ફૉલો-ઑન બાદ બાબર આઝમ અને શાન મસૂદે ૨૦૫ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી, પાકિસ્તાન હજી ૨૦૮ રન પાછળ
પહેલી વિકેટ માટે ૨૮૮ બૉલમાં ૨૦૫ રનની પાર્ટનરશિપ કરી બાબર આઝમ અને શાન મસૂદે.
સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની બીજી ટેસ્ટ-મૅચ રોમાંચક મોડ પર પહોંચી છે. પહેલી ઇનિંગ્સમાં સાઉથ આફ્રિકાના ૬૧૫ રન સામે પાકિસ્તાનની ટીમ ૫૪.૨ ઓવરમાં ૧૯૪ રનમાં ઑલઆઉટ થઈ હતી. ૪૨૧ રનની લીડ મળતાં જ સાઉથ આફ્રિકાએ મહેમાન ટીમને ફૉલો-ઑન આપ્યું હતું. ત્રીજા દિવસની રમતના અંતે પાકિસ્તાને ૪૯ ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને ૨૧૩ રન ફટકારી વાપસીનો પ્રયાસ કર્યો છે.
ત્રીજા દિવસની શરૂઆતમાં પહેલી ઇનિંગ્સની શરૂઆત પાકિસ્તાને ૨૧ ઓવરમાં ૬૪/૩ના સ્કોરથી કરી હતી, પણ સાઉથ આફ્રિકન બોલિંગ યુનિટના ફાસ્ટ બોલર કૅગિસો રબાડા (ત્રણ વિકેટ), મીડિયમ ફાસ્ટ બોલર ક્વેના મફાકા (બે વિકેટ) અને સ્પિનર કેશવ મહારાજ (બે વિકેટ) સામે પાકિસ્તાની બૅટર મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
ADVERTISEMENT
ફૉલો-ઑન મળતાં જ બાબર આઝમ અને કૅપ્ટન શાન મસૂદે બીજી ઇનિંગ્સમાં શાનદાર શરૂઆત અપાવી હતી. બન્નેએ ૨૮૮ બૉલમાં ૨૦૫ રનની ધમાકેદાર ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં ફૉલો-ઑન સમયે થયેલી આ સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ છે. પાકિસ્તાન માટે ફૉલો-ઑનની પરિસ્થિતિમાં કોઈ પણ વિકેટ માટેની આ હાઇએસ્ટ પાર્ટનરશિપ છે.
બાબર આઝમ ૧૨૪ બૉલમાં ૮૧ રન કરીને છેક ૪૬.૨ ઓવરમાં માર્કો યાન્સેનની બોલિંગ પર કૅચઆઉટ થયો હતો. ખુર્રમ શહેઝાદ (૮ રન) સાથે ઇનિંગ્સને આગળ વધારતાં શાન મસૂદે (૧૬૬ બૉલમાં ૧૦૨ રન) ૧૪ ચોગ્ગાની મદદથી પોતાની સેન્ચુરી પૂરી કરીને મૅચમાં વાપસીની આશા જાળવી રાખી છે.