CSKના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે નિવૃત્તિની અફવાને ફગાવતાં કહ્યું...
શનિવારે દિલ્હી સામે ધોની ૨૬ બૉલમાં ૩૦ રનની ખૂબ જ ધીમી ઇનિંગ્સ રમ્યો હતો, જેને કારણે ચેન્નઈ ત્રીજી મૅચ હારી ગયું હતું.
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે IPLના સૌથી અનુભવી પ્લેયર મહેન્દ્ર સિંહ ધોની વિશે મોટું નિવેદન આપ્યું છે. શનિવારે ચેપૉક સ્ટેડિયમમાં ધોનીનાં મમ્મી-પપ્પાની હાજરીથી ક્રિકેટજગતમાં તેના રિટાયરમેન્ટની ચર્ચા શરૂ થઈ હતી, પણ સ્ટીફન ફ્લેમિંગે આ બધી નિવૃત્તિની અફવાને ફગાવી દીધી છે.
દિલ્હી કૅપિટલ્સ સામે ચેપૉકમાં ૧૫ વર્ષ બાદ મળેલી હાર પછી ધોનીની ધીમી બૅટિંગ અને તેની નિવૃત્તિ વિશે વાત કરતાં સ્ટીફન ફ્લેમિંગે કહ્યું, ‘ના, તેની સફરનો અંત લાવવાનું મારું કામ નથી. મને તેની સાથે કામ કરવાની મજા આવે છે. તે હજી પણ મજબૂત બની રહ્યો છે. હું આજકાલ તેને આ બાબતે કઈ પૂછતો પણ નથી. તે આવ્યો ત્યારે પિચ પર બૉલ થોડો અટકીને બૅટર તરફ આવતો હતો, તેણે જુસ્સો બતાવ્યો. તેણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખરેખર સારું કર્યું. ત્યાં રમવું ચોક્કસપણે મુશ્કેલ હતું એથી અમારા પ્રયત્નો છતાં મૅચ અમારા હાથમાંથી સરકી રહી હતી.’
ADVERTISEMENT
શું છે મહેન્દ્ર સિંહ ધોનીનો રિટાયરમેન્ટ પ્લાન?
ધોનીએ હાલમાં એક પૉડકાસ્ટમાં પોતાના રિટાયરમેન્ટ વિશે ચર્ચા કરતાં કહ્યું હતું કે ‘ના, હમણાં નહીં. હું હજી પણ IPL રમી રહ્યો છું. હું ૪૩ વર્ષનો છું, IPL 2025 પૂર્ણ થાય ત્યાં સુધીમાં હું ૪૪ વર્ષનો થઈશ એથી એ પછી મારી પાસે ૧૦ મહિના છે કે હું રમીશ કે નહીં એ નક્કી કરી શકું, પરંતુ એ હું નક્કી કરતો નથી, એ મારું શરીર છે જે નક્કી કરે છે.’
ધોનીએ 2023ની IPL સીઝન પછી નિવૃત્તિ લેવી જોઈતી હતી, એ તેમનો શ્રેષ્ઠ સમય હતો. તે પોતાનું સન્માન ગુમાવી રહ્યો છે. - ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારી

