ગ્લાસગોમાં આવેલા એસડબ્લ્યુજી૩ નામના સ્થળે અનેક મોટી ડાન્સ-પાર્ટી યોજાય છે
પ્રતીકાત્મક તસવીર
ઇંગ્લૅન્ડના ગ્લાસગોમાં નવો જ પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં ડાન્સરના શરીરની ગરમીમાંથી રિન્યુએબલ એનર્જી બનાવાઈ છે. ગ્લાસગોમાં આવેલા એસડબ્લ્યુજી૩ નામના સ્થળે અનેક મોટી ડાન્સ-પાર્ટી યોજાય છે. આખા વર્ષ દરમ્યાન અનેક લોકો આખી રાત અહીં ઝૂમતા હોય છે, પરંતુ આ મહિનાથી ડાન્સરો અહીં માત્ર પોતાના શરીરની એનર્જી જ ખર્ચ નહીં કરે, ડાન્સ દ્વારા આ સ્થળને સીઝન મુજબ ગરમ કે ઠંડું રાખવામાં મદદ પણ કરશે. આ બધું બૉડીહીટ નામના ડાન્સ ફ્લોર પર થશે જે ડાન્સરના શરીરની ગરમીને ઊર્જામાં પરિવર્તિત કરશે. છેલ્લાં ત્રણ વર્ષથી ટાઉનરૉક એનર્જી અને એસડબ્લ્યુજી૩ દ્વારા સંયુક્તપણે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ટાઉનરૉક એનર્જીના ડેવિડ ટાઉનસૅન્ડે કહ્યું કે જ્યારે તમે રોલિંગ સ્ટોન પર ડાન્સ કરો છો ત્યારે ૨૫૦ વૉટ સુધીની વીજળી જનરેટ કરી શકો છો, પરંતુ જો મોટો ડાન્સ ફ્લોર હોય અને બધા જ ડાન્સ કરતા હોય તો ૫૦૦થી ૬૦૦ વૉટ થર્મલ એનર્જી ઉત્પન્ન કરી શકો છો. અહીં ઉત્પન્ન થયેલી ગરમીને ૫૦૦ ફુટ ઊંડા ૧૨ બોરહોલમાં લઈ જવામાં આવે છે, જે બૅટરી તરીકે કામ કરે છે અને આ એનર્જીને સેવ કરે છે. એ પછી એનો ઉપયોગ આ સ્થળને ગરમ રાખવામાં અથવા તો પાણી ગરમ કરવા માટે કરી શકાય છે. પરંપરાગત રીતે વાતાવરણને ગરમ કે ઠંડું રાખવા માટે વપરાતી પદ્ધતિ કરતાં આમાં ૯૦ ટકા ઓછો ખર્ચ થાય છે. બૉડીહીટના નિર્માણમાં ૬,૦૦,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૫.૫ કરોડ રૂપિયા)નો ખર્ચ થાય છે, જે પાંચ વર્ષમાં વસૂલ થઈ જશે.

