Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > News In Short: ભારતની અન્ડર - 19 ગર્લ્સે ટી૨૦ સિરીઝ જીતી લીધી

News In Short: ભારતની અન્ડર - 19 ગર્લ્સે ટી૨૦ સિરીઝ જીતી લીધી

Published : 03 January, 2023 09:40 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રથમ મૅચના વિજય બાદ બે મૅચ વરસાદને કારણે રદ કરાતાં ગઈ કાલે ચોથી મૅચ રમાઈ હતી

હર્લી ગાલા

News In Short

હર્લી ગાલા


ભારતની અન્ડર - 19 ગર્લ્સે ટી૨૦ સિરીઝ જીતી લીધી


શેફાલી વર્માના સુકાનમાં પ્રીટોરિયામાં ભારતની અન્ડર-19 ગર્લ્સ ટી૨૦ ટીમે સાઉથ આફ્રિકા અન્ડર-19 સામેની ચોથી મૅચ ગઈ કાલે ચાર વિકેટે જીતી લીધી હતી. પ્રથમ મૅચના વિજય બાદ બે મૅચ વરસાદને કારણે રદ કરાતાં ગઈ કાલે ચોથી મૅચ રમાઈ હતી જે જીતીને ભારતે પાંચ મૅચની સિરીઝમાં ૨-૦થી વિજયી સરસાઈ મેળવી લીધી છે. સાઉથ આફ્રિકાના ૮૬/૯ના સ્કોર સામે ભારતે ૧૪.૪ ઓવરમાં ૬ વિકેટે ૮૭ રન બનાવી લીધા હતા.



આજથી બ્રેબર્નમાં મુંબઈની તામિલનાડુ સાથે રણજી મૅચ


બ્રેબર્ન સ્ટેડિયમમાં આજે મુંબઈની તામિલનાડુ સામે ચાર દિવસની રણજી મૅચ શરૂ થશે. ગયા અઠવાડિયે સૌરાષ્ટ્રએ મુંબઈ સામે પહેલી વાર વિજય મેળવ્યો હોવાથી મુંબઈએ હવે વધુ આઘાત સહન ન કરવા પડે એની ખાસ તકેદારી રાખવી પડશે. એલીટના ગ્રુપ ‘બી’માં મુંબઈ અને મહારાષ્ટ્રના ૧૩-૧૩ પૉઇન્ટ છે અને સૌરાષ્ટ્ર ૧૨ પૉઇન્ટ સાથે બન્નેની નજીક આવી ગયું છે. સૌરાષ્ટ્રની આજથી દિલ્હી સામે, ગુજરાતની પંજાબ સામે અને બરોડાની હિમાચલ સામે મૅચ છે.

ડેવોન કૉન્વેની સદી : ન્યુ ઝીલૅન્ડના ૬ વિકેટે ૩૦૯


ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસે ડેવોન કૉન્વે (૧૨૨ રન, ૧૯૧ બૉલ, એક સિક્સર, ૧૬ ફોર)ની ચોથી સદીની મદદથી ૬ વિકેટે ૩૦૯ રન બનાવ્યા હતા. ટૉમ લેથમે ૭૧ રન બનાવ્યા હતા. આગા સલમાને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

લક્ષ્મણને બનાવાશે દ્રવિડના સ્થાને હેડ-કોચ?

રાહુલ દ્રવિડનો કૉન્ટ્રૅક્ટ બીસીસીઆઇ સાથે આ વર્ષના ઓડીઆઇ વર્લ્ડ કપ સુધીનો છે અને એ પૂરો થશે ત્યારે તેના સ્થાને વીવીએસ લક્ષ્મણને કદાચ ટીમ ઇન્ડિયાના રેગ્યુલર હેડ-કોચ બનાવાશે એવું ગઈ કાલે એક અહેવાલમાં જણાવાયું હતું. ૪૮ વર્ષનો લક્ષ્મણ હાલમાં બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીનો ચીફ છે. ગયા વર્ષે યુએઈના એશિયા કપ વખતે દ્રવિડ કોવિડનો શિકાર થયો હતો ત્યારે લક્ષ્મણે ટીમને કોચિંગ આપ્યું હતું.

જૉકોવિચ ઑસ્ટ્રેલિયામાં શાનદાર સ્વાગત બાદ પહેલી મૅચમાં જ હાર્યો

સર્બિયાના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચે ગયા વર્ષે કોવિડ-વૅક્સિન ન લીધી હોવા બદલ ઑસ્ટ્રેલિયાથી પાછા જતા રહેવું પડ્યું હતું અને તેને વિઝા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો, પરંતુ હવે તેના પરથી એ બૅન હટાવાયો છે અને તે પાછો ઑસ્ટ્રેલિયા આવ્યો છે. જોકે તે આ દેશમાં ગયા વર્ષના વિવાદ પછીની પ્રથમ અને વર્ષ ૨૦૨૩ની પહેલી જ મૅચમાં હારી ગયો છે. શાનદાર સ્વાગત પછીની ઍડીલેડ ઇન્ટરનૅશનલની મૅચમાં તે અને કૅનેડાના વાસેક પૉસ્પિસિલનો મેન્સ ડબલ્સના પહેલા જ મુકાબલામાં બોસ્નિયાના તોમિસ્લાવ બ્રિકિચ અને ઇક્વાડોરના ગૉન્ઝાલો એસ્કોબાર સામે ૬-૪, ૩-૬, ૫-૧૦થી પરાજય થયો હતો.

૧૦૮મા નંબરની નૉસ્કોવાએ એઇટ્થ સીડેડને હરાવી

ઍડીલેડ ઇન્ટરનૅશનલના મહિલા વર્ગમાં ગઈ કાલે ચેક રિપબ્લિકની ૧૮ વર્ષની ટીનેજ ખેલાડી લિન્ડા નૉસ્કોવાએ સ્પર્ધાની આઠમા ક્રમની રશિયન ખેલાડી દારિયા કાસાતકિનાને ૬-૩, ૨-૭, ૬-૩થી હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. પહેલા રાઉન્ડની આ મૅચ પહેલાં નૉસ્કોવાનો સર્વશ્રેષ્ઠ વિજય ૩૮મા ક્રમની ઍલિઝ કૉર્નેટ સામે હતો.

ભારતની સ્પિન-ફ્રેન્ડ્લી પિચો પર રમવા ઍગર ઉત્સુક

ઑસ્ટ્રેલિયાનો ૨૯ વર્ષનો લેફ્ટ-આર્મ સ્પિનર ઍસ્ટન ઍગર ૨૦૧૩માં પહેલી વાર ટેસ્ટમાં રમ્યો હતો, પરંતુ ૨૦૧૭ સુધીમાં તેને ચાર જ ટેસ્ટ રમવા મળી અને તેની ટેસ્ટ-કરીઅર ત્યાં જ અટકી ગઈ હતી. જોકે ફેબ્રુઆરી-માર્ચમાં તે ભારતના પ્રવાસમાં સ્પિન-ફ્રેન્ડ્લી પિચો પર રમવા ઉત્સુક છે. ભારતમાં ઑસ્ટ્રેલિયનો ચાર ટેસ્ટ અને ત્રણ વન-ડે રમશે. તેણે ગઈ કાલે કહ્યું કે ‘મને ટેસ્ટ રમવાનું ખૂબ ગમે છે અને ભારતમાં રેડ બૉલથી રમવાનું મારું વર્ષોનું સપનું છે.’

Whatsapp-channel Whatsapp-channel

03 January, 2023 09:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK