બજાર બંધ થયા બાદ TCSનાં એકંદર ધારણા કરતાં સારાં પરિણામ, ડિવિડન્ડ અપેક્ષા કરતાં ઓછું આવ્યું : વિપ્રોનાં પરિણામ ૧૬મીએ આવશે, શૅરના બાયબૅક વિશે વિચારણા બોર્ડ-મીટિંગમાં થશે : પાંચ બૅન્કિંગ શૅર બજારને ૫૭૦ પૉઇન્ટ નડ્યા, તમામ ૧૪ શૅર સાથે બૅન્ક નિફ્ટી દોઢ ટકો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- પાંચ બૅન્કિંગ શૅર બજારને ૫૭૦ પૉઇન્ટ નડ્યા, તમામ ૧૪ શૅર સાથે બૅન્ક નિફ્ટી દોઢ ટકો માઇનસ
- ઓલા ઇલેક્ટ્રિક ૨૦ ટકાની તથા સુપરટેક EV ૧૦ ટકાની તેજીમાં બંધ
- એથર એનર્જી નવા બેસ્ટ લેવલે
મોટા ઉપાડે જાહેર થયેલું બે સપ્તાહનું સીઝફાયર અમલમાં આવે એ પહેલાં જ સીઝ્ડ થઈ જવાનાં એંધાણ છે. યુદ્ધવિરામ જાહેર થયા પછી ગણતરીના કલાકોમાં જ ઇઝરાયલ તરફથી લેબૅનન પર ભારે હુમલા શરૂ થયા છે. સેંકડો લોકોએ એમાં જીવ ગુમાવ્યા છે. ઈરાને આ કૃત્યને ૧૦ મુદ્દાની ફૉર્મ્યુલાનો ભંગ ગણાવીને શાંતિ-પ્રચારની સમગ્ર કવાયત વાહિયાત હોવાનો આકરો પ્રતિભાવ આપ્યો છે. બીજી તરફ અમેરિકા કહે છે કે સમાધાનમાં લેબૅનનનો સમાવેશ થતો નથી. મલતબ કે ઇઝરાયલને ત્યાં બેફામ હુમલા કરવાની છૂટ છે. અમેરિકાની દાનતમાં જરાય બરકત નથી.
ખોળામાં સાપ રાખીને નિરાંતે સૂઈ શકાય, પણ અમેરિકાના ખભાનો જરાય ભરોસો ન કરાય. દરમ્યાન ઈરાને હોર્મુઝ ખાડી ફરી પાછી બંધ કરી દીધી હોવાના અહેવાલ છે. ઇન્ટરિમ સીઝ-ફાયર બહુ ઊંડી રમત લાગે છે. મધ્ય-પૂર્વમાં મામલો બહુ જલદી વકરશે. દરમ્યાન ૯૨ ડૉલરની અંદર આવી ગયેલું બ્રેન્ટ ક્રૂડ ગઈ કાલે ઉપરમાં ૯૮ ડૉલર બતાવી હાલ ૯૭ ડૉલર નજીક આવી ગયું છે. સોનું અડધો-પોણો ટકો અને ચાંદી બે ટકા નરમ પડી છે. બિટકૉઇન ૭૦,૯૪૩ ડૉલરે ટકેલો હતો. આગલા દિવસે રૉકેટ થયેલું શૅરબજાર ગઈ કાલે ઢીલું પડ્યું છે. એશિયા ખાતે સાઉથ કોરિયા દોઢ ટકા, જપાન અડધો ટકો, ચાઇના પોણો ટકો, હૉન્ગકૉન્ગ અડધો ટકો માઇનસ હતાં. તાઇવાન તથા થાઇલૅન્ડ સાધારણ પ્લસ હતાં. બુધવારે બેથી સાડાપાંચ ટકાની તેજી દાખવનાર યુરોપનાં શૅરબજારો ગઈ કાલે રનિંગમાં પોણાથી સવા ટકો નરમ હતાં. પાકિસ્તાની શૅરબજાર આગલા દિવસે ૧૪,૦૦૦ પૉઇન્ટ કરતાં વધુની તેજીમાં ૧,૬૫,૮૧૧ બંધ થયા પછી ગઈ કાલે રનિંગમાં ૫૬૯ પૉઇન્ટ ઘટીને ૧,૬૫,૨૪૨ હતું.
