 04 May, 2026 09:34 AM | IST | Mumbai
Jayesh Chitalia

યુદ્ધ અને શાંતિમંત્રણા બન્ને માટે વાગતાં બૅન્ડવાજાં વચ્ચે એકમાત્ર અડીખમ કોઈ ઊભું હોય તો એ છે અનિશ્ચિતતા. આ સંજોગોમાં બજાર પાસે ટૂંકા ગાળામાં કોઈ સકારાત્મક અણસાર યા પરિબળો નથી. વૈશ્વિક સમાચારો-સંકેતોના આધારે બજાર એની વૉલેટિલિટી ચાલુ રાખશે એમ કહી શકાય.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


એક તરફ અમેરિકા-ઈરાન વચ્ચે હજી સમાધાનના સ્પષ્ટ અણસાર મળી રહ્યા નથી. ઉપરથી ટ્રમ્પસાહેબની ધમકીઓ ચાલુ છે, જ્યારે કે ઈરાન મક્કમ લાગે છે. બીજી તરફ ભારતમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ના ભાવમાં જબ્બર ઉછાળો આવ્યો છે, પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધવાની તૈયારીમાં છે. મોંઘવારી માથે આવીને બેસી ગઈ છે. જોકે યુદ્ધના તનાવવાળા સંજોગોમાં ભારતીય અર્થતંત્રમાં વપરાશનું જોર ચાલુ રહ્યું છે જેને પરિણામે નાણાકીય વર્ષનો પ્રથમ મહિનો એપ્રિલમાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) કલેક્શન વિક્રમી રહીને ૨.૪ લાખ કરોડ થયું છે. યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) વ્યવહારો ગયા વર્ષ કરતાં ૨૫ ટકા વધ્યા છે. પૅસેન્જર કાર્સના વેચાણે પણ જમ્પ માર્યો છે. આને શું કહીશું? શૅરબજારમાં કરેક્શન અને ઇકૉનૉમીમાં રિકવરી? અલબત્ત, માત્ર આંકડાઓ સુધી સીમિત રહી શકાય નહીં. બજારના સેન્ટિમેન્ટ સમજવા વધુ પરિબળો અને સંકેતો પર નજર કરવી પડે.  

પબ્લિક ઇશ્યુઝની માર્કેટમાં નિરાશા



યુદ્ધ પત્યું નથી, વાટાઘાટ પણ પૂરી થઈ નથી, મતભેદો-મનભેદો પણ ચાલુ છે. આવામાં માર્કેટને કોઈ સકારાત્મક ગતિ મળે એવી શક્યતા ઓછી છે. બજારમાં સતત કરેક્શનને કારણે સેકન્ડરી માર્કેટના વૅલ્યુએશન નીચા આવ્યા છે, જ્યારે કે હવે પ્રાઇમરી માર્કેટના વૅલ્યુએશન નીચા મળવાની આશંકા અને ભય સાથે કંપનીઓ પોતાના પબ્લિક ઇશ્યુ ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO) પ્લાન વિલંબમાં મૂકી રહી છે યા પાછળ ઠેલી રહી છે. પોતાને ઊંચો ભાવ નહીં મળે એવી ધારણા સાથે કેટલીક કંપનીઓ હાલના સંજોગોમાં ઇશ્યુ ટાળવાનું પસંદ કરી રહી છે. માર્ચ ક્વૉર્ટરમાં ૧૮ IPOએ ૧૮,૭૭૮ કરોડ રૂપિયા એકઠા કર્યા છે, જ્યારે કે એપ્રિલમાં મેઇન બોર્ડ પર માત્ર એક IPO આવ્યો અને ૧૫૦ કરોડ રૂપિયા ઊભા કરાયા હતા. જિયોપૉલિટિકલ ક્રાઇસિસને લીધે પ્રાઇમરી માર્કેટની આ અનિશ્ચિતતા પણ આગામી બેથી ત્રણ મહિના ચાલશે એવી શક્યતા છે. કોટક મ્યુચ્યુઅલ ફન્ડ ઍસેટ મૅનેજમેન્ટ કંપની (AMC)ના નીલેશ શાહના શબ્દોમાં કહીએ તો કંપનીઓ પોતાના IPO માટે યુદ્ધ પહેલાંના વૅલ્યુએશનની અપેક્ષા રાખે છે, જ્યારે કે રોકાણકારો કંપનીઓ પાસેથી યુદ્ધ બાદના-અત્યારના વૅલ્યુએશનની આશા રાખે છે.


પ્રાઇમ ડેટાના અભ્યાસ મુજબ સેબીએ ૧૪૬ જેટલા IPOને ક્લિયરન્સ આપ્યું છે જે ૨.૧૧ લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરવાનું લક્ષ્ય રાખે છે. રોકાણકારોના નબળા અને નિરાશાવાદી સેન્ટિમેન્ટને ધ્યાનમાં રાખતાં હવે આમાંથી કઈ કંપની શું કરે છે એ સમય જ કહેશે. આમ તો ૨૦૨૬ના અત્યાર સુધીના સમયમાં માત્ર ૧૯ IPO બજારમાં આવ્યા છે અને માત્ર ૧૮,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરી શક્યા છે.

