ટ્રેઇનિંગ પછી મ્યુઝિક-મસ્તી સાથે થઈ અનબૉક્સ ઇવેન્ટ
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ
ગઈ કાલે બૅન્ગલોરના એન. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB અનબૉક્સ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં ક્રિકેટ-ફૅન્સ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના સ્ટાર ક્રિકેટર્સને જોવા આવ્યા હતા. આ ઇવેન્ટમાં ફૅન્સે ઓપનર ટ્રેઇનિંગ સેશનનો આનંદ માણ્યો હતો જેમાં વિરાટ કોહલી અને રોમારિયો શેફર્ડે શાનદાર સિક્સર ફટકારી ઇવેન્ટને રોમાંચક બનાવી હતી. તમામ સ્ટાર ક્રિકેટર્સના સિક્સર સીધા ફૅન્સથી ભરચક સ્ટૅન્ડ સુધી પહોંચ્યા હતા. લોકપ્રિય રૅપર્સના પર્ફોર્મન્સ બાદ બાવીસ સભ્યોની સ્ક્વૉડ સ્ટેજ પર આવી હતી. સ્ટેજ પર વિરાટ કોહલીએ સ્પેશ્યલ તકતી આપીને નવા કૅપ્ટન રજત પાટીદારને તેની નવી સફર માટે શુભેચ્છા પાઠવી હતી. ફ્રૅન્ચાઇઝીની આ સ્ક્વૉડ અને ફૅન્સ આર્મીએ નવી સીઝન પહેલાં સાથે મળીને ક્રિકેટનો આનંદ માણ્યો હતો.

