Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું એનો દેશભરમાં જોરદાર જશન

ભારત ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું એનો દેશભરમાં જોરદાર જશન

Published : 05 March, 2025 09:38 AM | Modified : 06 March, 2025 06:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેમી-ફાઇનલમાં આૅસ્ટ્રેલિયાને ચાર વિકેટે હરાવીને સળંગ ત્રીજી વાર ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું ભારત

જમ્મુ, કાનપુર અને રાંચી

જમ્મુ, કાનપુર અને રાંચી


કી હાઇલાઇટ્સ

  1. ૫૦૯૪ દિવસ બાદ ICC નૉકઆઉટ મૅચમાં ભારતે કાંગારૂઓને હરાવ્યા
  2. 12 સેમી-ફાઇનલ મૅચ ICC ઇવેન્ટમાં જીતી ભારતે, ઑસ્ટ્રેલિયાનો ૧૧ જીતનો રેકૉર્ડ તોડ્યો
  3. 14મો ટૉસ સળંગ હાર્યું ભારત વન-ડે ક્રિકેટમાં

છેલ્લે ૨૦૧૧ની વન-ડે વર્લ્ડ કપની ક્વૉર્ટર-ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા ભારત સામે હાર્યું હતું, ૨૦૨૩ની વન-ડે વર્લ્ડ કપ ફાઇનલની હારનો બદલો પણ લઈ લીધો રોહિત ઍન્ડ કંપનીએ


ગઈ કાલે દુબઈમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચૅમ્પિયન્સ ટ્રોફીની રોમાંચક સેમી-ફાઇનલ મૅચ જોવા મળી હતી. કૅપ્ટન સ્ટીવ સ્મિથની ટીમે ૪૯.૩ ઓવરમાં ૨૬૪ રન ફટકારીને તમામ વિકેટ ગુમાવી દીધી હતી. જવાબમાં ભારતે વિરાટ કોહલીની રેકૉર્ડ-બ્રેક ૮૪ રનની ઇનિંગ્સની મદદથી ૪૮.૧ ઓવરમાં ૬ વિકેટના નુકસાન સાથે ૨૬૭ રન ફટકારીને ૨૬૫ રનનો ટાર્ગેટ ચેઝ કરી બતાવ્યો હતો. ચાર વિકેટે મળેલી જીતના આધારે ભારત ઓવરઑલ પાંચમી વાર અને સળંગ ત્રીજી વાર ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમશે. યજમાન દેશ પાકિસ્તાન સામે ફાઇનલ મૅચની યજમાની પણ છીનવાઈ ગઈ છે, કારણ કે ભારત તેની ફાઇનલ મૅચ દુબઈમાં જ રમશે. ઑસ્ટ્રેલિયા જીતી હોત તો ૯ માર્ચે ફાઇનલ લાહોરમાં યોજાઈ હોત.




ઑસ્ટ્રેલિયા સામે સેમી ફાઇનલ મૅચમાં ગઈ કાલે વિરાટ કોહલી મૅચવિનિંગ ૮૪ રનની ઇનિંગ્સ રમ્યો હતો.

ટૉસ જીતીને બૅટિંગ કરવા ઊતરેલા ઑસ્ટ્રેલિયાના યંગ ઓપનર કૂપર કૉલોની (શૂન્ય રન) અને અનુભવી ઓપનર ટ્રૅવિસ હેડ (૩૩ બૉલમાં ૩૯ રન)ની પાવરપ્લેમાં જ વિકેટ પડતાં ભારતીય ફૅન્સે રાહતનો શ્વાસ લીધો હતો. મૅચમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકારનાર ટ્રૅવિસ હેડને પહેલી ઓવરથી જ અનેક જીવનદાન મળ્યાં હતાં, પણ કાંગારૂ ટીમનો કૅપ્ટન સ્ટીવ સ્મિથ ભારત માટે માથાનો દુખાવો બન્યો હતો.


૯૬ બૉલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૭૩ રન ફટકારનાર સ્મિથે ત્રણ ૫૦ પ્લસ રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. તેણે બીજી વિકેટ માટે ટ્રૅવિસ હેડ સાથે ૩૨ બૉલમાં ૫૦ રન, માર્નસ લબુશેન (૩૬ બૉલમાં ૨૯ રન) સાથે ત્રીજી વિકેટ માટે ૮૫ બૉલમાં ૫૬ રન અને ઍલેક્સ કૅરી (૫૭ બૉલમાં ૬૧ રન) સાથે પાંચમી વિકેટ માટે ૫૮ બૉલમાં ૫૪ રનની પાર્ટનરશિપ કરી હતી.

