હું છેલ્લાં બે-ત્રણ વર્ષથી ટાર્ગેટ પ્લેયર્સના લિસ્ટનો ભાગ રહ્યો છું, હંમેશાં ભારતીય ટેસ્ટ-ટીમ માટે રમવાનું સપનું જોયું છે
નારાયણ જગદીસન
ઇન્જર્ડ રિષભ પંતના કવર તરીકે ઇંગ્લૅન્ડ ટેસ્ટ-ટૂર પર જવાની તૈયારી કરી રહેલા તામિલનાડુના વિકેટકીપર-બૅટર નારાયણ જગદીસનનું પહેલું રીઍક્શન સામે આવ્યું છે. તે કહે છે, ‘મને સિલેક્ટર્સનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે કદાચ એકાદ કલાકમાં તને બીજો કૉલ આવશે તો તૈયાર રહેજે અને એ પછી હું એ ફોનની રાહ જોતો ખૂબ જ બેચેન હતો. એ ખૂબ જ ખુશીની ક્ષણ હતી.’
જગદીસન આગળ કહે છે, ‘મેં હંમેશાં ભારતીય ટેસ્ટ-ટીમનો ભાગ બનવાનું સપનું જોયું છે. મને લાગે છે કે સફેદ જર્સી પહેરવી એ કંઈક સ્પેશ્યલ છે અને એ હંમેશાં મારા મગજમાં રહ્યું છે જેનો હું ખરેખર ભાગ બનવા માગતો હતો. ઘણા લોકો માટે આ સમાચાર અણધાર્યા હોઈ શકે છે, પરંતુ હું છેલ્લાં બે-ત્રણ વર્ષથી ટાર્ગેટ પ્લેયર્સના લિસ્ટનો ભાગ રહ્યો છું. હું આખા વર્ષ અને છેલ્લાં અઢી વર્ષથી નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં અન્ય તમામ ટાર્ગેટ પ્લેયર્સ સાથે હતો. અમે બધા વિકેટકીપર ત્યાં હતા. એક સમયે મને લાગ્યું કે હું ખતરામાં છું, પણ મારે ફક્ત મારું માથું નીચું રાખીને વર્તમાનમાં રહેવું પડશે અને સખત મહેનત કરવી પડશે.’


