ખેલવિશ્વની બીજા નંબરની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટની દાયકાઓ પછી થઈ ગણના : ૧૯૦૦ની પૅરિસ ઑલિમ્પિક ગેમ્સમાં માત્ર એક ‘ટેસ્ટ મૅચ’ રમાયેલી જેમાં બ્રિટને ફ્રાન્સને હરાવેલુંઃ ત્યાર પછી હવે પહેલી વાર ૨૦૨૮માં લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં ક્રિકેટનું થશે પુનરાગમન
ફાઇલ તસવીર
રમતગમતની દુનિયામાં ફુટબૉલ (સૉકર) પછી ક્રિકેટ બીજા નંબરની સૌથી લોકપ્રિય સ્પોર્ટ છે, પરંતુ સૌથી મોટા રમતોત્સવ ઑલિમ્પિક ગેમ્સમાં એને છેક ૧૨૮ વર્ષે કમબૅક કરવા મળ્યું છે. ૧૯૦૦ની પૅરિસ ઑલિમ્પિક્સમાં ક્રિકેટની એકમાત્ર મૅચ રમાઈ હતી અને ત્યાર પછી ક્રિકેટની બાદબાકી થઈ ગઈ હતી અને હવે ૨૦૨૮ની સાલમાં અમેરિકાના લૉસ ઍન્જલસમાં યોજાનારી ઑલિમ્પિક્સમાં ક્રિકેટની ટુર્નામેન્ટને સત્તાવાર રીતે એન્ટ્રી મળી ગઈ છે. ગઈ કાલે મુંબઈમાં આયોજિત ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઇઓસી)ના ૧૪૧મા સત્રમાં આ જાહેરાત કરવામાં આવી હતી. ૨૦૨૮ની ઑલિમ્પિક્સમાં મેન્સ અને વિમેન્સમાં ટી૨૦ ટુર્નામેન્ટ રમાશે.
ક્રિકેટ ઉપરાંત સ્ક્વૉશ, બેઝબૉલ/સૉફ્ટબૉલ, લૅક્રોઝ તથા ફ્લૅગ ફુટબૉલને પણ ૨૦૨૮ના સૌથી મોટા રમતોત્સવમાં પ્રવેશ અપાયો છે. ફ્લૅગ ફુટબૉલ અમેરિકન ફુટબૉલનો એક પ્રકાર છે જેમાં ખેલાડીએ હરીફ પ્લેયરને રગ્બી જેવા બૉલ સાથે આગળ વધતો રોકવા તેની કમર પરની રિબન ખેંચીને કાઢવી પડે છે.
ADVERTISEMENT
ઑલિમ્પિક્સમાં ક્રિકેટના સમાવેશથી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) તેમ જ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) બેહદ ખુશ છે.
૧૯૦૦ના વર્ષમાં રમાયેલી ‘ટેસ્ટ’નો નાટ્યાત્મક અંત આવ્યો હતો
ઑલિમ્પિક્સના ઇતિહાસમાં ફક્ત એક વાર ક્રિકેટની સ્પર્ધા યોજાઈ હતી અને એ ૧૯૦૦માં પૅરિસમાં રમાઈ હતી. બેલ્જિયમ અને નેધરલૅન્ડ્સે એન્ટ્રી પાછી ખેંચી લેતાં માત્ર બે દેશ (ગ્રેટ બ્રિટન અને યજમાન ફ્રાન્સ) બચ્યા હતા અને એમની ટોચની ક્લબ ટીમ વચ્ચે ટેસ્ટ-મૅચની જેમ બે ઇનિંગ્સવાળી મૅચ રમાઈ હતી. બન્નેએ ૧૧-૧૧ને બદલે ૧૨-૧૨ પ્લેયર રમાડવાનું નક્કી કર્યું હતું. ૨૪માંથી મોટા ભાગના ખેલાડીઓ બ્રિટિશર હતા. ૧૯૦૦ની ૧૯ ઑગસ્ટે શરૂ થયેલી બે દિવસની મૅચમાં બ્રિટને પહેલાં બૅટિંગ કરીને ૧૧૭ રન બનાવ્યા બાદ ફ્રાન્સને ૭૮ રનમાં ઑલઆઉટ કરી દીધું હતું. બીજા (છેલ્લા) દિવસે બ્રિટને પાંચ વિકેટે ૧૪૫ રનના સ્કોરે દાવ ડિક્લેર કરીને ફ્રાન્સને ૧૮૫નો ટાર્ગેટ આપ્યો હતો. ફ્રાન્સે પહેલી ૧૦ વિકેટ ફક્ત ૧૧ રનમાં ગુમાવી દીધી હતી. મૅચ સાંજે ૫.૦૦ વાગ્યે પૂરી થવાની હતી અને ફ્રાન્સના બૅટર્સ સમય કાઢી રહ્યા હતા જેથી મૅચ ડ્રૉ જાય. જોકે એ જ તબક્કે તેમની ૧૧મી (અંતિમ) વિકેટ પડી ગઈ અને બ્રિટનનો ૧૫૮ રનથી વિજય થયો હતો. બ્રિટનના ફાસ્ટ બોલર મૉન્ટેગુ ટૉલરે બીજા દાવમાં ૯ રનમાં ફ્રાન્સની ૭ વિકેટ લીધી હતી.
