બિટકૉઇન નવા શિખર સાથે સુધારામાં, પાકિસ્તાની બજાર ૧,૧૭,૦૩૯ની ઑલટાઇમ હાઈ બનાવી પાછું પડ્યું: રિલાયન્સ વર્ષના તળિયે જવાની તૈયારીમાં, એશિયન પેઇન્ટ્સમાં મલ્ટિયર બૉટમ બન્યું
માર્કેટ મૂડ
બોમ્બે સ્ટોક એક્સચેન્જની ફાઈલ તસવીર
બિટકૉઇન નવા શિખર સાથે સુધારામાં, પાકિસ્તાની બજાર ૧,૧૭,૦૩૯ની ઑલટાઇમ હાઈ બનાવી પાછું પડ્યું: રિલાયન્સ વર્ષના તળિયે જવાની તૈયારીમાં, એશિયન પેઇન્ટ્સમાં મલ્ટિયર બૉટમ બન્યું: તમામ સરકારી બૅન્કોની ખરાબી સાથે બૅન્કિંગના ૪૧માંથી ૩૮ શૅર નરમ: ટેક્સટાઇલ્સમાં ઇન્ડિયન કાર્ડ ક્લોધિંગ્સ ૨૦ ટકાની તેજીમાં, ડોનિયર ઇન્ડસ્ટ્રીઝ નવી ટોચે: ફેરકેમ ઑર્ગેનિક્સ બે દિવસમાં ૩૦૩ રૂપિયા ઊછળ્યો: હેમ્પ્સ બાયોનો SME IPO ૧૦૫૦ ગણા પ્રતિસાદમાં પૂરો, પ્રીમિયમ વધીને ૫૧ રૂપિયા થયું
વિશ્વ બજારોની સાથે-સાથે ઘરઆંગણે શૅરબજાર મંગળવારે ખરડાયું છે. સેન્સેક્સ આગલા બંધથી સવાબસો પૉઇન્ટ કરતાં વધુ નરમ, ૮૧,૫૧૨ ખૂલી છેવટે ૧૦૬૪ પૉઇન્ટ બગડી ૮૦,૬૮૪ તથા નિફ્ટી ૩૩૨ પૉઇન્ટની ખરાબીમાં ૨૪,૩૩૬ બંધ થયા છે. આરંભથી અંત સુધી રેડ ઝોનમાં રહેલા બજારમાં શૅર આંક ઉપરમાં ૮૧,૬૧૪ અને નીચામાં ૮૦,૬૧૨ હતો. બન્ને બજારના તમામ સેક્ટોરલ માઇનસ થયા છે. સેન્સેક્સ નિફ્ટીની સવા ટકા પ્લસની નરમાઈ સામે નિફ્ટી મીડિયા નામકે વાસ્તે પ્લસ તથા નિફ્ટી રિયલ્ટી નહીંવત નરમ હતા. અન્યથા બૅન્ક નિફ્ટી, નિફ્ટી મેટલ, પીએસયુ બૅન્ક નિફ્ટી, ટેલિકૉમ, ઑટો, ફાઇનૅન્સ, ઑઇલ-ગૅસ જેવા ઇન્ડાઇસીસ આશરે દોઢથી બે ટકા ડૂલ થયા છે. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૯૫૩ શૅર સામે ૧૮૫૪ જાતો ડાઉન હતી. બજારનું માર્કેટકૅપ ૪.૯૨ લાખ કરોડ ગગડી ૪૫૫.૧૪ લાખ કરોડ રૂપિયા નોંધાયું છે.
