૨૦૧૮થી ૨૦૨૨ દરમ્યાન મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ રહેલો આ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બન્યો લખનઉ સુપર જાયન્ટ્સનો મેન્ટર, બે વર્ષ બાદ IPLમાં વાપસી કરશે
ગઈ કાલે કલકત્તામાં ઝહીર ખાનને ટીમની જર્સી આપતા ઓનર સંજીવ ગોયનકા અને તેમનો પુત્ર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના મેગા ઑક્શન પહેલાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનને ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કર્યો છે. ૪૫ વર્ષનો ઝહીર ખાન બે વર્ષ બાદ IPLમાં વાપસી કરશે. ૨૦૧૮થી ૨૦૨૨ વચ્ચે તે મુંબઈ ઇન્ડિયન્સમાં ક્રિકેટ ડાયરેક્ટર અને ગ્લોબલ હેડ ઑફ ડેવલપમેન્ટની ભૂમિકામાં હતો.
વર્તમાન ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરની વિદાય બાદથી LSGમાં મેન્ટરનું પદ ખાલી છે. ૨૦૨૪માં કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે જોડાઈને ગૌતમ ગંભીરે એને ચૅમ્પિયન બનાવી હતી. LSG ફ્રૅન્ચાઇઝીએ આ ટુર્નામેન્ટમાં પહેલી વાર ચૅમ્પિયન બનાવવાની જવાબદારી ઝહીર ખાનને સોંપી છે.
ADVERTISEMENT
ઓનર સંજીવ ગોયનકા અને તેમના દીકરા શાશ્વત ગોયનકાએ કલકત્તામાં આયોજિત કાર્યક્રમમાં નામવાળી જર્સી આપીને ઝહીર ખાનને મેન્ટર બનાવવાની આધિકારિક જાહેરાત કરી હતી.
કે. એલ. રાહુલ વિશે શું કહ્યું સંજીવ ગોયનકાએ?
ગઈ સીઝનમાં ખરાબ પ્રદર્શન બાદ કે. એલ. રાહુલ LSGમાંથી આઉટ થઈ શકે છે એવા અહેવાલો વચ્ચે આ કાર્યક્રમમાં સંજીવ ગોયનકાએ કહ્યું હતું કે ‘હું છેલ્લાં ત્રણ વર્ષથી નિયમિતપણે કે. એલ. રાહુલને મળું છું. જ્યાં સુધી રીટેન્શન નિયમો જાહેર ન થાય ત્યાં સુધી અમે કોઈ નિર્ણય લીધો નથી.
તે પહેલાંથી LSG પરિવારનો અભિન્ન અને મહત્ત્વપૂર્ણ ભાગ રહ્યો છે. તેણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રીટેન્શન નિયમો બાદ ટીમ અને કૅપ્ટન વિશે નિર્ણય કરીશું.’