વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ સામે હમણાં સુધી ૧૦માંથી માત્ર ત્રણ જ મૅચ જીત્યું છે બૅન્ગલોર
વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે જસપ્રીત બુમરાહ મુંબઈ ઇન્ડિયન્સના સ્કવૉડ સાથે જોડાયો ત્યારે બૅટિંગ કોચ કાઇરન પૉલાર્ડે તેને ઊંચકીને જોરદાર સ્વાગત કર્યું હતું. તસવીરો : અતુલ કાંબળે
IPL 2025ની વીસમી મૅચ આજે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) વચ્ચે રમાશે. છેલ્લી મૅચની હાર બાદ બન્ને ટીમ જીતના ટ્રૅક પર વાપસી કરવાના ઇરાદા સાથે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઊતરશે. આ સીઝનમાં મુંબઈ ચારમાંથી માત્ર એક મૅચ જીત્યું છે, જ્યારે બૅન્ગલોર ત્રણમાંથી માત્ર એક અંતિમ મૅચ હાર્યું છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સ્ટાર ક્રિકેટર્સ અને વાનખેડે સ્ટેડિયમમાં આવનારા હજારો ફૅન્સને કારણે આ મૅચ મનોરંજનથી ભરપૂર બનશે.
ADVERTISEMENT
પ્રૅક્ટિસ દરમ્યાન રોહિત શર્મા.
મુંબઈની ટીમ વાનખેડે સ્ટેડિયમમાં બૅન્ગલોર સામે શાનદાર રેકૉર્ડ ધરાવે છે. આ સ્ટેડિયમમાં મુંબઈ સામે ૧૦માંથી ત્રણ મૅચ બૅન્ગલોર જીત્યું છે. વાનખેડેમાં ૫૩ IPL મૅચ જીતવાનો રેકૉર્ડ ધરાવતા મુંબઈ સામે બૅન્ગલોર આ સ્ટેડિયમમાં ૨૦૦૮, ૨૦૧૨ અને ૨૦૧૫માં જ મૅચ જીતી શક્યું છે. મે ૨૦૧૫ બાદ આ સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે રમાયેલી પાંચેય મૅચમાં મુંબઈએ બાજી મારી હતી.
મુંબઈ અને બૅન્ગલોર માટે રમતા પંડ્યા બ્રધર્સ પોતપોતાનાં બાળકો સાથે ફ્રૅન્ચાઇઝીની જર્સીમાં જોવા મળ્યા.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ ૩૩
MIની જીત ૧૯
RCBની જીત ૧૪
આખરે કિંગ કોહલીને મળી જ ગઈ ચૅમ્પિયન્સ રિંગ
ફેબ્રુઆરી ૨૦૨૫માં મુંબઈમાં આયોજિત ભારતીય ક્રિકેટ બોર્ડના વાર્ષિક અવૉર્ડ્સ સમારોહમાં T20 વર્લ્ડ કપ 2024 જીતવા બદલ ભારતીય ટીમને સ્પેશ્યલ ચૅમ્પિયન્સ રિંગ ગિફ્ટમાં મળી હતી. સ્ટાર પ્લેયર વિરાટ કોહલી આ અવૉર્ડ સમારોહમાં અંગત કારણસર હાજર રહ્યો નહોતો. હાલમાં જ્યારે તે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં IPL મૅચ રમવા આવ્યો ત્યારે સ્ટેડિયમ પાસેના ભારતીય ક્રિકેટ બોર્ડના હેડ ક્વૉર્ટર તરફથી તેને રિંગ આપવામાં આવી છે. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ શૅર કરેલા એક વિડિયોમાં કોહલી એ રિંગ મેળવીને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે.
બૂમ બૂમ બુમરાહની ગુંજ સાંભળવા માટે તૈયાર થઈ જાઓ
વાનખેડે સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામેની મૅચના એક દિવસ પહેલાં મુંબઈ ઇન્ડિયન્સે ક્રિકેટ ફૅન્સને ખુશ કરી દેવા સમાચાર શૅર કર્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ IPL સીઝનની વચ્ચે સ્ક્વૉડના અન્ય સભ્યો સાથે જોડાઈ ગયો છે. ફ્રૅન્ચાઇઝીએ શૅર કરેલા વિડિયોમાં તેની પત્ની સંજના ગણેશન અને અંગદની ઝલક સાથે એક ફિલ્મના અંદાજમાં જંગલનો રાજા સિંહ વાપસી કરી રહ્યો છે એવો મેસેજ આપવામાં આવ્યો હતો. ઑસ્ટ્રેલિયામાં બૉર્ડર-ગાવસકર ટ્રોફીની અંતિમ ટેસ્ટ-મૅચમાં પીઠની ઇન્જરીને કારણે બુમરાહે ઇંગ્લૅન્ડ સામેની લિમિટેડ ઓવર્સની સિરીઝ, ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ અને IPLની શરૂઆતની મૅચો ગુમાવવી પડી હતી.

