મુંબઈ ઇન્ડિયન્સને જિતાડ્યા પછી કહ્યું, ‘પહેલેથી નેતૃત્વ સંભાળવાની ટેવ છે અને એ જવાબદારી સારું પર્ફોર્મ કરવા પ્રેરે છે’
Women’s Premier League
હરમનપ્રીત કૌર
શનિવારે શરૂ થયેલી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ની પહેલી સીઝનની સૌપ્રથમ મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સને શાનદાર વિજય અપાવનાર કૅપ્ટન હરમનપ્રીત કૌરે (૬૫ અણનમ, ૩૦ બૉલ, ૧૪ ફોર) મૅચ પછી કહ્યું કે ‘હું ક્રિકેટ રમતી થઈ ત્યારથી કૅપ્ટન્સી સંભાળવાની મને આદત છે. સુકાન સંભાળું ત્યારે કોઈ પ્રકારનો બોજ મહેસૂસ નથી કરતી, પણ એ જવાબદારીથી હું ટીમની વધુ નજીક જઈ શકું છું અને સાથી-ખેલાડીઓમાંથી સુંદર પર્ફોર્મન્સ બહાર લાવવાની સાથે પોતે પણ સારું પર્ફોર્મ કરવા પ્રેરાઉં છું. હું સતત વિચારતી રહું છું એટલે મને આઇડિયા મળતા રહે છે. જ્યારે મગજ શાંત હોય ત્યારે મારે શું કરવું એ વધુ સ્પષ્ટ થઈ જાય છે.’
શનિવારે ગુજરાત જાયન્ટ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સે ૧૪૩ રનના તોતિંગ માર્જિનથી વિજય મેળવ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સના ૨૦૭/૫ના સ્કોરમાં હૅલી મૅથ્યુઝ (૪૭ રન, ૩૧ બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) અને ઍમેલી કેરે (૪૫ અણનમ, ૨૪ બૉલ, એક સિક્સર, છ ફોર)નાં પણ મોટાં યોગદાન હતાં. ગુજરાત જાયન્ટ્સની વાઇસ-કૅપ્ટન સ્નેહ રાણાએ બે વિકેટ લીધી હતી. જોકે હરમનપ્રીતની કેર સાથેની ચોથી વિકેટ માટેની ૮૯ રનની ભાગીદારી ગુજરાત જાયન્ટ્સની ટીમને સૌથી વધુ ભારે પડી હતી, કારણ કે બેથ મૂનીની ટીમ ૧૫.૧ ઓવરમાં ફક્ત ૬૪ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ ઇન્ડિયન્સની ભારતીય લેફ્ટ-આર્મ સ્પિનર સૈકા ઇશાકે ૧૧ રનમાં ચાર વિકેટ લીધી હતી.