ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન જવાના ભારતના ઇનકાર બાદ હાઇબ્રિડ મૉડલમાં ટુર્નામેન્ટની યજમાની વિશે પાકિસ્તાન પાસેથી જવાબ માગ્યો છે
પ્રતીકાત્મક તસવીર
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન જવાના ભારતના ઇનકાર બાદ હાઇબ્રિડ મૉડલમાં ટુર્નામેન્ટની યજમાની વિશે પાકિસ્તાન પાસેથી જવાબ માગ્યો છે જેમાં ભારતીય ટીમની મૅચ પાકિસ્તાન નહીં પણ દુબઈ કે શ્રીલંકામાં યોજવાની વ્યવસ્થા થશે. આ અંતર્ગત પાકિસ્તાનને સમગ્ર હોસ્ટિંગ ફી અને મોટા ભાગની મૅચો મળશે.
૨૦૨૩ના એશિયા કપમાં ભારતની હાઇબ્રિડ મૉડલની માગણી સામે ઝૂકેલું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હવે કોઈ પણ બાબતમાં ભારતની માગણી સ્વીકારવાના મૂડમાં નથી. પાકિસ્તાની મીડિયાના અહેવાલ અનુસાર પાકિસ્તાન બોર્ડે આ મામલે સરકાર અને કાનૂની અધિકારીઓની સલાહ લેવાની શરૂઆત કરી છે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે આ મામલે ICC દ્વારા ભારતીય ટીમનું પાકિસ્તાનમાં ન આવવાનું કારણ લેખિતમાં માગ્યું છે.
ADVERTISEMENT
હાઇબ્રિડ મૉડલનો અસ્વીકાર કરીને પાકિસ્તાની બોર્ડ ટુર્નામેન્ટનો બહિષ્કાર પણ કરી શકે છે. અહેવાલ અનુસાર જો પાકિસ્તાન હાઇબ્રિડ મૉડલને નકારીને યજમાની ઠુકરાવશે તો ચૅમ્પિયન્સ ટ્રોફી સાઉથ આફ્રિકામાં યોજાઈ શકે છે. છેલ્લે ૨૦૦૯માં સાઉથ આફ્રિકાની ધરતી પર ચૅમ્પિયન્સ ટ્રોફી યોજાઈ હતી. હાલમાં ICC પાકિસ્તાન બોર્ડના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે. વર્ષ ૨૦૦૮ના મુંબઈ આતંકવાદી હુમલા બાદ ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. બન્ને ટીમ એકબીજા સાથે માત્ર ICC ટુર્નામેન્ટમાં જ રમે છે.