ADVERTISEMENT
સોમવારની મોડી રાત્રે અમેરિકા ખાતે નૅસ્ડૅક ઇન્ડેક્સ સવા ટકો વધી ૨૦,૧૬૧ના બેસ્ટ લેવલે બંધ થયો હોવા છતાં વળતા દિવસે વૈશ્વિક ટેક્નૉલૉજી શૅરોમાં તેજીની કોઈ સાનુકૂળ અસર જોવાઈ નથી. ગઈ કાલે તમામ અગ્રણી એશિયન બજાર ઘટ્યાં હતાં. થાઇલૅન્ડ પોણાબે ટકા, ઇન્ડોનેશિયા તથા સાઉથ કોરિયા સવા ટકાથી વધુ, ચાઇના પોણો ટકો, તાઇવાન અને હૉન્ગકૉન્ગ અડધો ટકો માઇનસ હતાં. લંડન ફુત્સી રનિંગમાં પોણો ટકો તથા અન્ય યુરોપિયન બજાર સામાન્ય ઢીલાં હતાં. પાકિસ્તાની શૅરબજાર ૧,૧૭,૦૩૯ની સર્વોચ્ચ સપાટીએ જઈ રનિંગમાં ૯૬૭ પૉઇન્ટની નરમાઈમાં ૧,૧૫,૨૦૨ દેખાયું છે. બિટકૉઇન છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૧,૦૭,૭૭૮ ડૉલરના શિખરે જઈ રનિંગમાં અઢી ટકાના સુધારામાં ૧,૦૭,૨૦૪ ડૉલર ચાલતો હતો. દરમ્યાન ઇલૉન મસ્કની નેટવર્થ સોમવારે ૧૯.૨ અબજ ડૉલરના ઉમેરામાં ૪૭૪ અબજ ડૉલરને વટાવી ગઈ છે. ૨૦૨૪નું વર્ષ વિદાય થાય એ પહેલાં આ માણસ ૫૦૦ અબજ ડૉલર કરતાં વધુની સંપત્તિનો માલિક બની ચૂક્યો હશે. માંડ બે મહિના પૂર્વે, ૨૩ ઑક્ટોબરે તેની નેટવર્થ ૨૩૭ અબજ ડૉલરની હતી.
યુએસ એફડીએનો આંચકો પચાવી ઇન્ડિકો રેમેડીઝ સુધારામાં
વાઇવો ઇન્ડિયા સાથે સંયુક્ત સાહસમાં નવું મૅન્યુફૅક્ચરિંગ યુનિટ સ્થાપવાના કરારના કરન્ટમાં ડીક્સન ટેક્નૉલૉજીઝ સળંગ છઠ્ઠા દિવસની આગેકૂચમાં ૧૯,૧૫૦ની ઑલટાઇમ હાઈ બનાવી અડધા ટકાના સુધારામાં ૧૮,૯૩૪ બંધ થયો છે. ફેસવૅલ્યુ બે રૂપિયાની છે. ૨૪ જાન્યુઆરીએ ભાવ ૫૭૮૫ના વર્ષના તળિયે હતો. કંપની ૧૦ના શૅરદીઠ ૧૭૬૬ના ભાવે સપ્ટેમ્બર ૨૦૧૭માં ૬૦૦ કરોડનો આઇપીઓ લાવી હતી. ભરણું ૧૧૮ ગણું છલકાયું હતું. ૨૦૧૭ની ૧૮ સપ્ટેમ્બરે લિસ્ટિંગમાં ભાવ ૨૮૯૩ બંધ રહ્યો હતો. માર્ચ ૨૦૨૧માં ૧૦ના શૅરનું બે રૂપિયામાં વિભાજન જાહેર કરાયું હતું. હાલ બુકવૅલ્યુ ૨૮૨ની છે. એ જોતાં મેઇડન બોનસ ગમે ત્યારે આવી શકે છે. ગ્રેવિટા ઇન્ડિયાએ શૅરદીઠ ૨૨૦૬ની ફ્લૉર પ્રાઇસથી ૧૦૦૦ કરોડનો ક્વીપ ઇશ્યુ લૉન્ચ કરતાં શૅર ઉપરમાં ૨૩૯૦ થઈ અડધો ટકો વધીને ૨૨૫૦ બંધ રહ્યો છે. ફેસવૅલ્યુ બેની છે. ૧૩ માર્ચે ભાવ ૭૩૧ના વર્ષના તળિયે હતો.