બોલિંગ સમયે ટ્રૅવિસ હેડ અને સ્ટીવ સ્મિથના રિટર્ન કૅચ છોડનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ૧૦ ઓવરમાં ૪૮ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી. સ્પિનર વરુણ ચક્રવર્તી અને રવીન્દ્ર જાડેજાએ પણ મહત્ત્વપૂર્ણ સમયમાં બે-બે વિકેટ લઈને ટીમની વાપસી કરાવી હતી. ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે પણ એક-એક વિકેટ લઈને ૪૯.૩ ઓવરમાં કાંગારૂ ટીમને ૨૬૪ રનમાં ઑલઆઉટ કરવામાં યોગદાન આપ્યું હતું. 

મૅચ જોવા આવેલો વિવેક આૅબેરૉય

ICC નૉક-આઉટ મૅચમાં ઑસ્ટ્રેલિયા સામેનો હાઇએસ્ટ ૨૬૫ રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી ભારતની ટીમને કૅપ્ટન રોહિત શર્મા (૨૯ બૉલમાં ૨૮ રન) અને શુભમન ગિલે (૧૧ બૉલમાં ૮ રન) એકંદરે સારી શરૂઆત અપાવી હતી. પાવરપ્લેમાં ભારતીય ઓપનર્સની વિકેટ પડ્યા બાદ સ્ટાર બૅટર વિરાટ કોહલીએ (૯૮ બૉલમાં ૮૪ રન)એ ત્રીજી વિકેટ માટે શ્રેયસ ઐયર (૬૨ બૉલમાં ૪૫ રન) સાથે ૧૧૧ બૉલમાં ૯૧ રન, અક્ષર પટેલ સાથે ચોથી વિકેટ માટે બાવન બૉલમાં ૪૪ રન અને કે. એલ. રાહુલ (૩૪ બૉલમાં ૪૨ રન અણનમ) સાથે પાંચમી વિકેટ માટે ૪૬ બૉલમાં ૪૭ રનની પાર્ટનરશિપ કરીને ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. સ્ટાર પ્લેયર્સ વગરની કાંગારૂ ટીમ માટે સ્પિનર ઍડમ ઝૅમ્પા અને ફાસ્ટ બોલર નૅથન એલિસે સૌથી વધુ બે-બે વિકેટ ઝડપી હતી.

રોહિત શર્મા બની ગયો બધી ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ કૅપ્ટન
ICC વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩
ICC વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩
ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૪
ICC ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫

વિરાટ કોહલી આઉટ થયો ત્યારે સ્ટૅન્ડમાં બેસેલાં અનુષ્કા શર્મા અને વિરાટનો ભાઈ વિકાસ કોહલી તેનું અભિવાદન કરતાં જોવા મળ્યાં હતાં.

૧૪ વર્ષ બાદ કાંગારૂ ટીમને ICC નૉક-આઉટમાં ભારત સામે મળી હાર 

૧૬ મહિના પહેલાં વન-ડે વર્લ્ડ કપ ફાઇનલમાં અને છેલ્લાં ૧૪ વર્ષથી ICC ટુર્નામેન્ટની નૉક-આઉટ મૅચમાં મળેલી દરેક હારનો બદલો ટીમ ઇન્ડિયાએ ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામે લીધો હતો. ભારતીય ટીમ ICCની નૉક-આઉટ મૅચમાં છેલ્લે ઑસ્ટ્રેલિયાને માર્ચ ૨૦૧૧માં વન-ડે વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં જ હરાવી શકી હતી. ત્યાર બાદ ૨૦૧૫ની વન-ડે વર્લ્ડ કપ સેમી-ફાઇનલ, ૨૦૨૩ની વન-ડે વર્લ્ડ કપ ફાઇનલમાં અને ૨૦૨૩ની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલમાં ભારતે ઑસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ૪૯મી ઓવરના પહેલા બૉલ પર કે. એલ. રાહુલે ગ્લેન મૅક્સવેલના બૉલ પર સિક્સર ફટકારી ૫૦૯૪ દિવસ બાદ ICC ટુર્નામેન્ટના નૉક-આઉટમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતની જીત નિશ્ચિત કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

06 March, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK