પોપટ બેટુનું વજન માત્ર ૯૮ ગ્રામ હતું અને ગાંઠનું વજન ૨૦ ગ્રામ એટલે ડૉક્ટરોએ ખૂબ સાચવીને ઑપરેશન કરવું પડ્યું.
બેટુ પોપટ
મધ્ય પ્રદેશના સતનામાં ચંદ્રભાણ વિશ્વકર્માના ઘરમાં ૨૦ વર્ષથી એક પોપટ છે. તેમણે એનું નામ પણ પાડ્યું છે ‘બેટુ’. થોડા મહિનાથી બેટુએ બોલવાનું અને થોડા દિવસોથી ખાવાપીવાનું બંધ કરી દીધું હતું એટલે વિશ્વકર્મા બેટુને જિલ્લા પૉલિક્લિનિકના ડૉ. બૃહસ્પતિ ભારતી પાસે લઈ ગયા. તપાસ કરતાં ખબર પડી કે પોપટના ગળામાં ગાંઠ થઈ ગઈ છે. ટ્યુમર ધીરે-ધીરે મોટું થઈ રહ્યું હતું એટલે એને ઑપરેશન કરીને કાઢી નાખવાનું નક્કી કર્યું, પરંતુ પોપટ બેટુનું વજન માત્ર ૯૮ ગ્રામ હતું અને ગાંઠનું વજન ૨૦ ગ્રામ એટલે ડૉક્ટરોએ ખૂબ સાચવીને ઑપરેશન કરવું પડ્યું. બે કલાક પછી ઑપરેશન પૂરું થયું અને બેટુને ઉગારી લેવાયો. હવે ૪-૫ દિવસ સુધી પોપટે દવાના આશરે રહેવું પડશે.

