T20 ક્રિકેટમાં ધોનીથી આગળ નીકળી ગયેલો કાર્તિક કહે છે...
દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની
ભારતનો ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન દિનેશ કાર્તિક સાઉથ આફ્રિકાની SA20 ટુર્નામેન્ટમાં ભાગ લેનાર પહેલો ભારતીય ક્રિકેટર બન્યો છે. એને પગલે તેણે આ લીગમાં ૧૧ મૅચમાં ૮ ઇનિંગ્સમાં બૅટિંગ કરી ૧૨૧.૪૯ના સ્ટ્રાઇક-રેટથી ૧૩૦ રન બનાવ્યા છે. એને પગલે દિનેશ કાર્તિક (૭૫૩૭ રન) ભારતીય વિકેટકીપરોમાં T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોની (૭૪૩૨ રન)ને પછાડીને નંબર વનના સ્થાન પર પહોંચ્યો છે.
આ વિશે વાત કરતાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુનો મેન્ટર અને બૅટિંગ-કોચ કાર્તિક એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘હું ક્યારેય એવી વ્યક્તિ રહી નથી જેને રેકૉર્ડ્સથી ખૂબ આકર્ષિત કરવામાં આવે. કદાચ મારા રેકૉર્ડ્સ ખૂબ સારા નથી, મને ખબર નથી. એ જાણીને ખૂબ આનંદ થયો કે મેં ધોનીને પાછળ છોડી દીધો છે, પરંતુ એ થોડા જ સમયની વાત છે. તે મને (IPLમાં રમીને) પાછળ છોડી દેશે અને એ ઘટના ખરેખર મને પરેશાન નહીં કરે. વિકેટકીપર તરીકે સૌથી વધુ રન બનાવનાર તરીકેનો રેકૉર્ડ મારા નામે છે એ માટે હું ખુશ છું. પ્રામાણિકપણે એ જાણીને આનંદ થયો, પરંતુ એ એવી વસ્તુ નથી જેની હું ઇચ્છા રાખું છું અથવા જે હું ખરેખર ઇચ્છું છું. મને લાગે છે કે મારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત હતી કે દેશ માટે રમવું અને સારું પ્રદર્શન કરવું.’

