સોશ્યલ મીડિયા ‘ઍક્સ’ પર વેન્કટેશ ગુપ્તા નામના યુઝરે આ એન્જિનિયરનો પાછળથી પાડેલો ફૉટો શૅર કર્યો હતો.
એકલતા દૂર કરવા માઇક્રોસૉફ્ટનો સિનિયર એન્જિનિયર વીક-એન્ડમાં બની જાય છે ઑટોરિક્ષા-ડ્રાઇવર
બૅન્ગલોરમાં માઇક્રોસૉફ્ટ કંપનીમાં સિનિયર એન્જિનિયર તરીકે કામ કરતો એક કર્મચારી વીક-એન્ડમાં ઑટો ચલાવે છે. તેને ઓછા પૈસા મળે છે એટલા માટે નહીં, પણ વીક-એન્ડમાં એકલતા દૂર કરવા માટે તેણે આ રસ્તો શોધી કાઢ્યો છે. રિક્ષા ચલાવતી વખતે તે પૅસેન્જરો સાથે દિલ ખોલીને વાતો કરે છે. સોશ્યલ મીડિયા ‘ઍક્સ’ પર વેન્કટેશ ગુપ્તા નામના યુઝરે આ એન્જિનિયરનો પાછળથી પાડેલો ફૉટો શૅર કરીને લખ્યું છે, ‘કોરામંગલામાં ૩૫ વર્ષનો એક માઇક્રોસૉફ્ટ કંપનીનો સૉફ્ટવેર એન્જિનિયર વીક-એન્ડમાં લોન્લીનેસ દૂર કરવા માટે નમ્મા યાત્રી (ઑટો રિક્ષા) ચલાવે છે.’ અફકૉર્સ આ પોસ્ટમાં કેટલી સચ્ચાઈ છે એ વેરિફાય નથી થયું, પરંતુ આ પોસ્ટથી સોશ્યલ મીડિયામાં ચર્ચા જરૂર ઊઠી છે. યુવાનોમાં આવી એકલતાનું પ્રમાણ વધી રહ્યું છે. એક જણે લખ્યું હતું કે બૅન્ગલોર જેવા શહેરમાં સ્થાનિક ભાષા ન આવડતી હોય ત્યારે લોન્લીનેસનું પ્રમાણ વધી જાય છે. તો બીજા એકે લખ્યું હતું કે ટેક્નૉલૉજી ક્ષેત્રના પ્રોફેશનલ્સ વધારાની આવક માટે પણ આવું કરતા થઈ ગયા છે. થોડા સમય પહેલાં બૅન્ગલોરમાં હિન્દુસ્તાન કમ્પ્યુટર્સ લિમિટેડ કંપનીના એક કર્મચારીએ જૉબ છૂટી જતાં રૅપિડો ચલાવવાનું શરૂ કર્યું હતું.

