રિટાયરમેન્ટના એક વર્ષ બાદ ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસને ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું... : ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડ ટીમમાં કેટલાક યુવા પ્લેયર્સ લાવવા માગતું હતું
જેમ્સ ઍન્ડરસન
ગયા વર્ષે જુલાઈમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ-સિરીઝ દરમ્યાન ઇન્ટરનૅશનલ ક્રિકેટને અલવિદા કહેનાર ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ૪૨ વર્ષનો ઍન્ડરસન કહે છે, ‘મેં ગયા વર્ષે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ સંપૂર્ણપણે સ્વેચ્છાએ નહીં. એપ્રિલમાં મારી ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના કૅપ્ટન, કોચ અને ડિરેક્ટર સાથે મુલાકાત થઈ હતી, તેમણે કહ્યું હતું કે તેઓ ઍશિઝ ટેસ્ટ-સિરીઝ પહેલાં અલગ દિશામાં આગળ વધવા માગે છે અને કેટલાક યુવા પ્લેયર્સને ટીમમાં લાવવા માગે છે.’
ઍન્ડરસને આગળ કહ્યું, ‘નિવૃત્તિ પછી તેઓએ ટીમમાં બોલિંગ-મેન્ટર તરીકે જાળવી રાખ્યો, પરંતુ મને લાગ્યું કે મારામાં હજી પણ કંઈક કરવાની ઇચ્છા છે અને જ્યાં સુધી મારું શરીર સક્ષમ હોય ત્યાં સુધી હું વધુ ક્રિકેટ રમવા માગું છું. નિવૃત્તિનો વિચાર મારા મનમાં નહોતો. હું હજી પણ પહેલાંની જેમ સારી બોલિંગ કરી રહ્યો હતો અને મારું શરીર સારી સ્થિતિમાં હતું. હું ઍશિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો.’
ADVERTISEMENT
ઍન્ડરસને વધુમાં કહ્યું, ‘મને કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી હું ટીમમાં રહેવા માટે પૂરતો સારો અને ફિટ હોઉં ત્યાં સુધી તેઓ મને સિલેક્ટ કરતા રહેશે, પરંતુ પછી તેઓએ પોતાનો વિચાર બદલી નાખ્યો.’
૩૦ જુલાઈએ ઍન્ડરસન ૪૩ વર્ષનો થશે. તે હાલમાં કાઉન્ટી ક્રિકેટ અને T20 બ્લાસ્ટમાં શાનદાર પ્રદર્શનને કારણે ચર્ચામાં હતો અને હવે ઇંગ્લૅન્ડની ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં રમવાની તૈયારી કરી રહ્યો છે.
991
આટલી ઇન્ટરનૅશનલ વિકેટ સાથે ઇંગ્લૅન્ડનો ટૉપ વિકેટટેકર બોલર હતો જેમ્સ ઍન્ડરસન.


