Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સાહિત્યમાં સ્ત્રી ચેતના આ વિષય પર બોરીવલીમાં ઝરૂખોએ ઉજવ્યો વિશ્વ મહિલા દિવસ

10 March, 2024 01:39 IST | Mumbai

સાહિત્યમાં સ્ત્રી ચેતના આ વિષય પર બોરીવલીમાં ઝરૂખોએ ઉજવ્યો વિશ્વ મહિલા દિવસ

છેલ્લા ૧૪ વર્ષોથી બોરીવલીમાં 'ઝરૂખો'માં સાહિત્યના કાર્યક્રમનું આયોજન થાય છે. મહિનાના પહેલા શનિવારે સાઈબાબાના મંદિરના હૉલમાં નવા સર્જક, નવો વિષય, નવી વાત શ્રોતાઓ સમક્ષ રજૂ થાય છે. આ વખતે નવા વિષય સાથે 'ઝરૂખો' અંતગર્ત 'વિશ્વ મહિલા દિવસ' ને ધ્યાનમાં રાખીને આયોજન થયું. વિષય હતો 'સાહિત્યમાં સ્ત્રી ચેતના' દીપ પ્રગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ.કવિ શ્રી સંજય પંડ્યાએ ભૂમિકા બાંધી. આખા કાર્યક્રમનું સંચાલન કવયિત્રી પ્રતિમા પંડ્યાએ વિષયને અનુરૂપ, સ્ત્રીને કેન્દ્રમાં રાખી એમની આગવી છટાથી કર્યું.વક્તા તરીકે ચાર મહિલાઓ હતી અને શ્રોતાગણમાં મહિલા વર્ગની હાજરી સારી એવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં , અમેરિકાસ્થિત કવયિત્રી નંદિતા ઠાકોર, જે સ્વરકાર તેમજ ગાયિકા પણ છે, તેઓ રજૂ થયાં . પ્રતિમા પંડ્યાએ તેમના માટે કહ્યું, તેઓ અમેરિકામાં વાસ કરે છે પણ મુંબઈમાં શ્વાસ લે છે! નંદિતા ઠાકોરે એમનાં મધુર કંઠે વિષયને અનુરૂપ ગીતો સંભળાવ્યાં. એમાં એમનાં લખેલાં, એમનું સ્વરાંકન કરેલાં, ન સાંભળેલાં બાળગીતો પણ હતાં.એમની ગીત રચના ' કદીક અડાબીડ જંગલ વચ્ચે તને મળી'તી, એક એક થડની પડખેથી જાણે કોમળ વેલ ભળી'તી 'રજૂ કર્યું.ત્યારે બહેનોએ સખીપણાંનો પ્રેમ અનુભવ્યો.વધુ ગીતો આવરી શકાય એ હેતુથી ગીતના એક એક અંતરા એમણે રજૂ કર્યાં. ત્યાર બાદ રજૂ થયાં જાણીતાં કવયિત્રી, વાર્તાકાર ડૉ' સેજલ શાહ! એમણે 'ગુજરાતી કાવ્યોમાં સ્ત્રી ચેતના' વિષય પર ખૂબ સરસ વક્તવ્ય આપ્યું.

સ્ત્રી ચેતના જેમણે આલેખી છે એવા ગીતોના સર્જક તથા એમની રચનાથી તેઓ માહિતગાર કરાવતાં ગયાં.એમના મીઠા અવાજમાં જાણે ઉપસ્થિત શ્રોતાઓ ડૂબતાં ગયાં, એમને સાંભળતાં રહ્યાં. એક એક વક્તા વચ્ચે પ્રતિમાબેન એમનાં સંચાલનમાં આગવું સાહિત્ય પીરસતાં હતાં. સેજલબેન શાહ પછી અલ્પાબેન વખારિયાએ ગીત રજૂ કર્યું.બધાંને ગમતું , બધાંની જીભે રમતું ગીત 'દયાના સાગર થઈને, કૃપાળુ નિધાન થઈને , છોને ભગવાન કહેવરાવો , મારાં રામ , તમે સીતાજીની તોલે ન આવો' આ ગીત એમણે રજૂ કર્યું ત્યારે ત્યાં ઉપસ્થિત બધાં જ એમની સાથે એમનાં સૂરમાં સૂર પૂરાવતાં હતાં. ત્યારબાદ એસ એન ડી ટી મહિલા વિદ્યાપીઠનાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ ડૉ.દર્શનાબેન ઓઝાએ 'ગુજરાતી ટૂંકી વાર્તામાં સ્ત્રી ચેતના' વિષય પર વક્તવ્ય આપ્યું. એમણે લગભગ સવાસો જેટલી વાર્તાઓથી શ્રોતાઓને પરિચિત કરાવ્યાં .દર્શનાબેને પહેલાંનાં સ્ત્રી સર્જકથી લઈને આજનાં સ્ત્રી સર્જક સુધીની વાતો કરી,એમનાં લેખન વિશેની વાત કરી. એમનાં વક્તવ્યમાં સ્ત્રી સર્જકના દરેક પાસાને વણી લીધું.એમની પાસે એટલી માહિતી હતી કે વીસ મિનિટ ઓછી પડે.

ત્રણ વર્ષની ટબૂકડી કિયાંશા જાનીએ એક બાળકાવ્ય રજૂ કરી શ્રોતાઓની દાદ મેળવી હતી.

અંતમાં નંદિતા ઠાકોરે ફરી એમનાં મધુર કંઠે સ્ત્રી ચેતનાનાં ગીતો સંભળાવ્યાં . આ કાર્યક્રમનું સંકલન અને પરિકલ્પના સંજય પંડ્યાનાં હતાં. તરુબહેન કજારિયા, કિશોર પટેલ, કલ્પના દવે, બાદલ પંચાલ,આશા પુરોહિત જેવાં કવિ તથા વાર્તાકાર પણ કાર્યક્રમમાં હાજર હતાં . (અહેવાલ :સ્મિતા શુકલ)


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK