તા.૧૩મી ઓક્ટોબર ૨૦૨૪ના રોજ એસ.એન.ડી.ટી. અનુસ્નાતક મહિલા વિદ્યાપીઠ મું. તેમજ મુંબઈની જાણીતી સાહિત્યિક સંસ્થા લેખિનીના સંયુક્ત ઉપક્રમે મીનાક્ષી વખારિયાના બાળ-વાર્તાસંગ્રહ 'ચાલો, મસ્ત મજાની વાર્તા કહું...'નો લોકાર્પણ સમારોહ જી. એચ. સેન્ટર મિનિ ઓડિટોરિયમ (સાન્તાક્રુઝ) ખાતે સંપન્ન થયો. આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સુપ્રસિદ્ધ બાળવાર્તાકાર શ્રી હેમંત કારિયા હાજર રહ્યા હતા. તેઓએ મીનાક્ષી વખારિયાના બાળ-વાર્તાસંગ્રહને લોકાર્પિત કર્યો હતો. આ અવસરે વિદ્યાપીઠના મહિલા અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ ડૉ.દર્શનાબહેન ઓઝા, શ્રી કવિત પંડયા, લેખિની સંસ્થાના અધ્યક્ષ ડૉ. પ્રીતિબહેન જરીવાલા તથા સાહિત્ય સંસદના પ્રમુખ શ્રી કનુભાઈ સૂચક, ડૉ. સુશીલાબહેન સૂચકની હાજરી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી ગઈ.
લોકપર્ણ સમારોહ દરમિયાન ડૉ. દર્શનાબહેન ઓઝાએ બાળ સાહિત્ય સર્જન અંગે પોતાના મંતવ્યો રજૂ કરતાં જણાવ્યું હતું કે બાળ સાહિત્ય બાળકોના માનસિક વિકાસનાં ઘડતરને સહાયરૂપ થાય એ રીતે રચાવું જોઈએ. મીનાક્ષીબહેનની બાળવાર્તાઓ સહજપણે ઉતરી આવી છે. વ્યાકરણ અને જોડણી પ્રત્યેની તેમની સજાગતા તેમને સારાં લેખિકા બનાવે છે. લેખિની સંસ્થા વતી પ્રીતિબહેને પુસ્તકનાં મુખપૃષ્ઠ અંગે સુંદર વાત કરતાં કહ્યું હતું કે આ સંગ્રહનું મુખપૃષ્ઠ એટલું સુંદર બન્યું છે કે બાળક જાતે જ સમજી જાય કે આ પુસ્તક એનાં પોતાના માટે જ છે. બાળવાર્તાઓનું વૈવિધ્ય બાળકોને જરૂર ગમશે. એમણે પુસ્તકની જ એક વાર્તા રમતી-ભમતીનું ભાવવાહી પઠન કરી વાર્તાને ભાવકો સુધી રમતી કરી દીધી હતી.
વિશેષ આતિથિ હેમંત કારિયાએ બાળસાહિત્ય સર્જન અને એનાં અનેકવિધ પાસાઓ વિશે રસપ્રદશૈલીમાં વાત કરી હતી. તેઓએ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે બાળવાર્તા લખવા માટે બાળક બનીને વિચારવું, લખવું પડે. મીનાક્ષીબહેનના વાર્તાસંગ્રહના શીર્ષકો જ એટલાં રસપ્રદ છે કે એ દરેકને શબ્દ વૈવિધ્યથી સાંકળી લઈએ તો એક નવી વાર્તા બની જાય. 'ચાલો, મસ્ત મજાની વાર્તા કહું...' આજે આ વાર્તાસંગ્રહ થકી બાળસાહિત્યમાં એક નવું પીંછુ ઊમેરાયું છે. આશા છે કે ભવિષ્યમાં મીનાક્ષીબહેન વધુને વધુ ઉત્તમ રચનાઓ આપી બાળસાહિત્ય જગતના પ્રતિનિધી કલમકાર બને. 'ચાલો, મસ્ત મજાની વાર્તા કહું...' પુસ્તકને આવકારતાં આદરણીય કનુભાઈ સૂચકે કહ્યું હતું કે આજના સમયમાં જ્યારે બાળસાહિત્યમાં ખૂબ જ ઓછું લખાઈ રહ્યું છે ત્યારે મીનાક્ષીબહેન બાળવાર્તાઓનું પુસ્તક લઈને આવ્યાં છે તે આપણાં સહુ માટે આનંદ અને આવકારદાયક વાત છે.
કાર્યક્રમમાં સંગ્રહની બાળવાર્તાઓનું પઠન પણ કરવામાં આવ્યું હતું. ફાલ્ગુનીબહેને 'ભગુ-જગુ' વાર્તાનું રસપ્રદ પઠન કરી વાર્તાને ભાવકોને અંત સુધી જકડી રાખ્યાં હતાં. તે ઉપરાંત વ્રિંદા વખારિયાએ 'માયાળુ મીની' નામની વાર્તાના મીનીનાં પાત્રને અદ્દલોઅદલ જીવંત કરી ભાવકોનાં મન મોહી લીધાં હતા. કીર્તિદા દોશીએ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપેરે પાર પાડ્યું હતું. સંચાલન દરમિયાન એમણે મીનાક્ષીબહેનનાં જ એક સુંદર બાળકાવ્યનું પણ રસપાન કરાવ્યું હતું. ડૉ. કલ્પનાબહેન દવે સહ લેખિનીની સુજ્ઞ બહેનો અને મીનાક્ષીબહેનનાં પરિવારજનોની હાજરીમાં પુસ્તકનાં લોકાર્પણનો અવસર રંગેચંગે પાર પડ્યો. કાર્યક્રમને અંતે સૌ અલ્પાહાર લઈને સંતોષ અને આનંદના ઓડકાર સાથે છૂટાં પડ્યાં હતાં.