વૈકલ્પિક રોકાણસાધનો તરફ


રોકાણકારો ધીમે-ધીમે અન્ય રોકાણસાધનો તરફ વળી રહ્યા હોવાનું નોંધાયું છે. મજાની વાત એ છે કે એક અભ્યાસ મુજબ છેલ્લાં છ વર્ષમાં આ સાધનોએ ઇક્વિટીઝ, ડેટ અને ફિક્સ્ડ ઇન્કમનાં સાધનો કરતાં વધુ વળતર આપ્યું છે. આ વૈકલ્પિક રોકાણસાધનો છે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (રિટ્સ) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (ઇન્વિટ્સ). જુલાઈ ૨૦૧૯થી માર્ચ ૨૦૨૬ સુધીમાં આ સાધનોએ ઇન્ડેક્સ પર ૧૨ ટકાનું વાર્ષિક વળતર આપ્યું છે જેની સામે નિફટી-૫૦એ ૧૧.૧ ટકા, ડેટ ફન્ડ્સે ૭.૫ ટકા અને ફિક્સ્ડ ઇન્કમ સાધનોએ ૬.૫ ટકા વળતર આપ્યું છે. વીતેલા ૧૮ મહિનામાં સતત વૉલેટાઇલ રહેલી માર્કેટે રોકાણકારોને આ ઑલ્ટરનેટિવ સાધનો તરફ વાળ્યા હોવાનું કહેવાય છે. જોકે આ રોકાણમાં હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સનું પ્રમાણ ઊચું છે, સામાન્ય રોકાણકારો હજી આ દિશામાં સક્રિય થયા નથી અને આ વર્ગમાં પર્યાપ્ત જાગૃતિ પણ નથી.

ઓપેકમાંથી UAEની એક્ઝિટની અસર

બજારને ઝટકો લાગે એવી એક ઘટના ગયા સપ્તાહમાં એ બની છે કે દુબઈ-UAE (યુનાઇટેડ આરબ એમિરેટ્સ) ઓપેક (ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ ઑઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ) ગ્રુપમાંથી બહાર નીકળી ગયું છે જેની અસર ગ્લોબલ ઑઇલ પ્રાઇસ પર પડશે, આની અસર ભારત સહિત વિવિધ દેશોનાં અર્થતંત્ર પર પડ્યા વિના નહીં રહે. યુએઈના આ પગલાની અસરથી ક્રૂડના ભાવ વધશે કે ઘટશે એ વિશે હાલ મૂંઝવણ પ્રવર્તી રહી છે. જોકે ઍનૅલિસ્ટ વર્ગના મતે આ પગલાથી ભારત માટે ઑઇલ સપ્લાય વધશે અને એને પગલે ભાવ ઘટશે, આનો લાભ ભારતને પણ મળશે, પરંતુ હાલ તો મામલો ઊલટો દેખાઈ રહ્યો છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવો વધવાની શક્યતા નિશ્ચિંત બની રહી છે.

બજાર માટે અનિશ્ચિતતા નિશ્ચિંત

US-ઈરાન વચ્ચે યુદ્ધવિરામની મંત્રણાના માહોલમાં વીતેલા સપ્તાહમાં સોમવાર પૉઝિટિવ રહ્યો તો મંગળવારે કરેક્શન આવી ગયું, જ્યારે બુધવારે ૧૦૦૦ પૉઇન્ટ્સની રિકવરી બાદ બજાર ૫૦૦ પૉઇન્ટ્સ પ્લસ બંધ રહ્યું. ક્રૂડના ભાવ બજારને સતાવી રહ્યા હોવાની આ અસર ગણાય છે જેની અસરે ગુરુવારે બજારે પુનઃ કરેક્શન તરફ ગતિ કરી હતી. જોકે ૧૦૦૦ પૉઇન્ટ્સ તૂટીને સેન્સેક્સ ૫૦૦ પૉઇન્ટ્સ રિકવર થયો હતો. હાલ તો US-ઈરાન વચ્ચેની વાટાઘાટ સમાધાનને બદલે અનિશ્ચિતતા તરફ જ વધુ જઈ રહી છે. બીજી બાજુ ક્રૂડના ભાવ બેરલદીઠ ૧૨૦ ડૉલર ઉપર પહોંચી જતાં આર્થિક તનાવ વધતો ગયો છે. બજાર પાસે હાલ વૉલેટાઇલ રહેવા સિવાયનાં મજબૂત કારણો ઉપલબ્ધ નથી. US-ઈરાન તેમ જ ગ્લોબલ સંકેતોને આધારે વધઘટ ચાલુ રહેશે, અનિશ્ચિતતા નિશ્ચિંત છે. હાલ તો અમેરિકા અને ઈરાન બન્ને દેશોમાં આંતરિક તનાવ પણ ચાલી રહ્યા છે, ક્યાં શું થશે અને એનું પરિણામ શું આવશે એ કહી શકાય નહીં. ગ્લોબલ સંજોગો જ જગત આખાને ગોળ-ગોળ ફેરવી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

04 May, 2026 09:34 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK