૧૭ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિભવનમાં દ્રોણાચાર્ય, અર્જુન અને ખેલ રત્ન અવૉર્ડ આપવામાં આવશે
મનુ ભાકર, ડી. ગુકેશ, હરમનપ્રીત સિંહ, પ્રવીણ કુમાર
ભારતીય યુથ ઍન્ડ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ ગઈ કાલે ૨૦૨૪ માટે ખેલ રત્ન અને અર્જુન અવૉર્ડ જેવા પ્રતિષ્ઠિત સન્માન માટે મહત્ત્વની જાહેરાત કરી છે. બે ઑલિમ્પિક મેડલ વિજેતા શૂટર મનુ ભાકર, યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચૅમ્પિયન ડી. ગુકેશ, પૅરિસ ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ જીતનાર મેન્સ હૉકી ટીમના કૅપ્ટન હરમનપ્રીત સિંહ અને બે પૅરાલિમ્પિક મેડલ જીતનાર પૅરા-હાઈ જમ્પર પ્રવીણ કુમારને દેશના સર્વોચ્ચ ખેલ સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યાં છે.
ખેલ રત્ન પુરસ્કાર મેળવનારને મેડલ, પ્રશસ્તિપત્ર અને પચીસ લાખ રૂપિયા કૅશ આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૨૦૨૫ની ૧૭ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિભવનમાં એક વિશેષ કાર્યક્રમમાં વિજેતાઓને પુરસ્કાર અર્પણ કરશે.
ADVERTISEMENT
૧૭ પૅરા ઍથ્લીટ સહિત ૩૨ પ્લેયર્સને અર્જુન અવૉર્ડ
૩૨ પ્લેયર્સને અર્જુન અવૉર્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે જેમાંથી ૧૭ પૅરા ઍથ્લીટનો સમાવેશ છે. એમાં મોટા ભાગના પૅરિસ પૅરાલિમ્પિક્સના ગોલ્ડ અને સિલ્વર મેડલિસ્ટ છે. અર્જુન પુરસ્કારમાં ૧૫ લાખ રૂપિયા કૅશ, અર્જુન પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. આ અવૉર્ડ જીતનાર પ્લેયર્સમાં મહારાષ્ટ્રના શૂટર સ્વપ્નિલ કુસાળે, કુસ્તીબાજ અમન સેહરાવત, પૅરા જૅવલિન થ્રોઅર નવદીપ સિંહ, પૅરા-બૅડ્મિન્ટન પ્લેયર નીતીશ કુમાર જેવા લોકપ્રિય નામ સામેલ છે.
સ્વપ્નિલ કુસાળેનાં કોચને દ્રોણાચાર્ય અવૉર્ડ મળશે
પૅરિસ ઑલિમ્પિકસમાં બ્રૉન્ઝ મેડલ વિજેતા મહારાષ્ટ્રના સ્વપ્નિલ કુસાળેનાં કોચ દીપાલી દેશપાંડેનું નામ દ્રોણાચાર્ય અવૉર્ડ માટે સામેલ કરવામાં આવ્યું છે. તેમની સાથે પૅરા-શૂટિંગના કોચ સુભાષ રાણા અને હૉકી કોચ સંદીપ સાંગવાનને પણ દ્રોણાચાર્ય અવૉર્ડ મળશે.
મુરલીકાંત પેટકર લાઇફ ટાઇમ અર્જુન અવૉર્ડથી સન્માનિત થશે
લાઇફ ટાઇમ અર્જુન અવૉર્ડ વિજેતાઓમાં ભારતના પ્રથમ પૅરાલિમ્પિક ગોલ્ડ વિજેતા મુરલીકાંત પેટકરનો સમાવેશ થાય છે, જેમણે ૧૯૭૨ પૅરાલિમ્પિક્સમાં ૫૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગમાં આ મેડલ જીત્યો હતો. ૧૯૬૫માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન ગોળીઓને લીધે અક્ષમ બનેલા મુરલીકાંત પેટકર પર ‘ચંદુ ચૅમ્પિયન’ ફિલ્મ બનાવવામાં આવી છે. તેમના સિવાય ૧૯૬૪ના ઑલિમ્પિક્સના ભારતીય સાઇક્લિસ્ટ સુચ્ચા સિંહને પણ આ અવૉર્ડ મળશે. લાઇફ ટાઇમ દ્રોણાચાર્ય અવૉર્ડ કૅટેગરીમાં ભારતીય ફુટબૉલ ટીમના ભૂતપૂર્વ મૅનેજર આર્માન્ડો કોલાસો અને બૅડ્મિન્ટન કોચ એસ. મુરલીધરનનો પણ સમાવેશ છે.