ઍન્ટિક બ્રોકિંગ તરફથી ૧૦૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જારી થતાં ક્વેસ કૉર્પ ૧૮ ગણા વૉલ્યુમે ૭૪૦ની ઇન્ટ્રા ડે હાઈ બાદ સવાસાત ટકાના જમ્પમાં ૭૧૯ બંધ થયો છે. ઇન્ડિકો રેમેડીઝને તેના ગોવા ખાતેના પ્લાન્ટને લઈ અમેરિકન એફડીએ તરફથી વૉર્નિંગ લેટર જારી થતાં શૅર નીચામાં ૩૧૨ થઈ છેવટે એક ટકો વધીને ૩૪૪ હતો. મેનકાઇન્ડ ફાર્મા દ્વારા શૅરદીઠ ૨૬૧૬ની ફ્લોર પ્રાઇસથી ૩૦૦૦ કરોડનો ક્વીપ ઇશ્યુ લૉન્ચ થતાં ભાવ અઢી ગણા કામકાજે ઉપરમાં ૨૭૫૩ થઈ અંતે અડધો ટકો ઘટી ૨૬૭૬ રહ્યો છે. ઓરિઆના પાવરે રાજસ્થાન સરકાર સાથે રીન્યુએબલ પ્રોજેક્ટ માટે MoU કરતાં શૅર ૨૭૩૦ નજીક જઈ ૨૪૮ રૂપિયા કે ૧૦ ટકા ઊછળી ૨૭૩૦ થયો છે. ડિસેમ્બર ૨૦૨૩ના અંતે ભાવ ૪૫૦ના વર્ષના તળિયે હતો. ઍક્સિસ સિક્યૉરિટી તરફથી ૨૫૬૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયના કૉલનું જોર આગળ ધપાવતાં ઑબેરૉય રિયલ્ટી ૨૩૪૧ની ઑલટાઇમ હાઈ નોંધાવી પોણાત્રણ ટકાની આગેકૂચમાં ૨૩૧૬ થયો છે. NBCC ઇન્ડિયાને કરોડનો ઑર્ડર મળ્યાના અહેવાલ પાછળ શૅર ઉપરમાં ૧૦૩ નજીક ગયા બાદ અડધો ટકો ઘટી ૧૦૦ રહ્યો છે.
સેન્સેક્સના ૩૦માંથી ૩૦ શૅર માઇનસ ઝોનમાં બંધ
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૩૦ અને નિફ્ટીના ૫૦માંથી ૪૯ શૅર લાલ થયા છે. આઇટીસી દ્વારા હોટેલ બિઝનેસના ડીમર્જર માટે પહેલી જાન્યુઆરીની રેકૉર્ડ ડેટ નક્કી થઈ છે. શૅર નજીવો ઘટીને ૪૭૦ નજીક બંધ હતો. આઇટી જાયન્ટ ઇન્ફીનાં ત્રિમાસિક પરિણામ ૧૬ જાન્યુઆરીએ આવશે. શૅર સાડાછ રૂપિયા ઢીલો થયો હતો. HDFC બૅન્ક ૧.૭ ટકા બગડી ૧૮૩૩ના બંધમાં બજારને સૌથી વધુ ૨૦૯ પૉઇન્ટ નડી છે. શ્રીરામ ફાઇનૅન્સ પાંચ ટકા કે ૧૬૧ની ખરાબીમાં ૨૯૭૭ બંધ આપી નિફ્ટી ખાતે તો ભારતી ઍરટેલ પોણાત્રણ ટકા તૂટી ૧૬૧૫ના બંધમાં સેન્સેક્સમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યા છે. ગ્રાસિમ ૩.૨ ટકાની ખુવારીમાં ૨૬૦૦ હતો. અન્યમાં હીરો મોટોકૉર્પ, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, JSW સ્ટીલ, હિન્દાલ્કો, ટીસીએસ, આઇશર, એશિયન પેઇન્ટ્સ, લાર્સન, ડૉ. રેડ્ડીઝ લૅબ, બજાજ ફીનસર્વ, કોલ ઇન્ડિયા, ભારત ઇલે., ONGC, ભારત પેટ્રોલિયમ, નેસ્લે જેવી જાતો દોઢથી પોણાત્રણ ટકા કપાઈ હતી. રિલાયન્સ નીચામાં ૧૨૪૨ બતાવી પોણાબે ટકા બગડી ૧૨૪૫ બંધ આપી બજારને ૧૩૫ પૉઇન્ટ ભારે પડ્યો છે. નિફ્ટી ખાતે સિપ્લા અઢી રૂપિયા જેવા મામૂલી સુધારામાં ૧૪૫૧ નજીક બંધ થયો છે. અદાણીના ૧૧માંથી ૯ શૅર માઇનસ હતા. અદાણી ગ્રીન સવાબે ટકા, એસીસી બે ટકા તથા અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, અદાણી પાવર, અંબુજા સિમેન્ટ્સ, NDTV, અદાણી વિલ્મર પોણાથી સવા ટકો અને સાંધી ઇન્ડ. ૦.૪ ટકો ઘટ્યા છે. અદાણી એનર્જી અઢી રૂપિયા તેમ જ અદાણી ટોટલ સવાબે રૂપિયા સુધર્યા હતા. એશિયન પેઇન્ટ્સમાં ૨૩૫૩ની ત્રણ વર્ષની નવી બૉટમ બની છે. બૅન્કિંગના ૪૧માંથી ફક્ત ત્રણ શૅર પ્લસ હતા. તમામ ૧૨માંથી ૧૨ સરકારી બૅન્કો રેડ ઝોનમાં બંધ હતી. ધનલક્ષ્મી બૅન્ક સવાછ ટકાના જમ્પમાં ૪૨ ઉપર બંધ થઈ છે. તો CSB બૅન્ક ૩.૩ ટકા વધી ૩૧૭ હતી. આરબીએલ બૅન્ક, બંધન બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, યુનિયન બૅન્ક, એયુ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક પોણાત્રણથી સાડાત્રણ ટકા ગગડી છે. ભારતી ઍરટેલનો પાર્ટ પેઇડ પોણાચાર ટકાની ખરાબીમાં ૧૨૦૧ હતો. ભારતી હેક્સાકૉમ અડધા ટકા નજીક સુધર્યો છે.
મુંબઈની આઇડેન્ટિકલ બ્રેઇન્સનો SME ઇશ્યુ આજે ખૂલશે
ટૉસ ધ કૉઇન શૅરદીઠ ૧૮૮ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રે માર્કેટ ખાતે છેલ્લે બોલાતા ૨૧૪ના પ્રીમિયમ સામે ૩૪૬ ખૂલી ઉપલી સર્કિટમાં ૩૬૩ વટાવી ત્યાં જ બંધ થતાં અત્રે ૧૦૦ ટકા લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. જંગલ કૅમ્પસ શૅરદીઠ ૭૨ની ઇશ્યુ પ્રાઇસ અને ૬૦ના પ્રીમિયમ સામે ૧૩૭ ખૂલી ઉપરમાં ૧૪૩ થયા બાદ ૧૩૦ બંધ રહેતાં એમાં ૮૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. બુધવારે કુલ પાંચ ભરણાંનું લિસ્ટિંગ છે જેમાં હાલ વિશાલ મેગા માર્ટમાં ગ્રે માર્કેટ ખાતે ૨૧ જેવું, સાંઈ લાઇફ સાયન્સિસમાં ૬૮નું, મોબિક્વિકમાં ૨૭૯નું, પર્પરલ યુનાઇટેડમાં ૮૦નું અને સુપ્રીમ ફૅસિલિટીમાં ૨૪નું પ્રીમિયમ બોલાય છે.
SME સેગમેન્ટમાં નેકડાક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શૅરદીઠ ૩૫ના ભાવનો ૧૦ કરોડનો ઇશ્યુ મંગળવારે પ્રથમ દિવસે કુલ ૫૭ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૪૦ જેવું છે. હેમ્પ્સ બાયોના BSE SME IPO કુલ ૧૦૫૦ ગણા અને મેઇન બોર્ડની ઇન્ટરનૅશનલ જેમોલૉજિકલનો ૪૨૨૫ કરોડનો ઇશ્યુ કુલ ૫૨.૭ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. અત્યારે હેમ્પ્સમાં ૫૧ અને ઇન્ટરનૅશનલ જેમોલૉજિકલમાં ૯૦ રૂપિયા પ્રીમિયમ ચાલે છે.
બુધવારે મુંબઈના ઓશિવરા અંધેરી ખાતેની આઇડેન્ડિકલ બ્રેઇન્સ સ્ટુડિયોઝ ૧૦ના શૅરદીઠ ૫૪ની અપર બૅન્ડમાં ૧૯૯૫ લાખ રૂપિયાનો NSE SME IPO કરવાની છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૧૩થી શરૂ થયું હતું. રેટ ખેંચીને હાલ ૩૮ ઉપર લઈ જવાયો છે. ગુરુવાર પ્રાઇમરી માર્કેટમાં જબરી ધમાધમી છે. મેઇન બોર્ડના પાંચ તથા SMEમાં એક એમ કુલ છ ભરણાં એકસાથે ખૂલવાનાં છે. આ ઉપરાંત બરોડાની યસ હાઈ વૉલ્ટેજ તથા આરઝેડ ઘરાનાની ઇન્વેન્ચર્સ નૉલેજનું લિસ્ટિંગ પણ ૧૯મીએ થવાનું છે.