ADVERTISEMENT
બુધવારે ૪ ટકા કે ૨૯૪૬ પૉઇન્ટની તેજી બાદ સેન્સેક્સ ગઈ કાલે ૨૪૪ પૉઇન્ટ નરમ, ૭૭,૩૧૯ ખૂલી છેવટે ૯૩૧ પૉઇન્ટ ઘટીને ૭૬,૬૩૨ તથા નિફ્ટી ૨૨૨ પૉઇન્ટના ઘટાડે ૨૩,૭૭૫ બંધ થયો છે. શૅરઆંક ઉપરમાં ૭૭૪૨૯ તથાનીચામાં ૭૬૩૪૮ થયો હતો. રસાકસીની માર્કેટ-બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૫૭૩ શૅરની સામે ૧૬૭૦ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૭૨,૦૦૦ કરોડ રૂપિયા ઘટીને ૪૪૪.૭૯ લાખ કરોડ થયું છે. બન્ને બજારનાં બહુમતી સેક્ટોરલ માઇનસ હતાં. બૅન્ક નિફ્ટી પોણાછ ટકા કે ૨૯૮૮ પૉઇન્ટની આગલા દિવસની તેજી બાદ ગઈ કાલે દોઢ ટકા કે ૮૮૨ પૉઇન્ટ ઘટ્યો છે. PSU બૅન્ક નિફ્ટી સવા ટકો નરમ હતો. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧.૪ ટકા માઇનસ થયો છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧૯માંથી ૧૮ શૅરના સથવારે દોઢ ટકા મજબૂત હતો. કૅપિટલ ગુડ્સ ૧.૬ ટકા, મેટલ ઇન્ડેક્સ ૦.૩ ટકા, પાવર બેન્ચમાર્ક સવા ટકો, યુટિલિટીઝ પોણો ટકો, હેલ્થકૅર પોણો ટકો વધ્યા હતા. બૅન્કિંગના ૪૧માંથી ૩૭ શૅર ઘટ્યા છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ફ્લૅટ હતી. ઉત્કર્ષ બૅન્ક ૪ ટકા નજીક મજબૂત બની છે. સામે ઇક્વિટાસ બૅન્ક, ઇસફ બૅન્ક, જન સ્મૉલ બૅન્ક ત્રણથી સવાત્રણ ટકા ઘટી હતી. CSB બૅન્ક, DCB બૅન્ક અને ઇન્ડસઇન્ડ બૅન્ક અઢી ટકા આસપાસ કટ થઈ છે.
પાવરિકા લિમિટેડ નવા શિખરે જઈ નરમાઈમાં બંધ
અમદાવાદની ઓમ પાવર ટ્રાન્સમિશનનો ૧૦ના શૅરદીઠ ૧૭૫ની અપરબૅન્ડમાં કુલ ૧૫૦ કરોડનો મેઇનબોર્ડનો ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૨૯ ટકા સાથે કુલ ૪૦ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં દોઢ રૂપિયાવાળું પ્રીમિયમ હાલમાં ૪ ચાલે છે. ગયા વર્ષે આવકમાં ૫૩ ટકાના વધારા સામે ૧૯૮ ટકાના વૃદ્ધિદરથી ૨૨૦૮ લાખનો નફો બતાવનારી આ કંપનીએ ચાલુ વર્ષે પ્રથમ ૯ મહિનામાં જ ૨૩૩૭ લાખનો નેટ નફો દર્શાવ્યો છે. દરમ્યાન SME સેગમેન્ટમાં બુધવારે લાખનઉની સેફ્ટી કન્ટ્રોલ્સનો ૧૦ના શૅરદીઠ ૮૦ની અપરબૅન્ડવાળો ૪૮ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૭૬ ટકા સહિત કુલ ૧.૩ ગણા પ્રતિસાદ સાથે પૂરો થયો છે. જયપુરની એમિઆક ટેક્નૉલૉજીનો ૧૦ના શૅરદીઠ ૯૮ના ભાવનો ૨૭ માર્ચે ખૂલેલો BSE SME ઇશ્યુ રીટેલમાં પોણાચાર ગણા સહિત કુલ સવાત્રણ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. ગ્રેમાર્કેટ ખાતે બન્નેમાં પહેલેથી કોઈ કામકાજ નથી. તાજેતરમાં લિસ્ટેડ થયેલા ભરણામાં ગઈ કાલે પાવરિકા લિમિટેડ ૪૧૦ની નવી ટૉપ બતાવી પોણાબે ટકા ઘટી ૩૯૬, સાંઈ પેરન્ટલ્સ ઉપરમાં ૪૩૬ બતાવી નજીવું વધીને ૪૨૪ તથા અમીરચંદ જગદીશકુમાર એક્સપોર્ટ આગલા દિવસની ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૧૨૮ના વર્સ્ટ લેવલે ગયા પછી પાંચ ટકા તૂટીને ૧૨૧ રહી છે. હાઇનેસ માઇક્રોઇલેક્ટ્રૉનિક્સ આગલા દિવસની પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૧૧ના તળિયે ગયા પછી ગઈ કાલે ઉપર ૧૧૭ થઈ પાંચ ટકા વધી ૧૧૭ બંધ આવી છે. એમિઆક તેમ જ સેફટી કન્ટ્રોલ્સનાં SME ભરણાં સોમવારે લિસ્ટેડ થવાનાં છે.
નૉન-યુરિયા ખાતરની સબસિડી વધતાં સિલેક્ટિવ શૅર વધ્યા
નાશિકની આર. એમ. ડ્રિપ સ્પ્રિન્કલર્સ ૭ શૅરદીઠ પાંચ બોનસમાં આજે, શુક્રવારે બોનસ બાદ થશે. ભાવ ગઈ કાલે ઉપર જઈ ૪૮ વટાવી પાંચ ટકા ગગડીને ૪૫ બંધ હતો. ફેસવૅલ્યુ એકની છે. સાંતાક્રુઝ-ઈસ્ટની ઑટોમોબાઇલ પ્રોડક્ટસ ઑફ ઇન્ડિયા ૧૦ શૅરદીઠ ૧૯ શૅરના પ્રમાણમાં એકના શૅરદીઠ એકના ભાવે રાઇટ ઇશ્યુમાં ગઈ કાલે એક્સ-રાઇટ થઈ છે. BSE લિસ્ટેડ આ કંપનીમાં વર્ષોથી કોઈ જ કામકાજ નથી. એકના શૅરની બુકવૅલ્યુ માઇનસ ૩૨ રૂપિયા છે. ઇક્વિટી ૪૮ લાખ રૂપિયા છે. સામે રિઝર્વે માઇનસ ૧૪૩૯ લાખ છે. પ્રમોટર્સ પાસે ૮૪.૭ ટકા શૅર છે. ગયા વર્ષે ૮૪ લાખની આવક પર ૧૯૦ લાખ નેટ લૉસ કરી છે.
જપાનની MUFG બૅન્ક તરફથી શૅરદીઠ ૮૪૧ના ભાવથી કુલ ૩૯૬૧૮ કરોડના રોકાણથી શ્રીરામ ફાઇનૅન્સમાં આશરે ૨૦ ટકા હિસ્સો ખરીદવામાં આવ્યો છે. શ્રીરામ ફાઇનૅન્સનો શૅર ગઈ કાલે ઉપર ૧૦૧૪ બતાવી ૨.૭ ટકા ઘટીને ૯૯૬ બંધ થયો છે. વૉરને કારણે પોટાશ તથા ફૉસ્ફેટ સહિતના કાચા માલના વૈશ્વિક ભાવ વધી જતાં સરકારે ચાલુ વર્ષની ખરીફ સીઝન માટે નૉન-યુરિયા ખાતરની સબસિડી કિલોદીઠ ૧૦થી ૨૧ ટકા વધારી છે. આ પેટે ૪૧,૫૩૪ કરોડની રકમ મંજૂર કરી છે. આને કારણે ગઈ કાલે ખાતર શૅરમાં પસંદગીયુક્ત આકર્ષણ જોવા મળ્યું છે. ખાતર ઉદ્યોગના ૨૨માંથી ૧૪ શૅર પ્લસ હતા. કોરોમાંડલ ઇન્ટરનૅશનલ આગલા દિવસના ૫.૪ ટકાના વધારા બાદ ગઈ કાલે પોણો ટકો વધી ૨૧૩૧, પારાદીપ ફૉસ્ફેટસ ૧.૭ ટકા ઘટીને ૧૧૯, RCF ૧.૮ ટકા વધીને ૧૨૮, ફૅક્ટ પાંચ ટકા ઊછળી ૮૬૦, તિસ્તા ઍગ્રો ત્રણ ટકા વધીને ૧૧૬, GSFC પોણો ટકો વધીને ૧૬૨ બંધ હતી.
