જૅરોડ બોવેને ૯૦મી મિનિટે વિનિંગ ગોલ કર્યો હતો.
તસવીર એ.એફ.પી.
ચેક રિપબ્લિકના પ્રાગ શહેરમાં બુધવારે યુઇફા યુરોપા કૉન્ફરન્સ લીગ ટુર્નામેન્ટની ફાઇનલ જીત્યા પછી મળેલી અનોખી ટ્રોફી સાથે સેલિબ્રેશનના મૂડમાં ચેક રિપબ્લિકનો મિડફીલ્ડર અને ચૅમ્પિયન ટીમ વેસ્ટ હૅમનો મુખ્ય પ્લેયર તોમાસ સોઉટેક. આ ટ્રોફીનો આકાર અન્ય ટુર્નામેન્ટ્સની ટ્રોફીથી તદ્દન જુદો છે. સામાન્ય રીતે મુંબઈમાં જુહુ તથા આક્સા બીચ પર અને ગિરગામ ચોપાટી પર ફેરિયાઓ આવા આકારનાં સ્ટૅન્ડ સાથે ઊભા રહેતા જોવા મળે છે. જોકે વેસ્ટ હૅમ માટે આ આકારની ટ્રોફી ગૌરવ અપાવનારી અને ઐતિહાસિક છે. વેસ્ટ હૅમે ફાઇનલમાં ફિયોરેન્ટિનાની ટીમને ૨-૧થી હરાવી હતી. જૅરોડ બોવેને ૯૦મી મિનિટે વિનિંગ ગોલ કર્યો હતો. વેસ્ટ હૅમ લંડનની ક્લબની ટીમ છે અને એ ૧૯૬૫ની સાલ પછી પહેલી વાર મોટી ટ્રોફી જીતી છે. ૫૮ વર્ષે આ ક્લબની ટીમ યુરોપનો વિનર્સ કપ જીતી હતી. તાજેતરની ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં વેસ્ટ હૅમની ટીમ છેક ૧૪મા નંબરે રહી હતી.

