વડા પ્રધાને કૉમનવેલ્થ ગેમ્સમાં જનારા ઍથ્લીટોને કહ્યું, ‘કોઈ પણ ચિંતા કર્યા વગર પૂરી તાકાતથી હરીફાઈમાં ઊતરજો’
વડાપ્રધાન મોદીનો કૉમનવેલ્થ ગેમ્સના ઍથ્લીટો સાથે સંવાદ
આગામી ૨૮ જુલાઈએ ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમમાં યોજાનારી કૉમનવેલ્થ રાષ્ટ્રો વચ્ચેની કૉમનવેલ્થ ગેમ્સમાં જવાની તૈયારી કરી રહેલા ભારતના ઘણા ઍથ્લીટો સાથે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કૉન્ફરન્સિંગથી વાતચીત કરી હતી. આ વાર્તાલાપમાં ઍથ્લીટોના કેટલાક કોચ તેમ જ સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુર પણ હાજર હતા.
પીએમ મોદીએ તેમને ક્હ્યું, ‘તમે આ સાંભળ્યું જ હશે... ક્યૂં પડે હો ચક્કર મેં, કોઈ નહીં હૈ ટક્કર મેં. તમે બધા કૉમનવેલ્થમાં કોઈ પણ પ્રકારની ચિંતા અને માનસિક દબાણ વગર પોતપોતાની હરીફાઈમાં ઝુકાવજો. દિલોદિમાગથી અને પૂરી તાકાતથી પર્ફોર્મ કરજો.’
ADVERTISEMENT
મોદીએ ઍથ્લીટોને એવું પણ કહ્યું, ‘કૉમનવેલ્થનો પ્રારંભિક દિવસ (૨૮ જુલાઈ) શુભ દિન છે, કારણ કે એ તામિલનાડુના મહાબલીપુરમમાં એ જ દિવસે ચેસ ઑલિમ્પિયાડ શરૂ થવાની છે. આ વખતે આપણા ૬૫ ઍથ્લીટો પહેલી જ વાર કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે અને તેમને મારી શુભેચ્છા છે કે તેઓ આ રમતોત્સવમાં જબરદસ્ત પર્ફોર્મ કરશે.’
કૉમનવેલ્થ ગેમ્સમાં કુલ ૧૯ રમતોની ૧૪૧ ઇવેન્ટ્સમાં ભારતના ૨૧૫ ઍથ્લીટો ભાગ લેશે.
‘વર્લ્ડ ચેસ ડે’ ઊજવાયો
ગઈ કાલે `વર્લ્ડ ચેસ ડે` હતો અને એ નિમિત્તે તામિલનાડુ ખાતેના આગામી ચેસ ઑલિમ્પિયાડને લગતી સત્તાવાર સ્ટૅમ્પનું દિલ્હીમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.