BSE લિમિટેડ નવી ટોચે, MCX નવા શિખર ભણી
ઓલા ઇલેક્ટ્રિક ગઈ કાલે સારા વૉલ્યુમે ઉપરમાં ૩૬.૩૪ થઈ ૨૦ ટકાના ઉછાળે ત્યાં જ રહી છે. બીજી માર્ચે ભાવ ૨૧.૨૧ના ઑલટાઇમ તળિયે ગયો હતો. ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઉત્પાદન અન્ય કંપની સુપરટેક EV ૩ ગણા કામકાજે ૫૨.૮૧ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૧૦ ટકા ઊંચકાઈને ત્યાં જ બંધ છે. એથર એનર્જી ૮૩૫ના બેસ્ટ લેવલે જઈ સાડાછ ટકાના જમ્પમાં ૮૨૨ હતી. ૭ મેએ ભાવ ૨૮૭ના તળિયે હતો. ફેસવૅલ્યુ એકની છે. વર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ અઢી ટકા વધી છે. સરકારની ૯૦ ટકા માલિકીની ITI લિમિટેડ ૧૪ ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૦૪ થઈ ૧૦ ટકાના ઉછાળામાં ૨૯૪ થઈ છે. સ્ટરલાઇટ ટેક્નૉલૉજીઝ પણ ૬ ગણા કામકાજે ૨૨૧ના શિખરે જઈ ૧૦ ટકાની તેજીમાં ત્યાં જ હતી. ડિફેન્સ કંપની અપોલો માઇક્રો સિસ્ટમ્સ ઉપરમાં ૨૩૯ વટાવી ૧૧.૮ ટકાની મજબૂતીમાં ૨૩૨ રહી છે. અન્ય ડિફેન્સ કંપની ઝેન ટેક્નૉલૉજીઝ ૧૫૮૨ની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી પોણાછ ટકા વધીને ૧૫૩૪ હતી. ડેટા પેટર્ન્સ ૨.૮ ટકા, હિન્દુસ્તાન ઍરોનોટિક્સ ૩.૩ ટકા તથા સોલર ઇન્ડસ્ટ્રીઝ પોણાબે ટકા કે ૨૪૯ રૂપિયા વધી છે. મિશો લિમિટેડ પાંચ ગણા કામકાજે ઉપરમાં ૧૭૨ વટાવીને સવાઆઠ ટકા ઊંચકાઈને ૧૬૫ રહી છે. આ શૅર ૧૫ માર્ચે ૧૨૬ની અંદર વર્સ્ટ લેવલે ગયો હતો.
BSE લિમિટેડ તેજીના નવા રાઉન્ડમાં ૩૨૮૬ નજીક ઑલટાઇમ હાઈ દેખાડી ત્રણ ટકા વધી ૩૨૫૭ થયો છે. આ શૅર સપ્તાહમાં ૧૪ ટકા વધ્યો છે. MCX ઉપરમાં ૨૬૮૦ થઈ સવાબે ટકા વધી ૨૬૫૮ હતી. ઑલટાઇમ હાઈ ૨૭૦૬ની છે. આનંદ રાઠી શૅર ઍન્ડ સ્ટૉક બ્રોકિંગ મજબૂત વલણ જાળવી રાખતાં અઢી ગણા વૉલ્યુમે ઉપરમાં ૫૬૯ થઈ ૪.૮ ટકા વધી ૫૫૯ રહી છે. ૩૦ માર્ચે શૅર ૪૧૪ના વર્સ્ટ લેવલે ગયા પછી સતત વધતો ગયો છે. એન્જલ વન ૪.૮ ટકા તો ગ્રો ફેમ બિલિયન બ્રેઇન્સ ત્રણ ટકા વધી છે.
