રાજસ્થાને આપેલા ૧૭૪ રનના ટાર્ગેટને માત્ર ૧ વિકેટ ગુમાવીને ૧૫ બૉલ પહેલાં ચેઝ કરીને બૅન્ગલોરે મેળવી જીત. જવાબમાં બૅન્ગલોરે ૯૨ રનની ઓપનિંગ પાર્ટનરશિપના આધારે ૧૭.૩ ઓવરમાં માત્ર ૧ વિકેટ ગુમાવીને ૧૭૫ રન બનાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
વિરાટ કોહલી અને ફિલ સૉલ્ટ
IPL 2025ની ૨૮મી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ રાજસ્થાન રૉયલ્સ સામે ૯ વિકેટે જીત નોંધાવીને જીતના ટ્રૅક પર પાછી ફરી હતી. પહેલાં બૅટિંગ કરતાં રાજસ્થાને યશસ્વી જાયસવાલની ૭૫ રનની ઇનિંગ્સની મદદથી ૪ વિકેટે ૧૭૩ રન કર્યા હતા. જવાબમાં બૅન્ગલોરે ૯૨ રનની ઓપનિંગ પાર્ટનરશિપના આધારે ૧૭.૩ ઓવરમાં માત્ર ૧ વિકેટ ગુમાવીને ૧૭૫ રન બનાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરતા રાજસ્થાનનો યશસ્વી જાયસવાલ ૪૭ બૉલમાં ૧૦ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૭૫ રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો.
૧૭૪ રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલા બૅન્ગલોરે ફિલ સૉલ્ટ (૩૩ બૉલમાં ૬૫ રન) અને વિરાટ કોહલી (૪૫ બૉલમાં ૬૨ રન અણનમ) વચ્ચેની ૮.૪ ઓવરમાં ૯૨ રનની ઓપનિંગ પાર્ટનરશિપથી જીત સુનિશ્ચિત કરી લીધી હતી. ત્રીજા ક્રમે આવેલા દેવદત્ત પડિક્કલે (૨૮ બૉલમાં ૪૦ રન અણનમ) બીજી વિકેટ માટે વિરાટ કોહલી સાથે ૮૩ રનની અણનમ ભાગીદારી કરીને રાજસ્થાનને જીતની હૅટ-ટ્રિક કરતાં રોક્યું હતું. સાત બોલર્સનો ઉપયોગ કર્યા છતાં રાજસ્થાનના માત્ર સ્પિનર કુમાર કાર્તિકેય (૨૫ રનમાં એક વિકેટ)ને જ સફળતા મળી હતી. રાજસ્થાનની ખરાબ ફીલ્ડિંગ પણ તેમની હારનું કારણ બન્યું હતું. આ મૅચમાં ફિલ સૉલ્ટના બે અને વિરાટ કોહલી તથા દેવદત્ત પડિક્કલના એક-એક કૅચ ડ્રૉપ થયા હતા.
T20માં ફિફ્ટીની સેન્ચુરી કરનાર પહેલો એશિયન બન્યો વિરાટ
ગઈ કાલે ૧૩૭.૭૮ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરતો કોહલી ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૬૨ રનની અણનમ ઇનિંગ્સ રમ્યો હતો. પોતાની ૪૦૫મી T20 મૅચમાં તેણે ૧૦૦ ફિફ્ટી પૂરી કરી હતી. આ ફૉર્મેટમાં આવી સિદ્ધિ મેળવનાર તે પહેલો એશિયન અને ડેવિડ વૉર્નર (૧૦૮ ફિફ્ટી) બાદ વિશ્વનો બીજો ક્રિકેટર બન્યો છે. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં તેણે સૌથી વધુ ૫૦+ રનની ઇનિંગ્સ રમવાના મામલે ડેવિડ વૉર્નરના ૬૬ વખતના રેકૉર્ડની બરાબરી કરી લીધી છે.
1000- આટલા રન બૅન્ગલોર માટે કરનાર વિરાટ કોહલી બાદ બીજો ભારતીય બન્યો દેવદત્ત પડિક્કલ. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે વિરાટ કોહલી અને ફિલ સૉલ્ટે ૯૨ રનની ઓપનિંગ મૅચવિનિંગ પાર્ટનરશિપ કરી હતી. ૬૫ રન ફટકારનાર સૉલ્ટ પહેલી વાર પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો હતો.

