મહિલાઓમાં ન્યુ ઝીલૅન્ડની મેલી કેરને મળ્યો આ ખિતાબ
અર્શદીપ સિંહ અને ન્યુ ઝીલૅન્ડની મહિલા ઑલરાઉન્ડર મેલી કેરને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં.
ICCએ ૨૦૨૪ માટે મેન્સ અને વિમેન્સ T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટર ઑફ ધ યરની ગઈ કાલે જાહેરાત કરી હતી, જેમાં ભારતના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને ન્યુ ઝીલૅન્ડની મહિલા ઑલરાઉન્ડર મેલી કેરને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં. બન્નેએ ૨૦૨૪માં આયોજિત T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હતો.
પચીસ વર્ષના અર્શદીપ સિંહે ગયા વર્ષે વર્લ્ડ કપની ૮ મૅચમાં ૧૭ વિકેટ સહિત કુલ ૧૮ T20 મૅચમાં ૩૬ વિકેટ ઝડપી હતી. ૨૦૨૪માં T20 ઇન્ટરનૅશનલમાં તે પાંચમો હાઇએસ્ટ વિકેટટેકર બોલર હતો. બેસ્ટ મેન્સ T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટર બનવાની રેસમાં તેણે ઝિમ્બાબ્વેના સિકંદર રઝા, ઑસ્ટ્રેલિયના ટ્રૅવિસ હેડ અને પાકિસ્તાનના બાબર આઝમને પાછળ છોડ્યા હતા.
ADVERTISEMENT
ન્યુ ઝીલૅન્ડની મહિલા ઑલરાઉન્ડર મેલી કેરે ૨૦૨૪માં ૧૮ T20 મૅચમાં ૩૮૭ રન ફટકારીને ૨૯ વિકેટ ઝડપી હતી. વિમેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૪માં ૧૩૫ રન ફટકારીને ૧૫ વિકેટ લેનાર આ ઑલરાઉન્ડર પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ પણ બની હતી. સાઉથ આફ્રિકા સામેની ફાઇનલ મૅચમાં તેણે ૪૩ રન ફટકારી ત્રણ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ પણ જીત્યો હતો. કિવી ટીમે ૩૨ રને એ ફાઇનલ મૅચ જીતી હતી.