ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલમાં ‘ઇન્ડિયન ક્રિકેટર’માંથી ‘ક્રિકેટર’ શબ્દ કાઢી નાખતાં નિવૃત્તિની અટકળથી ચાહકો ચિંતામાં : જોકે ટ્વિટર અકાઉન્ટમાં હજી પણ ‘ઇન્ડિયન ક્રિકેટર’ લખાયું છે
ભુવનેશ્વર કુમાર
ભારતીય પેસ બોલર ભુવનેશ્વર કુમારે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં થોડો ફેરફાર કરીને પોતાના ક્રિકેટ-ભાવિ વિશે અસંખ્ય ચાહકોને વિચારતા કરી દીધા છે. ભારત વતી કુલ ૨૨૯ ઇન્ટરનૅશનલ મૅચ રમી ચૂકેલા ૩૩ વર્ષના આ બોલરે ઘણા સમયથી પોતાના ઇન્સ્ટાગ્રામ બાયોમાં ‘ઇન્ડિયન ક્રિકેટર’ લખ્યું હતું, પરંતુ હવે તેણે એમાંથી ‘ક્રિકેટર’ શબ્દ કાઢી નાખ્યો છે. હવે તેના પ્રોફાઇલમાં આ મુજબ લખ્યું છે ‘ઇન્ડિયન ઇન ફૅમિલી ફર્સ્ટ. પેટ લવર. કૅઝ્યુઅલ ગેમર.’
ભુવીએ પ્રોફાઇલમાં કરેલો આ ફેરફાર તેને માટે કદાચ નાનો હશે, પણ તેના ચાહકો માટે મોટો છે અને એટલે જ આ ફેરફાર ઇન્સ્ટાગ્રામ યુઝર્સની નજરથી બચી નથી શક્યો અને તરત જ ધ્યાનમાં આવી ગયો છે.
ADVERTISEMENT
ભુવીના કેટલાક ચાહકોએ પ્રત્યાઘાતમાં ચિંતા વ્યક્ત કરીને તેનો ઉત્સાહ વધારતી કમેન્ટ કરી છે. એક ચાહકે લખ્યું છે કે ‘તારું આ સાયલન્ટ ગુડબાય છે કે શું? યાર ભુવી!!!
અમને આશા છે કે તું જોરદાર કમબૅક કરીશ. ભારત વતી તું હજી ઘણું રમી શકે એમ છે.’ બીજા એક જણે લખ્યું કે ‘ભારતીય ક્રિકેટ માટે આ મોટી આઘાતજનક જાણકારી કહેવાય. તેને પોતાની કાબેલિયત પુરવાર કરવા તેને હજી એક ચાન્સ આપો.’ ત્રીજા ચાહકે લખ્યું કે ‘શું ભુવનેશ્વરની કરીઅરનો આ અંત છે કે શું?’
ગયા વર્ષે નવેમ્બર પછી ભુવીને ભારત વતી રમવાનો મોકો નથી મળ્યો. તેને કોઈ ઈજા હોવાના પણ ન્યુઝ નથી. આઇપીએલમાં હૈદરાબાદ વતી તમામ ૧૪ મૅચ રમ્યા પછી પણ તેને ભારત વતી ફરી રમવા નથી મળ્યું.
જોકે તેના ટ્વિટર અકાઉન્ટમાં એક ટ્રેઇનિંગ-રૂમમાં ઇન્ડિયન ફ્લૅગ નજીકની ભુવીની રિન્કુ સિંહ સાથેની તસવીર કંઈક જુદો જ સંકેત આપે છે. આ તસવીરે તેના ચાહકોને થોડી હૈયાધારણ આપી છે. તેના ટ્વિટર પ્રોફાઇલમાં હજી પણ ‘ઇન્ડિયન ક્રિકેટર’ લખાયું છે.


