તેમણે ફરીથી પાસપોર્ટ માટે ઍપ્લિકેશન કરી તો ફરીથી એ જ કારણસર રિજેક્ટ થઈ ગઈ અને તેમને ફરીથી નામ બદલવાનું કહેવામાં આવ્યું છે.
ઇલીન દ બોન્ટ
૧૬ વર્ષ પહેલાં બ્રિટનનાં ઇલીન દ બોન્ટ નામનાં બહેને બાળકો માટે ચૅરિટી ફન્ડ ઊભું કરવા પોતાના નામનું ઑક્શન હાથ ધર્યું હતું. તેણે ૫૦ નામનું લિસ્ટ બહાર પાડ્યું હતું અને એમાંથી જે વ્યક્તિ સૌથી વધુ પૈસા બાળકો માટે ડોનેટ કરશે તેને પોતાનું નવું નામ પાડવાનો હક મળશે. એ સમયે ઑક્શન જીતનારે ૪.૪ લાખ રૂપિયામાં ઇલીનબહેનનું નવું નામ પાડ્યું હતું પુડ્ઝી બેઅર. એ વખતે તો બહેને ખુશી-ખુશી એ નામ સ્વીકારી લીધું હતું, પણ શરૂઆતમાં અડચણ પડતી હતી. જોકે પછી તેમને એ નામ ગમવા લાગ્યું. તેમણે નવા નામ સાથે પાસપોર્ટ માટે અપ્લાય કરી તો એ રિજેક્ટ થઈ ગઈ. તેમને કહેવામાં આવ્યું કે આ નામ સાવ તુચ્છ છે અને એનાથી કૉપીરાઇટના ઇશ્યુઝ થઈ શકે છે. એ પુડ્ઝી બેઅરબહેને પાસપોર્ટની વાતને પડતી મૂકીને બીજી જગ્યાએ નામ બદલવાની પ્રક્રિયા હાથ ધરી. બૅન્ક અકાઉન્ટ્સ, લાઇટબિલ્સ અને લોકલ દરેક જગ્યાએ તેમનું નામ ઑફિશ્યલી બદલાઈ ચૂક્યું છે, પરંતુ માત્ર પાસપોર્ટમાં જ કામ બાકી હતું. નામ બદલ્યાનાં ૧૬ વર્ષ પછી તેમણે ફરીથી પાસપોર્ટ માટે ઍપ્લિકેશન કરી તો ફરીથી એ જ કારણસર રિજેક્ટ થઈ ગઈ અને તેમને ફરીથી નામ બદલવાનું કહેવામાં આવ્યું છે.

