જોકે હઝારે ટ્રોફીમાં રહાણેની ટીમ હજી પણ ક્વૉર્ટર માટે દાવેદાર
અજિંક્ય રહાણે
ભારતના વિકેટકીપર-બૅટર વૃદ્ધિમાન સાહાના સુકાનમાં ત્રિપુરાની ટીમે ૨૭ નવેમ્બરે વિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્રને ૧૪૮ રનથી હરાવ્યા બાદ ગઈ કાલે મુંબઈને પણ મોટો આંચકો આપ્યો હતો. બૅન્ગલોરમાં સાહાની ટીમ સામે અજિંક્ય રહાણેની ટીમ ૫૩ રનથી હારી હતી. જોકે મુંબઈ હારવા છતાં ગ્રુપ ‘એ’માં મોખરે હોવાથી ક્વૉર્ટર ફાઇનલમાં જઈ શકે એમ છે.
આ વન-ડે મુકાબલામાં ત્રિપુરાએ ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૮૮ રન બનાવ્યા હતા, પરંતુ મુંબઈની ટીમને જીતવા વીજેડી (વી. જયદેવન સિસ્ટમ) મુજબ ૪૩ ઓવરમાં ૨૬૫ રન બનાવવાનું કહેવામાં આવ્યું હતું. સુકાની રહાણે (૭૮ રન, ૮૪ બૉલ, એક સિક્સર, સાત ફોર) અને ઓપનર જય બિશ્ટા (બાવન રન, ૭૦ બૉલ, એક સિક્સર, ચાર ફોર)ની હાફ સેન્ચુરી છતાં મુંબઈની ટીમ ૪૦.૧ ઓવરમાં ૨૧૧ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ત્રિપુરાના પેસ બોલર મણિશંકર મુરાસિંહે ફક્ત ૨૩ રનમાં ચાર વિકેટ, લેફ્ટ-આર્મ સ્પિનર પરવેઝ સુલતાને ૨૬ રનમાં ત્રણ અને પેસ બોલર અભિજિત સરકારે ૩૨ રનમાં બે વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
એ પહેલાં, ત્રિપુરાએ પાંચ વિકેટે૨૮૮ રન ચાર બૅટર (બ્રિકમકુમાર દાસ-૭૦, સુદીપ ચૅટરજી-૬૦, મણિશંકર-અણનમ પંચાવન અને ગણેશ સતીશ-૫૦ રન)ની હાફ સેન્ચુરીની મદદથી બનાવ્યા હતા. મુંબઈના તુષાર દેશપાંડેએ બે વિકેટ લીધી હતી. શાર્દૂલ, મુલાની અને બિશ્ટાએ એક-એક વિકેટ લીધી હતી.
સૌરાષ્ટ્રએ રેલવેને પાંચ વિકેટે હરાવ્યું
અલુરમાં રેલવેની ટીમ સૌરાષ્ટ્રના આદિત્ય જાડેજા અને પ્રેરક માંડકની ચાર-ચાર વિકેટને કારણે ફક્ત ૧૬૫ રને ઑલઆઉટ થઈ ગયા બાદ સૌરાષ્ટ્રએ પ્રેરક (૧૦૧ અણનમ, ૧૧૫ બૉલ, ત્રણ સિક્સર, દસ ફોર) અને ચેતેશ્વર પુજારા (૨૭ અણનમ, ૪૮ બૉલ, એક સિક્સર)ની ઇનિંગ્સને કારણે ૩૭.૪ ઓવરમાં બે વિકેટે ૧૬૯ રન બનાવીને જીત મેળવી હતી. અન્ય કેટલીક મૅચમાં રાજસ્થાને હિમાચલ પ્રદેશને ૪૩ રનથી, ઉત્તર પ્રદેશે આંધ્ર પ્રદેશને ૬ વિકેટે અને મહારાષ્ટ્રએ છત્તીસગઢને ૭ વિકેટે હરાવ્યું હતું.