વૈશ્વિક મેળા તરીકે રમાઈ હતી મૅચ
કોઈક કારણસર બ્રિટિશ ટીમને સિલ્વર અને ફ્રેન્ચ ટીમને બ્રૉન્ઝ મેડલ અપાયો હતો. બન્ને ટીમને આઇફલ ટાવરની પ્રતિકૃતિ પણ અપાઈ હતી. બન્ને ટીમને પાકી જાણ નહોતી કે તેમની મૅચ પૅરિસ ઑલિમ્પિક્સના ભાગરૂપે રમાઈ છે, કારણ કે એ મૅચની સરખી જાહેરાત જ નહોતી કરાઈ. એ ક્રિકેટ મૅચની જાહેરાત વૈશ્વિક મેળાના હિસ્સાની મૅચ તરીકે કરવામાં આવી હતી. છેવટે બ્રિટિશ ટીમનો સિલ્વર મેડલ ગોલ્ડમાં અને ફ્રાન્સના બ્રૉન્ઝને સિલ્વરમાં ફેરવવામાં આવ્યો હતો. પછીની ઑલિમ્પિક્સ (૧૯૦૪ની સેન્ટ લુઇસ ઑલિમ્પિક્સ)માં ક્રિકેટની સ્પર્ધા માટે પૂરતી એન્ટ્રી ન આવી હોવાથી ત્યાર પછી ક્રિકેટનો આ સૌથી મોટા રમતોત્સવમાં સમાવેશ જ નહોતો થયો.
ઑલિમ્પિક્સની ટી૨૦ ટુર્નામેન્ટમાં કેટલા દેશ રમશે?
સામાન્ય રીતે ઑલિમ્પિક ગેમ્સમાં ૨૦૦થી વધુ દેશ ભાગ લેતા હોય છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)માં મેન્સ ટી૨૦માં ૮૭ મેમ્બર દેશો છે અને એમાં ભારત અત્યારે નંબર-વન છે. વિમેન્સ ટી૨૦માં ૬૬ દેશ આઇસીસીમાં મેમ્બર છે અને ભારત એમાં નંબર-ફોર છે. ૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સથી ક્રિકેટને કમબૅક મળ્યું છે. પાંચ વર્ષ પછીની એ ઑલિમ્પિક્સના નિયમ મુજબ એમાં તમામ ટીમ સ્પોર્ટ્સની ઇવેન્ટમાં (મેન્સ અને વિમેન્સ બન્નેમાં) ૬ દેશની ટીમ ભાગ લેશે. આઇસીસીએ જ લૉસ ઍન્જલસ ૨૦૨૮ ઑલિમ્પિક્સ આયોજન સમિતિને સૂચવ્યું હતું કે ‘અમે એક કટ-ઑફ ડેટ નક્કી કરીશું અને એ તારીખે જે ટી૨૦ રૅન્કિંગ હશે એના આધારે અમે ૬ ટીમ શૉર્ટલિસ્ટ કરીશું જેને ૨૦૨૮ની ઑલિમ્પિક્સમાં રમવા મોકલી શકાશે.’ ગયા શુક્રવારે આઇઓસીના સ્પોર્ટ્સ ડિરેક્ટર કિટ મૅક્કૉનેલે કહ્યું હતું કે ‘ક્રિકેટ સ્પર્ધા માટેની ક્વૉલિફિકેશન સિસ્ટમ વિશેનો અંતિમ નિર્ણય ૨૦૨૫ સુધી લઈ લેવામાં આવશે. સામાન્ય રીતે યજમાન દેશ (૨૦૨૮માં અમેરિકા) ટીમ સ્પોર્ટ્સમાંની એક ટીમ હોય છે અને ત્યાર પછી સંબંધિત રમતમાંના જાગતિક અને પ્રાદેશિક પ્રતિનિધિત્વને આધારે બાકીની ટીમને લઈને ટુર્નામેન્ટને સમતોલ બનાવાય છે.’
99
આઇઓસીના આટલા દેશોમાંથી ફક્ત બે દેશે ક્રિકેટ સહિતની પાંચ રમતને ૨૦૨૮ની ઑલિમ્પિક્સમાં સામેલ કરવા સામે વિરોધ કર્યો હતો.


