અમેરિકાના આજે જાહેર થનારા ગ્રોથ-રેટના ડેટા સોના અને ચાંદીની માર્કેટ માટે મહત્ત્વના
પ્રતીકાત્મક તસવીર
ભારત અને ચીનની ફિઝિકલ ડિમાન્ડ ઘટતાં સોનાનો ભાવ વર્લ્ડ માર્કેટમાં બે ટકાથી વધુ ઘટીને ૨૯૦૪.૯૦ ડૉલરે પહોંચ્યો હતો. ટ્રમ્પ દ્વારા કૅનેડા-મેક્સિકોથી આયાત થતી ચીજો પર ટૅરિફવધારો અમલી બનવાના નિર્ણયની તેમ જ આજે જાહેર થનારા ગ્રોથરેટના ડેટાની રાહે સોનામાં સાવચેતીભર્યો અભિગમ હોવાથી નવી ખરીદી અટકી હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ADVERTISEMENT
અમેરિકાનો કન્ઝ્યુમર કૉન્ફિડન્સ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં સાત પૉઇન્ટ ઘટીને આઠ મહિનાની નીચી સપાટીએ ૯૮.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જેના વિશે માર્કેટની ધારણા ૧૦૨.૫ પૉઇન્ટ હતી અને કન્ઝ્યુમર કૉન્ફિડન્સમાં સતત ત્રીજે મહિને ઘટાડો થતાં અમેરિકન રેટ-કટના ચાન્સ ફરી વધ્યા હતા. જોકે ટ્રમ્પે કૅનેડા અને મેક્સિકો પર લગાડેલી ટૅરિફના અમલ માટે આપેલી એક મહિનાની મુદત આગામી સપ્તાહે પૂરી થયા બાદ ટૅરિફનો અમલ થવાની શક્યતાએ ડૉલર ઇન્ડેક્સ ઘટેલા લેવલથી ૦.૨ ટકા સુધરીને ૧૦૬.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો.
અમેરિકાના મહત્ત્વના ઇકૉનૉમિક ડેટા આગામી બે દિવસમાં જાહેર થવાના છે જેમાં આજે ભારતીય સમય પ્રમાણે સાંજે સાત વાગ્યે અમેરિકાના ૨૦૨૪ના છેલ્લા ક્વૉર્ટરના ગ્રોથરેટનો બીજો અંદાજ જાહેર થશે. પહેલા અંદાજમાં ગ્રોથ ૨.૩ ટકા રહ્યો હતો જે બીજા અંદાજમાં પણ ૨.૩ ટકા રહેવાની માર્કેટની ધારણા છે. ૨૦૨૪ના ત્રીજા ક્વૉર્ટરમાં ગ્રોથરેટ ૩.૧ ટકા રહ્યો હતો. આ ઉપરાંત સાંજે સાત વાગ્યે જાન્યુઆરી મહિનાના ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડરના ડેટા અને સાપ્તાહિક અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ પણ જાહેર થશે. શુક્રવારે ભારતીય સમય પ્રમાણે સાંજે સાત વાગ્યે પર્સનલ કન્ઝ્યુમર એક્સપેન્ડિચર હેડલાઇન અને કોર પ્રાઇસ ઇન્ડેક્સ જાહેર થશે. આગામી બે દિવસમાં જાહેર થનારા ગ્રોથરેટ અને પ્રાઇસ ડેટા સોના-ચાંદીની માર્કેટની દિશા નક્કી કરવા માટે મહત્ત્વના હશે.
વૈશ્વિક માર્કેટમાં ચાંદીના ભાવ સતત ચોથે દિવસે ઘટ્યા હતા. ૨૦૨૫માં ચાંદીના ભાવ ૧૦ ટકા વધ્યા બાદ પ્રૉફિટ બુકિંગ અને જાન્યુઆરીમાં અમેરિકામાં સિલ્વર કૉઇનની ખરીદી ૨૭ ટકા ઘટતાં ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વળી અમેરિકાની સૌથી મોટી સિલ્વર પ્રોડ્યુસર્સ કંપની હકલા માઇનિંગ કંપનીનું પ્રોડક્શન ૨૦૨૪માં ૧૩ ટકા વધતાં એની પણ અસર જોવા મળી હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ચીન વર્લ્ડનું સૌથી મોટું સોનાનું કન્ઝ્યુમર અને ઇમ્પોર્ટર છે ત્યારે જાન્યુઆરીમાં ચીનની સોનાની હૉન્ગકૉન્ગથી થતી ઇમ્પોર્ટ ૪૪.૮ ટકા ઘટીને ૩૩ મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી. સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં યોજાતા સૌથી મોટા તહેવાર લુનર ન્યુ યર પહેલાં દર વર્ષે સોનાની ફિઝિકલ ડિમાન્ડમાં મોટો ઉછાળો જોવા મળતો હોય છે, પણ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ડિમાન્ડમાં મોટો ઘટાડો થયાનો સંકેત મળી રહ્યો છે. વર્લ્ડમાં સોનાની કુલ ડિમાન્ડનો ૫૦ ટકા હિસ્સો ભારત અને ચીનની ડિમાન્ડનો છે. સોનાના ભાવ ૨૦૨૫માં અગિયાર વખત ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચતાં ભારત અને ચીન બન્ને દેશોની ડિમાન્ડ ઘટી છે. ભારતની સોનાની ઇમ્પોર્ટ ફેબ્રુઆરીમાં ૮૫ ટકા ઘટીને ૨૦ વર્ષની નીચી સપાટીએ પહોંચવાનો અંદાજ છે. આમ ભારત-ચીન બન્નેની સોનાની ડિમાન્ડ ઘટી રહી છે. સોનામાં ફિઝિકલ ડિમાન્ડ ઘટી રહી હોવાથી સતત આગળ વધતી સોનાની તેજીને બ્રેક લાગી શકે છે. સોનાની તેજીને સપોર્ટ કરતાં અનેક કારણોમાં ફિઝિકલ ડિમાન્ડનું કારણ સ્ટ્રૉન્ગ હોવાથી અને ફિઝિકલ ડિમાન્ડમાં ૫૦ ટકા હિસ્સો ધરાવતા બન્ને દેશોમાં એકસાથે ડિમાન્ડ ઘટી રહી હોવાનો સંકેત ઇફેક્ટિવ અસર કરશે. સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો થવાનું સ્ટ્રૉન્ગ કારણ સામે આવતાં હવે સાવચેતી રાખવાનું સિગ્નલ મળ્યું છે.