ભાવવધારાની હવામાં ખાતર શૅરો લાઇમ લાઇટમાં રહ્યા
ખરાબ બજારમાં BSE લિમિટેડ ૫૭૬૭ના બેસ્ટ લેવલે જઈ એક ટકો વધીને ૫૭૨૮ નજીક તથા CDSL ૧૯૯૦ના શિખરે જઈ સામાન્ય સુધારે ૧૯૩૪ બંધ રહ્યા છે. ૬૩ મૂન્સ પાંચ ટકાની ઉપલી સર્કિટ આગળ વધારી ૯૪૩ વટાવી ત્યાં જ રહ્યો હતો. એક શૅરદીઠ ૯ બોનસ શૅરમાં સોમવારે એક્સ-બોનસમાં પાંચ ટકાની તેજીની સર્કિટમાં બંધ રહેલી સ્કાય ગોલ્ડ વધુ એક ઉપલી સર્કિટમાં ૪૮૯ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરીને ત્યાં જ બંધ આવ્યો છે. એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ ૨૯૭૭ રૂપિયા કે દોઢ ટકો સુધરીને ૧,૯૯,૬૫૦ હતો. ઝેન ટેક્નૉલૉજીઝ બુલરન જાળવી રાખતાં ૨૫૦૨ની વિક્રમી સપાટી બતાવી ત્રણ ટકા કે ૬૯ના જમ્પમાં ૨૩૯૬ થયો છે. ત્રીજી ડિસેમ્બરે ભાવ તાજેતરમાં ૧૮૦૩ હતો.
ડીએપી ખાતરના ભાવમાં ૧૨થી ૧૫ ટકાનો વધારો આવવાની હવામાં ગઈ કાલે ખાતર શૅરોમાં સિલેક્ટિવ ફૅન્સી જોવાઈ છે. ઉદ્યોગના પચીસમાંથી ૧૯ શૅર પ્લસ હતા. ખૈતાન કેમિકલ્સ નવ ટકા ઊછળી ૭૭ હતો. સરકારી ખાતર કંપનીઓમાં નૅશનલ ફર્ટિલાઇઝર પોણાચાર ટકા, આરએફસી સાડાચાર ટકા, ફેક્ટ એકાદ ટકો, GSFC સવા ટકો મજબૂત હતા. અન્યમાં મદ્રાસ ફર્ટિલાઇઝર અઢી ટકા, સ્પીક પોણાત્રણ ટકા, મૅન્ગલોર કેમિકલ્સ બે ટકા, રામા ફોસ્ફેટ સવા ટકો, એરિસ ઍગ્રો બે ટકા અપ હતા.
ટેક્સટાઇલ કંપની ઇન્ડિયન કાર્ડ ક્લોધિંગ્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૪૦૩ના શિખરે જઈ ત્યાં જ હતો. ડોનિયર ઇન્ડસ્ટ્રીઝ ૧૮૫ની ટૉપ હાંસલ કરી ૯.૮ ટકાના ઉછાળે ૧૭૭ થયો છે. સ્પોર્ટ કિંગ ઇન્ડિયા આઠ ટકા ઊચકાઈ ૧૨૪ વટાવી ગયો છે. માઝગાવ ડૉક ત્રણ ગણા કામકાજે ઉપરમાં ૫૩૪૫ થઈ ૫.૪ ટકા કે ૨૭૪ રૂપિયાના જમ્પમાં ૫૩૦૭ હતો. ગાર્ડનરિચ અડધો ટકો તો કોચીન શિપયાર્ડ નહીંવત સુધર્યા હતા. ફેરકેમ ઑર્ગેનિક્સ બૅક-ટુ-બૅક ૨૦ ટકાની તેજીમાં ૧૧૯૯ નજીક જઈ ત્યાં જ બંધ રહ્યો છે. બે દિવસ પહેલાં ભાવ ૮૯૬ હતો.