Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ચીન-તાઇવાન વચ્ચે યુદ્ધની સંભાવના વધતાં સોના-ચાંદીમાં ઘટાડો અટક્યો

ચીન-તાઇવાન વચ્ચે યુદ્ધની સંભાવના વધતાં સોના-ચાંદીમાં ઘટાડો અટક્યો

Published : 16 October, 2024 08:07 AM | Modified : 16 October, 2024 09:07 AM | IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

સ્ટ્રૉન્ગ ડૉલર અને ક્રૂડ તેલની નબળાઈને અવગણીને સોનામાં જળવાતી મજબૂતી

પ્રતીકાત્મક તસવીર

કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક તસવીર


ચીન-તાઇવાન વચ્ચે યુદ્ધની સંભાવના વધી રહી હોવાથી સોનામાં નવી વેચવાલી અટકતાં મજબૂતી જળવાયેલી હતી. અમેરિકન ડૉલર વધીને નવી બે મહિનાની ઊંચાઈએ તેમ જ ક્રૂડ તેલમાં સતત ત્રીજે દિવસે ઘટાડો થયો હોવા છતાં વિશ્વબજારમાં સોનાનો વધુ ઘટાડો અટક્યો હતો.


મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૭૧ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૨૬ રૂપિયા ઘટ્યો હતો. 



ઇકૉનૉમિક ઇન્ડિકેટર


ફેડના રેટ-કટ વિશે સાવચેતીભર્યા વલણથી ડૉલર ઇન્ડેક્સ સતત ત્રીજે દિવસે વધીને નવી બે મહિનાની ઊંચાઈએ ૧૦૩.૩૫ પૉઇન્ટે પહોંચ્યો હતો. ફેડ ગવર્નર ક્રિષ્ટોફર વૉલરે પણ રેટ-કટ બાબતે વધુ સાવધાની રાખવાની જરૂરત હોવાની કમેન્ટ કરતાં ડૉલર ઇન્ડેક્સને મજબૂતી મળી હતી. વળી ચીનના ​સ્ટિમ્યુલસ પૅકેજ અપૂરતાં હોવાનું ઇકૉનૉમિક ડેટા પરથી સાબિત થતાં યુઆન ઘટીને એક મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો એનો સપોર્ટ પણ ડૉલરને મળ્યો હતો. 

યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની મંગળવારે મળનારી પૉ​લિસી મીટિંગમાં પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ આવવાની શક્યતાએ કરન્સી બાસ્કેટમાં યુરોનું મૂલ્ય ઘટીને બે મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક જૂન અને સપ્ટેમ્બરમાં રેટ-કટ કર્યા બાદ આ ત્રીજો રેટ-કટ લાવશે. યુરો એરિયાનું ઇન્ફ્લેશન સપ્ટેમ્બરમાં ઘટીને સાડાત્રણ વર્ષની નીચી સપાટીએ ૧.૮ ટકાએ પહોંચતાં હવે રેટ-કટ માટે રસ્સો આસાન બન્યો છે. વળી સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટ કરતાં ઇન્ફ્લેશન નીચે ગયું છે. 


ચીનની એક્સપોર્ટ સપ્ટેમ્બરમાં ૨.૪ ટકા વધી હતી જે વધારો છેલ્લા પાંચ મહિનાનો સૌથી નીચો હતો. ઑગસ્ટમાં એક્સપોર્ટ ૮.૭ ટકા વધી હતી અને માર્કેટની ધારણા એક્સપોર્ટમાં છ ટકાના વધારાની હતી. ચીનની ઇમ્પોર્ટ સપ્ટેમ્બરમાં ૦.૩ ટકા વધી હતી જે ઑગસ્ટમાં ૦.૫ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૦.૯ ટકા વધારાની હતી. ચીનની ઇમ્પોર્ટ કરતાં એક્સપોર્ટનો વધારો વધુ હોવાથી સપ્ટેમ્બરના અંતે ટ્રેડ સરપ્લસ વધીને ૮૧.૭૧ અબજ ડૉલરે પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૭૫.૫૦ અબજ ડૉલર હતી. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 

રશિયા-યુક્રેન યુદ્ધ છેલ્લા ૯૬૩ દિવસથી અને ઇઝરાયલ-હમાસ યુદ્ધ છેલ્લા ૩૭૩ દિવસથી ચાલી રહ્યું છે ત્યારે આ બન્ને યુદ્ધનો અંત દૂર-દૂર સુધી દેખાતો નથી. એવામાં ચીન અને તાઇવાન વચ્ચે યુદ્ધ શરૂ થવાના સંકેતો છેલ્લા બે દિવસથી મળવાના શરૂ થયા છે. તાઇવાન ચીનનો હિસ્સો હોવા બાબતે બન્ને દેશો વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે તાઇવાને નૅશનલ ડે ઊજવ્યાના બીજા દિવસે ચીને તાઇવાન બૉર્ડર પર યુદ્ધ-વિમાનો અને વૉરશિપનો જમાવડો કરવાનો શરૂ કરી દીધો હતો. જોકે ચીને આ પ્રવૃત્તિને રેગ્યુલર બતાવી છે, પણ તાઇવાનની ગવર્નમેન્ટ ઑથોરિટીએ મિલિટરી માટે હાઈ અલર્ટ જાહેર કર્યું છે. તાઇવાનને અમેરિકાનું સંપૂર્ણ સમર્થન છે જે ચીનને ખૂંચી રહ્યું છે. ચીન અને તાઇવાન વચ્ચે યુદ્ધની શક્યતાની અસરે સોનાના ભાવમાં મજબૂતી વધી હોવાથી જો આ બન્ને દેશ વચ્ચે તનાવ વધશે તો સોનાને તેજીનું નવું કારણ મળશે.

ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૫,૯૩૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૫,૬૨૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૯,૮૦૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

16 October, 2024 09:07 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK