મુંબઈમાં આઇઓસીની બેઠકમાં ઇટલીના ઑલિમ્પિક ચૅમ્પિયન શૂટર તેમ જ ૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સના સ્પોર્ટ્સ ડિરેક્ટર નિકોલો કૅમ્પ્રિયાનીએ પોતાની સ્પીચમાં વિરાટ કોહલીની પ્રચંડ લોકપ્રિયતાનો ઉલ્લેખ કર્યો હતો
ફાઇલ તસવીર
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૨૫,૦૦૦થી વધુ રન, ૭૭ સેન્ચુરીની મદદથી અસંખ્ય વિક્રમો નોંધાવી ચૂકેલા વિરાટ કોહલીનું અત્યાર સુધી ઑલિમ્પિક્સ સાથે કંઈ લેવાદેવા નહોતું, પરંતુ મુંબઈમાં આઇઓસીની મીટિંગમાં આ ભારતીય સ્ટારનો અચૂક ઉલ્લેખ થયો હતો. ક્રિકેટ સિવાયના લેજન્ડ્સ પણ કોહલીની સિદ્ધિઓ તથા લોકપ્રિયતાથી સુપરિચિત છે. મુંબઈમાં આઇઓસીની બેઠકમાં ઇટલીના ઑલિમ્પિક ચૅમ્પિયન શૂટર તેમ જ ૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સના સ્પોર્ટ્સ ડિરેક્ટર નિકોલો કૅમ્પ્રિયાનીએ પોતાની સ્પીચમાં વિરાટ કોહલીની પ્રચંડ લોકપ્રિયતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘અમે વિશ્વની બીજા નંબરની સૌથી લોકપ્રિય અને અંદાજે ૨.૫ અબજ ચાહકો ધરાવતી ક્રિકેટની રમતને ઑલિમ્પિક્સમાં આવકારીએ છીએ. આ મંજૂરી આપતી વખતે અમે ખૂબ રોમાંચ અનુભવી રહ્યા છીએ. કેટલાકને થતું હશે કે શા માટે લૉસ ઍન્જલસની ઑલિમ્પિક્સથી જ ક્રિકેટને મંજૂરી મળી. મારું કહેવું છે કે અમેરિકામાં આ વર્ષની મેજર લીગ ક્રિકેટને ધાર્યા કરતાં જે મોટી સફળતા મળી એ જ હવે ૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં ક્રિકેટને પુનઃ પ્રવેશ આપવા માટે પૂરતી છે. બીજું, ૨૦૨૪નો ટી૨૦ વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં રમાવાનો છે એટલે યુવા વર્ગને ક્રિકેટની મહાન રમતમાં કરીઅર બનાવવા પ્રેરણા મળશે. ત્રીજી ખાસ વાત એ છે કે મારો મિત્ર વિરાટ કોહલી વિશ્વભરમાં ફૉલો થતો ત્રીજા નંબરનો ઍથ્લીટ છે. તે અમેરિકામાં ખૂબ ફેમસ છે. સોશ્યલ મીડિયામાં તેના ૩૪ કરોડ ફૉલોઅર્સ છે. એ આંકડો લી બ્રૉન જેમ્સ (બાસ્કેટબૉલ), ટૉમ બ્રૅડી (અમેરિકન ફુટબૉલ) અને ટાઇગર વુડ્સ (ગૉલ્ફ)ના ફૉલોઅર્સનો સરવાળો કરીએ એનાથી પણ વધુ છે.
૨૦૨૧થી આઇસીસીને બીસીસીઆઇનો સપોર્ટ
ADVERTISEMENT
પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ ઑલિમ્પિક્સમાં ક્રિકેટના સમાવેશ માટે આઇસીસીને બીસીસીઆઇનું પીઠબળ મળ્યું હતું. ક્રિકેટની સ્વાયત્તતા સામે ખતરો રહેવાની ભીતિને કારણે બીસીસીઆઇનો ઘણા સમય સુધી ઑલિમ્પિક્સમાં ક્રિકેટના સમાવેશ સામે વિરોધ હતો, પરંતુ ૨૦૨૧થી બીસીસીઆઇએ સ્ટાન્સ બદલીને ઑલિમ્પિક્સમાં ક્રિકેટના સમાવેશને સપોર્ટ કર્યો હતો.
૧૫૨૧ કરોડ રૂપિયાના ડીલની સંભાવના
૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સ માટે અંદાજે ૧.૫૬ કરોડ પાઉન્ડ (અંદાજે ૧૫૨ કરોડ રૂપિયા)ની કિંમતના બ્રૉડકાસ્ટને લગતી ડીલ થઈ છે જેની તુલનામાં ૨૦૨૮ની ઑલિમ્પિક્સ સંબંધે એકલા ભારતમાં ૧૫ કરોડ પાઉન્ડ (૧૫૨૧ કરોડ રૂપિયા) ના મૂલ્યના પ્રસારણના કરાર થવાની શક્યતા છે.
ઑલિમ્પિક્સમાં ક્રિકેટના સમાવેશથી આ રમતના ડેવલપમેન્ટ માટે હવે નવો મોરચો ખૂલી રહ્યો છે. આ નિર્ણયથી મોટા પ્રમાણમાં આર્થિક ઊપજ થવા માંડશે. આ રમતની ઇકો-સિસ્ટમ પર પણ પ્રચંડ પૉઝિટિવ ઇમ્પૅક્ટ જોવા મળશે. યુવા વર્ગને ફાયદો થશે જ, અધિકારીઓ તેમ જ વૉલન્ટિયર્સ, પ્રોફેશનલ્સને પણ ઘણી તક મળશે. : જય શાહ


