પેન્ઝરબાઇક કે કૅથરિના ડાઇ ગ્રોસેને બનાવવામાં ૫૦૦૦ કલાક લાગ્યા હતા અને એમાં ૧૨૦ કિલો વેલ્ડિંગ વાયરનો ઉપયોગ થયો છે.
વિશ્વની સૌથી ભારેખમ મોટરસાઇકલ
છેલ્લા બે દાયકાથી વિશ્વની સૌથી ભારે રાઇડેબલ મોટરસાઇકલનો રેકૉર્ડ જેના નામે છે એ ‘પેન્ઝરબાઇક’ એક ટૅન્ક એન્જિનથી ચાલે છે. જર્મનીમાં હાર્ઝર બાઇક મોટરસાઇકલ શૉપ ચલાવતા બે ભાઈઓ ટીલો અને વિલ્ફ્રેડ નિબેલને ૨૦૦૩માં હાલબર સ્ટેટમાં પૂર્વ રેડ આર્મી બૅરેક તોડી પાડવામાં આવી ત્યારે સોવિયેટ T55 ટૅન્ક એન્જિનનું કટવે મૉડલ મળ્યું હતું. આ મૉડલ તેઓ પોતાના ઘરે લઈ ગયા હતા. અચાનક તેમને ટૅન્ક એન્જિન દ્વારા સંચાલિત મોટરસાઇકલ બનાવવાનો વિચાર આવ્યો. જોકે આ કટવેનો ઉપયોગ થઈ શકે એમ નહોતો એટલે તેમણે ત્રણ વર્ષ સુધી વર્કિંગ એન્જિન શોધ્યું. એન્જિન મળ્યા બાદ લગભગ એક વર્ષ સુધી પોતાની શૉપમાં રાતદિવસ જાગીને તેમણે પેન્ઝરબાઇક બનાવી હતી.
આ બાઇક જર્મનીમાં જર્મન લોકોએ બનાવી છે, પણ એમાં મોટા ભાગે સોવિયેટ પાર્ટ્સનો ઉપયોગ થયો છે. રસપ્રદ વાત એ છે કે ટીલો અને વિલ્ફ્રેડે મિલિટરી હેતુઓ માટે ઉપયોગમાં લેવાયેલા પાર્ટ્સથી જ આ બાઇક બનાવવાનું નક્કી કર્યું હતું. પેન્ઝરબાઇક કે કૅથરિના ડાઇ ગ્રોસેને બનાવવામાં ૫૦૦૦ કલાક લાગ્યા હતા અને એમાં ૧૨૦ કિલો વેલ્ડિંગ વાયરનો ઉપયોગ થયો છે. ૨૦૦૭માં પેન્ઝરબાઇકે ૫.૫ ટન વજન સાથે વિશ્વની સૌથી ભારે રાઇડેબલ મોટરસાઇકલનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો જેને હજી સુધી કોઈ તોડી શક્યું નથી.

