ન્યુ ઝીલૅન્ડના ૩૨૦/૫ના જવાબમાં પાકિસ્તાન ૨૬૦ રનમાં ઓલઆઉટ
વિલ યંગે ૧૧૩ બૉલમાં ૧૦૭ રન કર્યા હતા (જમણે), ત્યાર બાદ ટૉમ લૅધમે પણ ૧૧૮ રન ફટકાર્યા હતા.
ગઈ કાલે ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી મૅચમાં ન્યુ ઝીલૅન્ડે પાકિસ્તાનને ૬૦ રનથી હરાવ્યું હતું. પાકિસ્તાને ટૉસ જીતીને ન્યુ ઝીલૅન્ડને પહેલાં બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. કિવી ઓપનર વિલ યંગ આ વખતનો પહેલો સેન્ચુરિયન બન્યો હતો. તેના પછી વિકેટકીપર ટૉમ લૅધમે પણ અણનમ સદી ફટકારી હતી. યંગે ૧૧૩ બૉલમાં ૧૦૭ રન અને લૅધમે ૧૦૪ બૉલમાં ૧૧૮ રન કર્યા હતા. ગ્લેન ફિલિપ્સે ૩૯ બૉલમાં ૬૧ રન કર્યા હતા. ન્યુ ઝીલૅન્ડે ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૨૦ રન કર્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાન ૪૭.૨ ઓવરમાં ૨૬૦ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું. ઓપનર બાબર આઝમે ૯૦ બૉલમાં હાઇએસ્ટ ૬૪ રન કર્યા હતા.
કરાચીના આકાશમાં ઍર ફોર્સનાં વિમાનો જોઈને ડરી ગયો કિવી ક્રિકેટર ડેવન કૉન્વે
ADVERTISEMENT
કરાચીમાં પાકિસ્તાન અને ન્યુ ઝીલૅન્ડની મૅચ ચાલી રહી હતી એ જ સમયે યોજાયેલા ઍર ફોર્સના ઍર શોને કારણે કિવી ક્રિકેટર ડેવન કૉન્વે ડરી ગયો હતો. આકાશમાં યુદ્ધવિમાનોને જોઈને તે ડરીને નીચે બેસી ગયો હતો, જાણે સંભવિત હુમલાથી પોતાને બચાવતો હોય. કૉન્વેની આ હરકત જોઈને તેના બે સાથીઓ હસતા જોવા મળ્યા હતા અને સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકોને પણ નવાઈ લાગી હતી.

