ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાંથી પડતા મુકાયેલા આ આૅલરાઉન્ડરે ૯૫ રનના સ્કોર પર સિક્સ ઝીંકીને ૮૯ બૉલમાં નોંધાવી સદી : રણજી ટ્રોફીની સેમી ફાઇનલમાં તામિલનાડુ સામે મુંબઈ મજબૂત સ્થિતિમાં, બીજા દિવસે ધબડકા પછી ૨૦૭ રનની લીડ : અજિંક્ય રહાણે પાછો નિષ્ફળ
ગઈ કાલે સેન્ચુરી માર્યા પાછી શાર્દૂલ ઠાકુર કેવો ઘેલો થઈ ગયો હતો એ જોવા જેવું છે. અતુલ કાંબળે
મુંબઈ ક્રિકેટ અસોસિએશનના બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીની સેમી ફાઇનલમાં ગઈ કાલે બીજા દિવસે શાર્દૂલ ઠાકુરે ઝંઝાવાતી બૅટિંગ કરીને મુંબઈને ઉગારી લીધું હતું. ૩૨ વર્ષના શાર્દૂલ ઠાકુરે ગઈ કાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની સૌપ્રથમ સેન્ચુરી ફટકારીને તામિલનાડુને બૅકફુટ પર ધકેલી દીધું હતું.
પહેલા દિવસે તામિલનાડુ ૧૪૬ રનમાં ઑલઆઉટ થયું એ પછી મુંબઈની પણ ૪૭ રનમાં બે વિકેટ પડી ગઈ હતી અને ગઈ કાલે તો ધબડકો થયો હતો. શાર્દૂલ નવમા ક્રમે બૅટિંગમાં આવ્યો ત્યારે મુંબઈનો સ્કોર ૭ વિકેટે ૧૦૬ રન હતો. આવા તબક્કે બૅટિંગમાં આવેલા શાર્દૂલે આક્રમક રમતનું પ્રદર્શન કરીને ૮૯ બૉલમાં સેન્ચુરી ફટકારી હતી. તે ૯૫ રન પર હતો ત્યારે તેણે સિક્સ ફટકારીને સદી પૂરી કરી હતી. તે ૧૦૫ બૉલમાં ૧૦૯ રન કરીને આઉટ થયો હતો, જેમાં ૧૩ ફોર અને ૪ સિક્સનો સમાવેશ હતો. શાર્દૂલે પહેલાં વિકેટકીપર હાર્દિક તામોરે સાથે આઠમી વિકેટ માટે ૧૦૫ રનની અને પછી રાઇટ-આર્મ ઑફ-બ્રેક બોલર તનુષ કોટિયન સાથે નવમી વિકેટ માટે ૭૯ રનની અત્યંત મહત્ત્વની ભાગીદારીઓ નોંધાવી હતી.
ADVERTISEMENT
દિવસના અંતે તનુષ ૭૪ રન કરીને અણનમ હતો અને મુંબઈએ ૯ વિકેટે ૩૫૩ રનનો સ્કોર કરીને ૨૦૭ રનની લીડ લઈ લીધી હતી.શાર્દૂલ રમવા આવ્યો એ પહેલાં મુંબઈનો ધબડકો થયો એમાં છઠ્ઠા નંબરે રમવા આવેલા શ્રેયસ ઐયર અને પાંચમા નંબરે આવેલા કૅપ્ટન અજિંક્ય રહાણેનો ફ્લૉપ શો કારણભૂત હતો. શ્રેયસ માત્ર ૩ રન કરીને બોલ્ડ થઈ ગયો હતો અને રહાણેએ નિષ્ફળતાઓનો સિલસિલો ચાલુ રાખીને માત્ર ૧૯ રન કર્યા હતા. તામિલનાડુના કૅપ્ટન રવિશ્રીનિવાસન સાઈ કિશોરે તેની સ્લો લેફ્ટ-આર્મ ઑર્થોડોક્સ બોલિંગમાં મુંબઈની ૬ વિકેટ લીધી હતી.
હિમાંશુ મંત્રીની સદી પછીયે મધ્ય પ્રદેશનો સ્કોર નબળો
નાગપુરમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીની બીજી સેમી ફાઇનલમાં ગઈ કાલે મધ્ય પ્રદેશની ટીમ ૨૫૨ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી, જેમાં વિકેટકીપર હિમાંશુ મંત્રીએ કરેલા ૧૨૬ રનનો ફાળો મુખ્ય હતો. પહેલા દિવસે વિદર્ભની ટીમ ૧૭૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને બીજા દિવસની રમતના અંતે એણે બીજી ઇનિંગ્સમાં એક વિકેટે ૧૩ રન કર્યા હતા. વિદર્ભ હવે ૬૯ રનથી પાછળ છે. મધ્ય પ્રદેશનો સ્ટાર પ્લેયર વેન્કટેશ ઐયર ગઈ કાલે ઝીરો પર આઉટ થયો હતો, જ્યારે ટીમ ઇન્ડિયામાંથી પડતા મુકાયેલા ઉમેશ યાદવે વિદર્ભ વતી ૩ વિકેટ લઈને પોતાની પ્રતિભાનો પરચો દેખાડ્યો હતો.