પરિણામ પૂર્વે TCS પ્રારંભિક નરમાઈ બાદ વધીને બંધ
નિફ્ટી ખાતે હિન્દાલ્કો ૩.૬ ટકા વધીને ૯૮૫ બંધમાં ટૉપ ગેઇનર બની છે. સેન્સેક્સમાં ભારત ઇલેક્ટ્રિક ૧.૬ ટકા, NTPC ૧.૧ ટકા, પાવરગ્રિડ ૧.૧ ટકા વધીને મોખરે હતી. ડૉ. રેડ્ડીઝ લૅબ પોણાબે ટકા અને મૅક્સ હેલ્થકૅર દોઢ ટકા અપ હતા. ONGC, બજાજ ઑટો અને કોલ ઇન્ડિયા એક-દોઢ ટકો સુધરી છે. ઇન્ડિગો ૩.૬ ટકા બગડી ૪૪૪૮ બંધમાં સેન્સેક્સ ખાતે ઘટાડામાં મોખરે રહી છે. લાર્સન પોણાત્રણ ટકા, એટર્નલ ૨.૩ ટકા, બજાજ ફાઇનૅન્સ સવા ટકો, મહિન્દ્ર ૧.૪ ટકા, અલ્ટ્રાટેક ૧.૬ ટકા નરમ હતી. રિલાયન્સ ઉપરમાં ૧૩૫૦ વટાવી ૧.૪ ટકા ઘટી ૧૩૨૯ બંધમાં બજારને ૧૦૫ પૉઇન્ટ નડી છે. જિયો ફાઇનૅન્શિયલ સવાત્રણ ટકા ગગડી ૨૩૮ બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બની છે.
HDFC બૅન્ક ૨.૨ ટકા ઘટતાં બજારને સર્વાધિક ૨૪૩ પૉઇન્ટ માર પડ્યો હતો. ICICI બૅન્ક ૧.૮ ટકા, કોટક બૅન્ક ૨.૨ ટકા, સ્ટેટ બૅન્ક ૧.૯ ટકા અને ઍક્સિસ બૅન્ક એક ટકો નરમ હતી. આ પાંચ બૅન્કની નબળાઈ બજારને કુલ ૫૭૦ પૉઇન્ટ નડી છે. ITમાં ઇન્ફોસિસ એક ટકો ઘટીને ૧૩૩૧ રહી છે. HCL ટેક્નૉલૉજીઝ નહીંવત્ ઘટીને બંધ હતી. વિપ્રો નજીવા ઘટાડે ૨૦૩ તો ટેક મહિન્દ્ર મામૂલી સુધારે ૧૪૫૫ હતી. TCS પરિણામ પૂર્વે ઉપરમાં ૨૬૦૫ અને નીચામાં ૨૫૩૦ નોંધાવી એક ટકો વધીને ૨૫૮૮ રહી છે. કંપનીએ બજાર બંધ થયા બાદ ૭૦,૬૯૮ કરોડની આવક પર ૧૩,૭૧૮ કરોડ નેટ નફો દર્શાવી શૅરદીઠ ૩૧ રૂપિયાનું આખરી ડિવિડન્ડ જાહેર કર્યું છે. બજારની એકંદર અપેક્ષા ૬૮,૯૭૨ કરોડની આવક તથા ૧૩,૫૮૧ કરોડના નેટ નફાની હતી. ડિવિડન્ડ ધારણા કરતાં નીચું આવ્યું છે. વિશ્લેષકો શૅરદીઠ ૪૦ના આખરી ડિવિડન્ડની ધારણા રાખતા હતા.
