મુંબઈમાં ત્રણ દિવસમાં ચાંદી ૩૧૪૧ રૂપિયા ઊછળીને એક લાખ રૂપિયાના લેવલથી માત્ર ૨૩૩ રૂપિયા દૂર : મુંબઈમાં સોનું સતત ચોથે દિવસે વધીને ચાર દિવસમાં ૨૧૬૯ રૂપિયા વધ્યું
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાએ યમનના આતંકવાદી જૂથ હૂતી પર અટૅક કરીને એને ખતમ કરવાની ધમકી આપતાં જિયોપૉલિટિકલ ટેન્શન વધતાં સોના-ચાંદી વધ્યાં હતાં. વર્લ્ડ માર્કેટમાં સોનું ૩૦૦૦ ડૉલરની સપાટી વટાવ્યા બાદ ગયા સપ્તાહના અંતે પ્રત્યાઘાતી ઘટ્યું હતું, પણ સોમવારે ઘટ્યા મથાળેથી ફરી નવી ખરીદી શરૂ થતાં સોનું વધીને ૩૦૦૧.૫૦ ડૉલર સુધી વધ્યું હતું. સોનાની તેજીને પગલે ચાંદી પણ વધી હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૨૫૮ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૪૪૫ રૂપિયા ઊછળ્યો હતો. મુંબઈમાં સોનાનો ભાવ સતત ચોથે દિવસે અને ચાંદીનો ભાવ સતત ત્રીજે દિવસે વધ્યો હતો. સોનું છેલ્લા ચાર દિવસમાં ૨૧૬૯ રૂપિયા અને ચાંદી છેલ્લા ત્રણ દિવસમાં ૩૧૪૧ વધીને એક લાખ રૂપિયાના લેવલથી માત્ર ૨૩૩ રૂપિયા દૂર છે.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ માર્ચમાં ઘટીને ૨૭ મહિનાની નીચી સપાટીએ ૫૭.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૬૪.૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૬૩.૧ પૉઇન્ટની હતી. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ સતત ત્રીજે મહિને ઘટ્યો હતો. મોટા ભાગના કન્ઝ્યુમર ગવર્નમેન્ટ પૉલિસી અને ઇકૉનૉમિક કન્ડિશનની અનિશ્ચિતતા જોઈ રહ્યા હોવાથી કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ સતત ગગડી રહ્યો છે.
અમેરિકાનો કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ ઘટતાં અને ટ્રમ્પની ટૅરિફ પૉલિસીમાં રોજેરોજ ફેરફાર થતાં હોવાથી ટ્રેડવૉરનું જોખમ વધી રહ્યું હોવાથી એની અસરે ડૉલર ઇન્ડેક્સ સોમવારે વધુ ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૧૦૩.૪૯ પૉઇન્ટે પહોંચ્યો હતો. બુધવારે ફેડની મીટિંગમાં મોટે ભાગે ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ રહેવાની ધારણાએ ડૉલરનો ઘટાડો અટક્યો નહોતો.
ચીનનું રીટેલ સેલ્સ ૨૦૨૫ના પ્રથમ બે મહિના દરમ્યાન ચાર ટકા વધ્યું હતું જે ડિસેમ્બરમાં ૩.૭ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા પણ ચાર ટકા વધારાની હતી. ચીનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ૫.૯ ટકા વધ્યું હતું જે ડિસેમ્બરમાં ૬.૨ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૫.૩ ટકાના વધારાની હતી. ચીનનું ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ૪.૧ ટકા વધ્યું હતું જે માર્કેટની ૩.૬ ટકા વધારાની ધારણા કરતાં વધુ વધ્યું હતું. ચીનનાં ટૉપ લેવલનાં ૭૦ શહેરોમાં નવાં રહેણાક મકાનોના ભાવ ફેબ્રુઆરીમાં સતત ૪.૮ ટકા ઘટ્યા હતા જે જાન્યુઆરીમાં પાંચ ટકા ઘટ્યા હતા. રહેણાક મકાનોના ભાવ સતત ૨૦મા મહિને ઘટ્યા હતા. ચીને ઇકૉનૉમિક કન્ડિશનને બૂસ્ટ કરવા ડોમેસ્ટિક કન્ઝમ્પ્શન અને પબ્લિક ઇન્કમ વધારવા નવો ઍક્શન-પ્લાન ઘડ્યાની જાહેરાત કરી હતી જેમાં પ્રૉપટી માર્કેટને પણ સ્ટેબલ બનાવવાનું સામેલ હતું. જોકે આ નવા સ્ટિમ્યુલસ પ્લાનની વિગતો ચાઇનીઝ ગવર્નમેન્ટે જાહેર કરી નહોતી.
