છેલ્લી ૭ વિકેટ ૨૯ રનમાં ગુમાવનાર ભારતીય ટીમે થાઇલૅન્ડ સામે ૧૬૦ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરીને ૯૪ રને જીત નોંધાવી
વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના સાથે વિકેટની ઉજવણી કરતી દીપ્તિ શર્મા.
દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં રવિવારે ભારતીય ટીમે થાઇલૅન્ડને ૯૪ રને હરાવીને વિમેન્સ T20 એશિયા કપ 2026માં વિજયી શરૂઆત કરી હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ભારતીય ટીમે ઓપનર શફાલી વર્માના ૩૬ બૉલમાં ૬૪ રનની મદદથી ૧૫૯-૯નો સ્કોર કર્યો હતો. જવાબમાં થાઇલૅન્ડ ૧૬.૧ ઓવરમાં ૬૫ રનને તંબુભેગું થઈ ગયું હતું.
ભારતીય ટીમે થાઇલૅન્ડ જેવી ટીમ સામે છેલ્લી ૭ વિકેટ ૨૯ રનની અંદર ગુમાવી હતી. જોકે ભારતીય બોલિંગ યુનિટે હરીફ ટીમને ૧૦૦ રનના આંકડા સુધી પણ પહોંચવા દીધી નહોતી. ભારતીય ટીમ માટે સ્પિનર દીપ્તિ શર્મા અને ફાસ્ટ બોલર નંદિની શર્માએ ૩-૩ વિકેટ લીધી હતી. ક્રાન્તિ ગૌડે એક વિકેટ અને શ્રી ચરણીએ બે વિકેટ લીધી હતી. ૧૫૦મી વિમેન્સ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમી રહેલી દીપ્તિ શર્માએ સૌથી વધુ ૧૭૧ વિકેટ લેવાનો રેકૉર્ડ કર્યો હતો. થાઇલૅન્ડની ફાસ્ટ બોલર અને કૅપ્ટન થિપાચા પુત્થાવોંગ ૧૭૦ વિકેટ સાથે વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં બીજી સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી છે. દીપ્તિ શર્મા મહિલા T20 ઇન્ટરનૅશનલમાં ચાર ઓવરના સ્પેલમાં કોઈ રન આપ્યા વગર ત્રણ કે એથી વધુ વિકેટ લેનારી પ્રથમ ભારતીય ખેલાડી બની છે. મહિલા T20 ઇન્ટરનૅશનલમાં અગાઉ પચીસ વખત આવી ઘટના બની છે.
અમે હવે કોઈ પણ ટીમને હળવાશથી નહીં લઈએ : હરમનપ્રીત કૌર
ADVERTISEMENT
થાઇલૅન્ડ સામેની એશિયા કપ જીત પછી ભારતીય મહિલા ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌરે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. થાઇલૅન્ડની ધારદાર બોલિંગ સામે ટીમ ઇન્ડિયાને માત્ર ત્રણ રન એક્સ્ટ્રા મળ્યા હતા. છેક ૧૭મી ઓવરમાં થાઇલૅન્ડે પહેલો એક્સ્ટ્રા રન આપ્યો હતો. ટીમ ઇન્ડિયાએ છેલ્લી ૭ વિકેટ ૨૯ રનની અંદર ગુમાવી હતી.
હરમનપ્રીત કૌર કહે છે, ‘હું થાઇલૅન્ડના બોલરોને શ્રેય આપવા માગું છું. તેમણે એવાં ક્ષેત્રોમાં બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો જ્યાં બૉલને ફટકારવો સરળ નહોતો. મેં હંમેશાં કહ્યું છે કે એશિયા કપમાં રમી રહેલી બધી ટીમોએ નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે. કોઈ પણ ટીમને હળવાશથી ન લઈ શકાય, કારણ કે અમે આટલો મોટો સુધારો જોયો છે.’
