સૌરવ ગાંગુલીએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં ભારતીય ટીમના વર્તમાન કૅપ્ટન રોહિત શર્મા વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું
સૌરવ ગાંગુલી, રોહિત શર્મા
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં ભારતીય ટીમના વર્તમાન કૅપ્ટન રોહિત શર્મા વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘હું ભારતીય ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ હતો ત્યારે તેણે ટેસ્ટ-કૅપ્ટન્સી સંભાળવાની ના પાડી હતી, કારણ કે તે બીજાં બે ફૉર્મેટમાં પણ કૅપ્ટન્સી સંભાળી રહ્યો હતો અને વધારે વર્કલોડ લેવાની ઇચ્છા નહોતી. હું વર્કલોડમાં નથી માનતો. મેં તેને ઘણો સમજાવ્યો કે ટેસ્ટ-કૅપ્ટન્સી ઠુકરાવીને તું પોતાનું કરીઅર બરબાદ કરશે પછી તેણે જવાબદારી લીધી. તેણે કૅપ્ટન તરીકે જે હાંસલ કર્યું છે એનાથી આશ્ચર્યચકિત નથી, કારણ કે હું જાણતો હતો કે રોહિત એક સક્ષમ કૅપ્ટન છે.’
બૉર્ડર-ગાવસકર ટ્રોફી વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘હું આશા રાખું છું કે રોહિત જલદીથી ઑસ્ટ્રેલિયા જશે, કારણ કે ટીમને નેતૃત્વની જરૂર છે. મેં સાંભળ્યું છે કે તેની પત્નીએ એક છોકરાને જન્મ આપ્યો છે એથી મને ખાતરી છે કે તે ટૂંક સમયમાં ઑસ્ટ્રેલિયા જવા રવાના થશે. જો હું તેની જગ્યાએ હોત તો હું ચોક્કસપણે પ્રથમ ટેસ્ટ રમ્યો હોત. આ એક મોટી સિરીઝ છે અને મૅચ શરૂ થવામાં એક સપ્તાહ બાકી છે. આ પછી તે ઑસ્ટ્રેલિયા નહીં જઈ શકશે. તે એક શાનદાર કૅપ્ટન છે. ભારતને તેના નેતૃત્વની જરૂર છે.’
ADVERTISEMENT
રોહિત શર્માનો ટેસ્ટમાં કૅપ્ટન્સી રેકૉર્ડ
કુલ મૅચ ૨૧
જીત ૧૨
હાર ૦૭
ડ્રૉ ૦૨
જીતની ટકાવારી ૫૭.૧૪