ઑર્ગેનાઇઝેશન ઑફ ઇકૉનૉમિક કો-ઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ (OECD)એ અમેરિકાનો ગ્રોથરેટ ૨૦૨૫માં ઘટીને ૨.૨ ટકા અને ૨૦૨૬માં ૧.૬ ટકા રહેવાની આગાહી કરી હતી. અગાઉ ડિસેમ્બરમાં આવેલા રિપોર્ટમાં ૨૦૨૫નો ગ્રોથરેટ ૨.૪ ટકા અને ૨૦૨૬નો ગ્રોથરેટ ૨.૧ ટકા રહેવાની આગાહી કરવામાં આવી હતી. યુરો એરિયાનો ગ્રોથરેટ પણ ૨૦૨૫માં ૧.૩ ટકાથી ઘટીને એક ટકો અને ૨૦૨૬માં ૦.૬ ટકા રહેવાની આગાહી કરવામાં આવી હતી. OECDએ ચીનનો ગ્રોથરેટ ૨૦૨૫માં ૪.૭ ટકાથી વધીને ૪.૮ ટકા અને ૨૦૨૬માં ૪.૪ ટકા રહેવાની આગાહી કરી હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા બાદ જિયોપૉલિટિકલ ટેન્શન ઘટશે એવા સંકેતો મળતા હતા, પણ ટ્રમ્પે સત્તાનાં સૂત્રો સંભાળ્યા બાદ જિયોપૉલિટિકલ ટેન્શન સતત વધી રહ્યું છે. ટ્રમ્પ અને પુતિન વચ્ચે મુલાકાત તથા રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની છેલ્લા પાંચ દિવસમાં બે વખત જાહેરાત વચ્ચે રશિયાએ યુક્રેનનાં અનેક શહેરો પર ત્રણ વખત મોટા હુમલાઓ કર્યા હતા. રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસના ચાલુ યુદ્ધ વચ્ચે અમેરિકાએ યમનના આતંકવાદી જૂથ હૂતી પર નવેસરથી અટૅક કર્યો છે. રેડ સી એરિયા યુરોપિયન દેશો અને એશિયન દેશો વચ્ચેની ગુડ્સ હેરફેરનો મુખ્ય સમુદ્રી રસ્તો છે જેમાંથી પસાર થતી તમામ ગુડ્સ સ્ટીમરો પર લાંબા સમયથી વારંવાર અટૅક કરીને હૂતી આતંકવાદીઓએ આતંક મચાવ્યો છે. હવે અમેરિકાએ હૂતી આતંકવાદીઓ પર અટૅક કરીને તમામ આતંકવાદીઓ અને આખા જૂથને ખતમ કરવાની ધમકી આપતાં ફરી જિયોપૉલિટિકલ ટેન્શન વધ્યું હતું. ઍનલિસ્ટોના મતે હૂતી આતંકવાદીઓ સશસ્ત્ર અને મજબૂત હોવાથી આ યુદ્ધ લાંબો સમય ચાલશે તેમ જ રશિયા-યુક્રેન તથા ઇઝરાયલ-હમાસ વચ્ચે પણ યુદ્ધ સમાપ્તની સમજૂતી લંબાતી જતી હોવાથી સોનાની તેજીને હજી લાંબો સમય જિયોપૉલિટકલ ટેન્શનનો સપોર્ટ મળતો રહેવાનો છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૮,૧૦૧
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૭,૭૪૮
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૯,૭૯૭
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

