ISPLની બીજી સીઝનની ટ્રોફી સાથે અભિષેક કુમાર દાલહોર (ઉપર) તેમ જ KKRના કૅપ્ટન અજિંક્ય રહાણે અને મેન્ટર ડ્વેઇન બ્રાવો સાથે અભિષેકનો સેલ્ફી.
અભિષેક કુમાર દાલહોર
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) દ્વારા હરિયાણામાં જન્મેલા ૨૬ વર્ષના ઑલરાઉન્ડર અભિષેક કુમાર દાલહોરને નેટ બોલર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. બૉલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને તેનો નેટ-પ્રૅક્ટિસ દરમ્યાનનો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કરીને તેને અભિનંદન પાઠવ્યાં છે, કારણ કે આ ફાસ્ટ બોલરે ટેનિસ બૉલથી રમાતી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)માં બચ્ચનની માલિકીની ટીમ ‘માઝી મુંબઈ’ માટે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે.
બચ્ચનની ટીમે તેને પહેલી સીઝનમાં ત્રણ લાખની બેઝ-પ્રાઇસમાં અને બીજી સીઝનમાં ૨૦.૫૦ લાખ રૂપિયામાં ખરીદીને તેને ટુર્નામેન્ટના ઇતિહાસનો સૌથી મોંઘો પ્લેયર બનાવ્યો છે. તેણે આ ટુર્નામેન્ટમાં માત્ર ૧૯ મૅચમાં ૩૨૪ રન બનાવ્યા અને ૩૩ વિકેટ લીધી છે. તેના ઉત્કૃષ્ટ યોગદાન માટે તેને પહેલી સીઝનમાં પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ અને બીજી સીઝનમાં ટુર્નામેન્ટના શ્રેષ્ઠ બોલરનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

