અંતિમ T20 ૧૦ વિકેટે જીતીને ભારતીય વિમેન્સ ટીમે સિરીઝ ૧-૧થી ડ્રૉ કરી
માત્ર ૧૩ રનમાં ૪ વિકેટ લેનાર પૂજા વસ્ત્રાકરને શાબાશી આપી રહેલી રાધા યાદવ
૧૦ દિવસની અંદર ભારતીય ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકન ક્રિકેટને ક્યારેય ન ભુલાય એવી કારમી હાર આપી છે. ૨૯ જૂને T20 વર્લ્ડ કપ ફાઇનલ હારનાર સાઉથ આફ્રિકાની પુરુષ ટીમ હજી હારના આઘાતમાંથી બહાર આવે એ પહેલાં એની મહિલા ટીમે પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય મહિલાઓએ સાઉથ આફ્રિકન મહિલાઓને વન-ડે સિરીઝમાં ૩-૦થી પરાસ્ત કરીને અને એકમાત્ર ટેસ્ટમૅચમાં પણ જબરદસ્ત વિજય મેળવ્યા પછી ત્રણ મૅચની T20 સિરીઝમાં અંતિમ મૅચ ૧૦ વિકેટે જીતીને ૧-૧થી સિરીઝ બરાબર કરી હતી. પરિણામે સાઉથ આફ્રિકન વિમેન્સ ટીમે એક પણ સિરીઝ જીત્યા વગર સ્વદેશ પરત ફરવું પડ્યું છે. ભારતના ટૂરમાં એ માત્ર એક T20 મૅચ જીતી શકી હતી.
ગઈ કાલે ભારતીય ટીમે પહેલાં બોલિંગ પસંદ કરીને ૧૭.૧ ઓવરમાં ૮૪ રને વિરોધી ટીમને ઑલઆઉટ કરી હતી. ભારતીય ઓપનર્સ સ્મૃતિ માન્ધના (૫૪ રન)એ શફાલી વર્મા (૨૭ રન) સાથે મળીને ૧૦.૫ ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. હવે ૧૯ જુલાઈએ પાકિસ્તાન સામેની ટક્કરથી ભારતીય મહિલા ટીમ T20 એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.