યુ.એસ. એમ્બેસી મુંબઈના દોસ્તી હાઉસમાં આજે એઇડ્ઝ હેલ્થકૅર ફાઉન્ડેશન (AHF)ના સંયુક્ત ઉપક્રમે 46 દેશોમાં એઇડ્ઝથી પિડાતા 2 મિલિયનથી વધુ લોકોને સારવાર અને સંભાળ આપવાનો માઇલ સ્ટોન સિદ્ધ કર્યા બદલ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ડેપ્યુટી પ્રિન્સિપાલ ઑફિસર યુ.એસ. કોન્સ્યુલેટ જનરલ, મુંબઈ માઇકલ શ્રેડર, કલ્ચરલ અફેર્સ ઑફિસર અને દોસ્તી હાઉસ ચિફ રોબર્ટ એન્ડરસને હાજરી આપી હતી તથા AHF ઇન્ડિયાના કન્ટ્રી પ્રોગ્રામ ડાયરેક્ટર ડૉ. સેમ પ્રસાદ સાથે AHFના બ્રાન્ડ એમ્બેસેડર સજાતીય હક માટે લડત ચલાવનારા રાજપીપળાના રાજકુમાર માન્વેન્દ્રસિંહ ગોહિલે AHF અંગે વાત કરી હતી. ડૉ. સેમે AHFની કામગીરી અંગે વિગતવાર વાત કરી, એક રાષ્ટ્ર તરીકે યુ.એસ.એ.ના ભારતમાં સહકાર અંગે જણાવ્યું અને કઈ રીતે એક સમયે અને વિરોધો વચ્ચે શરૂ થયેલી લડત આજે વિશ્વના વિવિધ ખૂણે ફેલાયેલા 2 મિલિયન દર્દીઓની સંભાળ લેવા સુધી પહોંચી છે તેની પર પ્રકાશ પાડ્યો. માન્વેન્દ્રસિંહ ગોહિલે પણ જણાવ્યું કે સહકારમાં જોડાયેલી વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓને કારણે એઈડ્ઝથી પિડાતા અનેક લોકો સુધી પહોંચવું શક્ય બન્યું છે અને આગળ પણ આ અભિયાન આ જ રીતે ચાલશે. માઇકલ શ્રેડર અને રોબર્ટ એન્ડરસને AHFના પ્રયાસને બિરદાવ્યા અને તેમના ધ્યેયમાં બનતો સહકાર આપવાની ખાતરી પણ આપી. આ ઉપરાંત કાર્યક્રમમાં AHFની કામગીરી દર્શાવતી ડૉક્યુમેન્ટરી 'કીપ ધી પ્રોમિસ' દર્શાવાઇ જેમાં નાની લડતોથી લઇને મોટાં સંમેલનો, આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ સેલિબ્રિટીઝના સહકાર ભર્યા કાર્યક્રમો, એઇડ્ઝની દવા અને સારવાર ઘટાડવાની દિશામાં થયેલી કામગીરી જેવી વિગતો ખૂબ સંવેદનનશીલ રીતે દર્શાવાઇ છે. ત્યાર બાદ 2 મિલિયન લોકો સુધી પહોંચેલી સંભાળની સિદ્ધિને માર્ક કરવા કેક કટિંગ કરવામાં આવ્યું હતું. એઈડ્ઝને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાની દિશામાં કામ કારતી સંસ્થા AHFનો ઈતિહાસ અંદાજે ત્રણ દાયકા જુનો છે અને તેમાં તેમણે સાવ આંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો સુધી પહોંચીને, ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ સાથે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું છે. આ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય, સજાતીયતા અને માનવાધિકાર માટે કામ કરતી સંસ્થાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી જે એક યા બીજી રીતે AHF સાથે જોડાયેલા છે. આ ઉપરાંત કિંગડમ ઑફ નેધરલેન્ડ્ઝના ડેપ્યુટી કાઉન્સેલ જનરલ ટિએરી વાન હેલ્ડને પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.